Friday 28 June 2013

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

પડેલી છાપ પગલાંની હવે ઊભો છું તેડીને ,
નથી અણસાર કે આભાસ એનો લેશ કેડીને.

હજીયે ઝણઝણાટી ખુદમાંથી સૂર થઇ વ્હેતી,
ગયું છે કોક મારા તારને હમણાં જ છેડીને .

હવે આવો અને ચાસે તમારા નામને વાવો ,
વરાંપેલા મેં ખેતરને કર્યું તૈયાર ખેડીને .

ખરેખર ગામ તો પૂનમ ગણી પૂજતું રહ્યું ;મૂક્યો
અમે ચ્હેરો તમારો ; ચાંદને આઘો ખસેડીને .

નશો રેલો બનીને એટલે તો નીતરે રુંવે,
નદી મેં ગટગટાવી છે તરસ બેફામ રેડીને .

હતી કંઈ બાંધણી એવી કે એમાં દોષ કોઈનો ક્યાં ?
ઝરૂખો ઝાડ થઇ જોયા કરે છે રોજ મેડીને .

જરા સંભાળજો મિત્રો 'ને હળવા હાથથી લેજો ,
ગઝલના રૂપમાં લાવ્યો રસીલા સ્વપ્ન વેડીને .
ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

પહેરતા પહેરતા જ આખરે ઝળી ગયું ,
હતું જે વસ્ત્ર ,વસ્ત્રના એ તત્વમાં ભળી ગયું .

નદી બધીય સંઘરીને હાથમાં હું રાખતો ,
છતાય એક દી ઝરણ મને ભલા છળી ગયું .

નથી જરાય દોષ ડાળખી કે વાયરાનો પણ ,
અરે ,એ ફૂલ ખુદના જ રૂપથી લળી ગયું .

તને ન કેમ વાર થઇ જરાય ,વાટ કાપતા ?
બતાવ તું ,ખરે જ કોક રાહમાં મળી ગયું ?

...ને ત્યારથી જરા જરા કરીને રણ બની ગયો ,
હરણ મને જ્યાં ઝાંઝવું ગણી અને વળી ગયું .
ધોધમાર ઝંખનાનું ગીત / હેમંત ગોહિલ "મર્મર "

હાલ્યને અટાણે સૈ ,હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું....
મુઠ્ઠીભર માવઠામાં તળિયું ય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ?

માંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં 
ચોમાસું કોઈનું મંગાય કૈં ?
વીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ 
ભીતરમાં કૈંક લંઘાય ,સૈ .
અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી , છાણાને કેટલું સંકોરવું ?

ફળિયામાં આમતેમ ટોળે વળીને કોક
મેંદી મૂક્યાની કરે વાતું ;
વાતું તો હોય સખી ,ઝરમરીયું ઝાપટું ,
ભીનું તરબોળ ક્યાં થવાતું ?
ચોમાસું હોય તોય મૂંગો મંતર એવા ખોટુંડા મોરમાં શું દોરવું ?

થઇ જાતી રાળ રાળ આખ્ખીયે સીમ એવો
ધીંગો વરસાદ મને ગોઠે ;
માટીની મહેક બની ફોરે ગરમાવો ત્યારે
તરસ્યું છીપાય મારી હોઠે .
ક્યાં લગ તરાગડે મોતીડાં ઠેલતીક વણવરસ્યા દિવસોને પોરવું ?

Tuesday 25 June 2013

ગઝલ /હેમંત ગોહિલ "મર્મર "

એષણાના કેટલાયે હૂક રાખે ,
રોજ ટાંગી લોક એમાં દુઃખ રાખે .

ઓહિયા કરતો રહે છે સર્વને તું ,
કાળ તું તો કેવડીયે ભૂખ રાખે .

એ કબૂલે છે બન્યા છે ભોગ જે જે ,
કે નજરમાં કોક તો બંધુક રાખે .

સોળ ઉપડી જાય એના વેણ સુણી,
જીભમાં પણ વીંઝતો ચાબૂક રાખે .

ઝાડવું વર્ષો પછી પણ છે અડીખમ ,
ડાળખીમાં યાદની સંદૂક રાખે .

