Sunday 10 March 2013

દુહાષ્ટ્ક....

[૧ ] આભે ચમકી વીજળી ,ભીતર વરસે મેહ 
       ઓગળતો આ દેહ  પાણી જેવો  પાતળો.

[૨ ] ભીનો તરબોળ ધક્કો ને જલાગ્નીનો  ભાર 
       આવીને તું ઠાર   ભીની  ભીની  વાછટે  .

[૩]      તારા જેવા વાદળાં મારા જેવી વીજ
           વરસાવો તાવીજ ગગન વગાડે ડાકલાં.
[૪]    આપી દેતો મોરલો અવસરના એંધાણ 
        ખમવી કેમ ધાણ ? વરસે વાદળ પ્રીતના .
[૫]   મીઠી મીઠી લે 'રખી ને માટીની ગંધ 
         તારું મોઢું બંધ ? ફાંકી લેને  બૂકડે .
[૬] રાતના અંધારે રે ગીતો તમરાં ગાય 
       નીંદરડી પીંખાય  એમ ઝબૂકે આગિયા .
[૭]  કાલે કૂંપળ ઊગશે ચોગરદમ લીલાશ 
        હૈયે થાશે હાશ  ઠરશે મારો  જીવડો .
[૮] ઉભરાશે આકાશે પતંગિયાની ભીડ 
      ભૂલાશેમારું નીડ ઝાલી લેજે બાવડે 

                                           - હેમંત ગોહિલ 'મર્મર '

ગઝલ / હેમંત ગોહિલ


આ વસ્ત્ર એક જો વણાય તોય છે ઘણું ઘણું ,
મળ્યું છે એટલું મણાય તોય છે ઘણું ઘણું .

જવાબ તો બધાય પ્રેમમાં મળી જશે પછી ,
સવાલ એક હા ભણાય તોય છે ઘણું ઘણું .

કહે કબીર: ઈશ તો અસીમ 'ને અમાપ છે ,
જરાક જેટલો જણાય તોય છે ઘણું ઘણું .

નવો નથી ઉગાડવોય મોલ મારા ખેતરે ,
ભરેલ કણસલા લણાય તોય છે ઘણું ઘણું .

ભલે ન ભીતરે જવાય મુક્તકો તપાસવા ,
બહાર છીપલાં ગણાય તોય છે ઘણું ઘણું .

અહી હરે ફરે અપાર ઝૂંડ એષણા તણાં ,
કદીક એકબે હણાય તોય છે ઘણું ઘણું ,


                                - હેમંત ગોહિલ 'મર્મર '

ગઝલ .....તમારાં બારણાં ખોલો

ટકોરા  મારતા અંજળ : તમારાં  બારણાં ખોલો .
તમારી ભીતરે ઝળહળ : તમારાં બારણાં ખોલો .

અમારી  છે  અરજ કે આજ  ધીમે ઢાળજો પાંપણ ,

નજરમાં ઝૂલતી અટકળ : તમારાં બારણાં ખોલો .

નહીતર  આટલા   સમણાં કદી હલ્લો કરે આંખે ?

હશે એ પ્રેમની ચળવળ : તમારાં બારણાં ખોલો .

હવાનો  પણ  ભલા  ક્યારેક હડદોલો  અહી લાગે ,
મળે છે સુખ ક્યાં સમથળ !: તમારાં બારણાં ખોલો .

હવે  કાંઠા ધસે  હરપળ :  તમારાં બારણાં ખોલો .
નદીની જેમ હું ખળખળ : તમારાં બારણાં ખોલો .


                                -હેમંત ગોહિલ 'મર્મર '

   

    

      

ગઝલ .     ભાઈ ..ભાઈ

બોળી જ્યાં ચાંચ જરા સૂડે રે ભાઈ ..ભાઈ ...
ટીપામાં સરવર બૂડે રે ભાઈ ..ભાઈ ...

ચમકારા જેમ તમે ચમકીને જંપી ગ્યા ,
અંદર હજી માહ્યલો હરૂડે રે ભાઈ ..ભાઈ ...

જીવનભર ઘૂમ્યા તોયે ફેર નથી ઊતર્યા ,
કેવા ઘૂમાવ્યા પરભૂડે રે ભાઈ ..ભાઈ ...

દિવસો ઝંઝેડીને સપના ખંખેર્યા 'તા ,
દિવસો જ હવે જો ઝૂડે રે ભાઈ ..ભાઈ ...

