Wednesday 17 July 2013

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર"

જળને પણ લાગે તરસ એ વાત હું માની ગયો છું ,
જોઈ દરિયાને તરત એ વાત હું માની ગયો છું.

"હું"પણાનું એક બખ્તર પહેરવાની ટેવ જૂની ,
ભેદવાનું છે કવચ એ વાત હું માની ગયો છું.

વાવણી તારી ગલીમાં કેમ પગલાંની કરું હું ?
ઓણ નબળું છે વરસ એ વાત હું માની ગયો છું.

એટલે ના વેડફું , હું સાચવું છું જીવ સરખી,
યાદ છે સાચી જણસ એ વાત હું માની ગયો છું.

મોત માટે એક કટકો કાચનો ક્યાં છે જરૂરી ?
એક છે કાફી કરચ એ વાત હું માની ગયો છું.

ફૂલદાની જેમ એણે તો સજાવી ઓરડામાં,
વેદના પણ છે સરસ એ વાત હું માની ગયો છું.

જિન્દગીમાં વ્યાપ્ત આ કાળાશ એવું તો બતાવે,
જ્યોતમાં પણ છે તમસ એ વાત હું માની ગયો છું.

Tuesday 16 July 2013

તુ જોઇ લેજે / ગઝલ... હેમન્ત ગોહિલ "મર્મર"

કાષ્ટમાં પણ આગ છે તું જોઇ લેજે, 
દર્દમાં પણ રાગ છે તું જોઇ લેજે

વસવસો ના રાખતો તું જોઇને રણ
ઝાંઝવાનો બાગ છે તું જોઇ લેજે .

મોત તો સુવાંગ આખું એકલાનું,
કોઇનો ક્યાં ભાગ છે તું જોઇ લેજે .

એમ કૈં પોલાણ ખાલી સંભવે ના,
બેઉ વચ્ચે માગ છે તું જોઇ લેજે .

સૂર્યમાં ક્ષિતિજ આજે ઓગળી ગઈ,
સાંજનો એ ત્યાગ છે તું જોઇ લેજે

ડૂબકી દઈએ ચલોને પાક હૈયે,
ત્યાં જ તો પ્રયાગ છે તું જોઇ લેજે

આટલા વર્ષેય છે અકબંધ નકશી
ખૂબ જૂનું સાગ છે તું જોઇ લેજે .

Saturday 13 July 2013

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

તને તું ગીરવે મૂકીને જીવે વાંક એમાં કોઈનો ક્યાં છે .
ન બીજાથી તું તારાથી જ બીવે વાંક એમાં કોઈનો ક્યાં છે .

આ આવરદા ય વંડી ઠેકતી પ્હોંચી હવે પાદર લાગી તું જો ,
છતાંયે રોજ તું છઠ્ઠીયા જ સીવે વાંક એમાં કોઈનો ક્યાં છે .

બધીયે રાખને ઉડાડતો તું ગામને દોષિત ગણે છે કાં?
લગાડી આગ તેં તારા જ દીવે વાંક એમાં કોઈનો ક્યાં છે .

નદીને હાથથી હડસેલતો હડસેલતો આવી ગયો કાંઠે ,
હવે ખાબોચિયું ખોબાથી પીવે વાંક એમાં કોઈનો ક્યાં છે .
ગીત ' /હેમંત ગોહિલ "મર્મર "

તને મારું આ જડવું ....
ફળ્યું છે મારું રોજ નજરની ગલીએ ભૂલા પડવું .

વાંકીચૂંકી વાત વચાળે 
વ્હાલનું સમથળ વહેવું ,
અલપઝલપ ઓહાણે તારું 
ભીતર આવી રહેવું .
કોઈ મભમ સંદેશો દેતું આંખે જળનું દડવું.....

શ્વાસહિંડોળે બેસી તારું
ગમતું નિશદિન ઝૂલવું ,
પાંખે બાંધી બેઠું પંખી
આભ આખાનું ખૂલવું .
ઘડી ઘડી મને ઝળહળ કરતુ કોઈ સપનાનું ઘડવું .

કંકુ સરખી જાત અમારી
જાણું :શું છે ઘૂંટવું ,
ટેરવે કૂંપળ ફૂટે એનું
ક્યાં અજાણ્યું ફૂટવું ?
કેમ ઉતારું જીભથી તારાં નામનું આવી ચડવું .
ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "
ડાળ લીલી વાયરે થોડી નમી છે ,
આંગણાને એટલે ઝાઝી ગમી છે .

લાગણીનું નાંખ દ્રાવણ માપસરનું ,
પ્રેમનો પ્રયોગ થોડો જોખમી છે .

ખીલતો ક્યારેક ને ક્યારેક ઠૂંઠું ,
લાગતું કે જીવ સાલ્લો મોસમી છે .

નામ મારું એટલે દીવો ન લેતો ,
ફૂંક જેવી એક એની બાતમી છે .

એમની મીઠી નજરનું તોય ક્યાં જળ ?
આમતો ડંકીય ક્યાં ઓછી ધમી છે .

હોત દરિયો તો ભલા તાગી શકું એને ,
કેમ તળ માપી શકું :આ આદમી છે .

તોય તારો મત મને આપી ગયો તું ,
જે તને દેખાય છે એતો ડમી છે .

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

શું બતાવું છતનું બીજું નામ હોય ,
દોસ્ત પણ દોલતનું બીજું નામ હોય .

બાળવા ખાતર હવે પૂછો ન કોઈ ,
રાખ કઈ હાલતનું બીજું નામ હોય .

પાંપણે સંદેશ પણ વંચાય જાય ,
આંખ ખુલ્લાં ખતનું બીજું નામ હોય .

હું વધેરું રોજ શ્રદ્ધા આજકાલ ,
બંદગી ચાહતનું બીજું નામ હોય .

ફાડ મા તું સાચવીને રાખ, ભાઈ 
ક્યાં પછી ઈજ્જતનું બીજું નામ હોય ?

જાવ નેતાકોશ ખોલી જોઈ લ્યોને 
રાજકારણ મતનું બીજું નામ હોય .

મેં અડીખમ આંખ રાખી રાહ બાજુ ,
તેં લખ્યું પર્વતનું બીજું નામ હોય .

ઈશને બદલે તને હું યાદ આવું 
એય પણ આરતનું બીજું નામ હોય .
અસરનું ગીત / હેમંત ગોહિલ "મર્મર "

અલપઝલપ ભીની અડી ગઈ ઓઢણી ને ચોમાસું થઇ ગયો છોકરો ....

તેદુનો છોકરો વરસે છે ધોધમાર 
વહેળાની જેમ વહે ભાન ;
ચોપડિયું ફેંદવાનું અળગું કરીને હવે 
ફૂલોની માંડી દુકાન .
પહેરાવે રોજ એને મલ્હારી ઝભલાં,હતો જે રાગ એનો ખોખરો .....

આખ્ખ્યુંયે ગામ હવે ઈચ્છે છે આભ આ 
કાઢે ખરાડતો સારું ;
લીલો દુકાળ ક્યાંક ઝીંકાશે ઓણ સાલ
એવું એંધાણ છે નઠારું .
હંફાતા શ્વાસ એના ફોરાં બનીને કહે :હવે હોનારત લ્યો કરો .