ફૂલોનું કાંક હશે ચોરાયું તેથીસ્તો ,
ટોળે વળ્યાં છે મધપૂડે રે ભાઈ ..ભાઈ ...

એને આંગણ પૂરે ચોમાસા સાથિયા ,
ઉનાળું ધૂળ અહી ઉડે રે ભાઈ ..ભાઈ ...


                          - હેમંત ગોહિલ 'મર્મર '

દીવાસળીના લઘુ કાવ્યો / હેમંત ગોહિલ [ સાત લઘુ કાવ્યો ]


[1] દિવાસળી બળી ગઈ .....
એટલે દીવો સળગી ગયો .


[2] તું દિવાસળી ત્યાં ઘસ મા
નથી બાકસપણું બાકસમાં .


[3] દિવાસળી ઓલવાઈ ગઈ , દીવો પ્રગટાવીને .....

[4] બાકસ તો નરમાં નથી ને દિવાસળી તો નારી ,
તોય જન્માવે ઝળહળ જ્યોત ,કેવી છે બલિહારી !


[5] બાકસ નહીતર એમ કંઈ સળગે નહીં ,
નક્કી જ કોઈએ દિવાસળી ચાંપી હશે .


[6] તણખા ઝરે છે જો હજી ,
ખાલી થયેલા બાક્સે .


[7] દિવાસળીના ટોપકા માં હોય છે ટોળું ગઝલ

તણખા કરીને શબ્દના હું આગની ખોળું ગઝલ .


                                             - હેમંત ગોહિલ 'મર્મર '

ગઝલ... સંજોગ તું 

સંજોગ તું મીઠું હવે ભભરાવ મા ,
રૂઝી ગયેલા ઘાવને ચચરાવ મા

પોઢી ગયું છે સોડ તાણી સોણલું ,
ઓ શ્વાસ !તું સાંકળ હવે ખખડાવ મા .

સાંભળ જરા પાણી પણે તટને કહે :
નક્કોર પરપોટા નથી પપલાવ મા .

આકાશ ઊતરી ચીલઝડપે લઇ જશે ,
પાંખો અમસ્તી સ્હેજ પણ ફફડાવ મા .

વરસાદ તો બેઠો જ છે વરસી જવા ,
ભીની ભરેલી યાદને મમળાવ મા .

અમથો ઘસરકો વાઢ મૂકી જાય છે ,
કાજળ કરી નજરું હજી કકરાવ મા .

ફંટાય છે રસ્તો જ એના ઘર ભણી ,
નિર્દોષ પગલાંને પછી તતડાવ મા .


                                      - હેમંત ગોહિલ 'મર્મર '

ગઝલ

લ્યો ,સાચવી લ્યો દાવને બાજી હજી બગડી નથી ,
આ વાત માની જાવને બાજી હજી બગડી નથી .

લીલાશ તો ત્યાં આપમેળે સામટી ઊગી જશે ,
તું વાદળી વરસાવને બાજી હજી બગડી નથી .

પંખી બનાવી દઈશ હું એને કલા - કૌશલ્યથી ,
એકાદ પીછું લાવને બાજી હજી બગડી નથી .

આ ઝાડને મ્હોરી જવા મોસમ નથી તો શું થયું ?
હળવે જરા મલકાવને બાજી હજી બગડી નથી .

સળગી રહી છે આ હવા પણ આજ દાહક રાગથી ,
મલ્હાર જેવું ગાવને બાજી હજી બગડી નથી .

એની મજા કંઈ ઓર ને રંગત અનેરી હોય છે ,
વાવડ વગર તું આવને બાજી હજી બગડી નથી .

...- .હેમંત ગોહિલ 'મર્મર '

ટૂકી બહરની ગઝલ :

=-== =-==
સૂર્ય જેવી વાત કાઢે ,
જીવ એમાં રાત કાઢે .

મન ખરેખર છે મદારી ,

રોજ નોખી ભાત કાઢે .

એમ ઈશ્વર છેતરે છે ,

ફૂલ જેવી જાત કાઢે .

વટ પછાડી ચાર નાખું ,
વક્ત તીડી સાત કાઢે .

સીમ લીલી કેમ થઇ ગઈ ?

ગામ તો પંચાત કાઢે .

ચેત મનવા આ જગતથી ,

અંતમાં શરૂઆત કાઢે .

... હેમંત ગોહિલ

ગીત.....બ્રેકિંગ ન્યુઝ

----
કેડીના કાનમાં કહેતો મારગ કે તાજાખબર તને કહું ........
વાદળની website ખોલીને આજકાલ surfing કરેછે સીમ બહુ ....

આખ્ખું download ચોમાસું કરવાને ,
મંગાવી મોર કને flopy ,
folder અષાઢના open કરીને પછી ,
મારી દીધીછે એની copy .

કીધાછે save એણે ફોરાં કંઈ એટલાં કે રેલી હાલ્યા છે page સહુ ....

ખેડેલા ચાસમાં ધરબેલા programmes ,
લગરીક ના દુષ્કાળની બીક ;
માટીની મહેકનું ફેરવીને કર્સર ,
antivirus કરે click

ફાઈલ તો ઉનાળાની ખોલીને થાય એને ક્યારે delete કરી દઉં ....

પૂછે છે password શેઢો જ્યાં સ્હેજ; ત્યાં
કહેતી :એ વાત સિક્રેટ ;
રાખી સવાર -સાંજ લીલપનું laptop
,કર્યા કરે છે એ chat .

વરસાદની સાથે રોજ e-mailની આપ -લે માં કરી બેઠી છે e -love ...

---હેમંત ગોહિલ

ચકલીની ધોધમાર ઈચ્છાઓનું ગીત


ચકલીએ ચકલાને કાનમાં કહ્યું કે તું રમેશ પારેખનું ગીત ગા;
ભરમા રામ રામ જીરે .
આકળ વિકળ મારા થઇ જાયે આંખ કાન,એવો વરસાદ લઇ આવ,જા .
ભરમા રામ રામ જીરે.
આયખું તો ગોટમોટ પીછાનો ગુચ્છ ,એમાં ઝંખનાનો મોર કેમ ગૂંથવો?
ફળીયે પવન પૂરે મલ્હારી સાથિયાને , કંઠે ડૂમાય મને ઠુંઠવો,
વાયરાની વણબોટ વાછટ વીણીને મને સસ્મિત કરી દે કે ચકી ખા :
ભરમા રામ રામ જીરે .
રેલાતું જાય રોજ સામેનું ફળિયું જળવંતી છાંટના હિલ્લોળે ;
મારી ઈચ્છાનો એક પરપોટો ધૂળની ઢગલીમાં પાંખ ઝબકોળે ,
માલીપા મેઘધનુષ્ય મ્હોરે રંગીન; તું ચોમાસું ધોધમાર થા :
ભરમા રામ રામ જીરે .
ઘન ઘટા ઘનઘોર ગોરંભી હોય એવું આખ્ખું આકાશ મારે આંજવું ,
આયખું તો રોજ રોજ અંજળથી ઉટકું, શમણાને કેમ કરી માંજવું ?
આજે આળેખાવા છે ઓરતાને આભમાં ઘૂંટી દે અષાઢી વા .
ભરમા રામ રામ જીરે.
ચાસિયા જે ઘઉં પણ થૂ થૂ કરી દઉં મને ભૂરા આકાશની ભૂખ લાગી ,
દેશ કે પરદેશથી નદીયું તેડાવ , મને દરિયો પહેરવાની ખ્વાહીશ જાગી ,
કલરવ લઢાવ મારા દેહને લગાવ ,પીંછે પીંછે લવકે છે મને ઘા :
ભરમા રામ રામ જીરે.

-હેમંત ગોહિલ

ગીત / હેમંત ગોહિલ


મારશો મા કોઈ મને મ્હેણું .....
આંસુ તો બાઈ ,મારી સોળવટી આંખનું સાચુક્લું સાવ છે ઘરેણું .....

ફૂલ જેવું નામ દઈ શમણાંને રોજ સૌ ,
અંજળના જળ થકી સીંચતા ;
મ્હેક જેવી ડાળખીમાં ઝૂલાવી જાતને ,
સૌ સૌની રીતે સૌ હીંચતા .
મારી ભીતર એક યમુનાનું વ્હેણ અને વ્હેણે ઘૂમરાય છે વેણું ...

પંખીની પાંખમાંથી વેરાતું આભ ,
એમાં વાયરાઓ લાભ -શુભ ચીતરે ;
મારી ઈચ્છાનું એક ફરફરતું પિચ્છ અને
ઊઘડતા મેઘ ધનુષ્ય ભીતરે
ચીલાને કેમ કરી સમજાવું બાઈ ,કે મારગ ઊંચકીને હાલી રેણુ .....