હું પઠન પણ ના કરી શકતો ય એનું ,
એ ગઝલ કાયમ મને ભાવુક રાખે .

બાળપણ શેરી ઠઠાડી નીકળે છે ,
દોસ્ત ખિસ્સામાં હજી હાઉક રાખે

તું જ ટાણું હાથથી ચૂકી ગયો ,
એમ ઈશ્વર ક્યાં કદીયે ચૂક રાખે .

Sunday 23 June 2013


ગઝલ 


સૂર્યને સંકોરવા તૈયાર થા તું ,
આભ આખું બોરવા તૈયાર થા તું . 

મૂક માથાકૂટ સઘળી બાગ વિશે ,
ફૂલ છું તું : મ્હોરવા તૈયાર થા તું .

કોક આંધણ વ્હાલનું મૂકે પછીથી ,
જાત એમાં ઓરવા તૈયાર થા તું .

આયખાનું શ્વેત કાગળ :શ્વાસ પીંછી ,
જિંદગીને દોરવા તૈયાર થા તું .

ટાંકણું કૌવતનું બુઠ્ઠું રાખ મા તું ,
એક પથ્થર કોરવા તૈયાર થા તું .


                           -હેમંત ગોહિલ 'મર્મર '

Saturday 22 June 2013

સીમને મળેલા સુખનું ગીત ....

..........      .........     ........     ......
સીમ તો કેવી ખુલમખુલ્લા પડતાં ફોરાં ઝીલે ,
અમે અભરખા બાંધ્યા સૈયર ,મર્યાદાના ખીલે .

અમને સૈયર ,એમ હતું કે
જાડી ગાર્યું લીંપું ,
તોય ટરાટું રીઝવતુંકને 
આવ્યું જળનું ટીપું .
સ્હેજ ખપેડો ખેસવતોક ને વાયરો કૈંક પૂછી લે ...

સાવ સમૂળગી સૂધ બૂધ મૂઈની
છલકી હાલી શેઢે ;
અમે ગણી છે સમજણ સૈયર ,
આંગળિયું ને વેઢે .
અડતી વાછટ ઓશરિયે ને સણકા ઊપડે ડીલે ..

એવી લથબથ ભીંજી છેવટ
થઇ ગઈ એતો મ્હેક ,
અમે અમારે પાલવ સૈયર ,
બેઠાં બાંધી ગ્હેંક .
બાર્ય કડાકૂટ કરતી ત્યાં તો ભીતર કોઈ વરસી લે ...

-
હેમંત ગોહિલ "મર્મર "

Wednesday 19 June 2013

ચોમાસું / હેમંત ગોહિલ /"મર્મર "

તમારી વાતમાં છલકાય ચોમાસું ,
તમારા નામનો પર્યાય ચોમાસું .

નથી જળની હજી બારાક્ષરી શીખ્યા ,
પછી સંપૂર્ણ ક્યમ સમજાય ચોમાસું .

નહીં જો લાગણીનું સીમ રાખો તો ,
નહીં કવરેજમાં પકડાય ચોમાસું .

કરો જો બંધ બારી કે ધરો છત્રી ,
ભલા તોયે નહિ અટકાય ચોમાસું .

તમારી ઓઢણી અડકી જરા અમથી ,
અને  ત્યાં સામટું વેરાય ચોમાસું .

બને કે ગામ આખું બેખબર સૂતું ,
અને શેરી મહી ઝીંકાય  ચોમાસું .

અમે ખોબો ભરીને એટલે પીધું ,
ન ડીલે એમ કંઈ ચોળાય ચોમાસું .


Saturday 15 June 2013

માણસનું ગીત......
જીવતો લાગે ક્યારેક ; ક્યારેક સાવ મરેલો લાગે ,
આ માણસ ખાલી લાગે છે ; ક્યારેક ભરેલો લાગે .

ક્યારેક દાઢે વળગ્યા જેવો ,
ક્યારેક લાગે થૂ ;
ક્યારેક ઘટ ઘટ ઉતરી જાતો ,
ક્યારેક થાતો ફૂઉ ..
કડવો કડવો ક્યારેક એવો ,
એ એથી કડવું છે શું ?
ક્યારેક એવો મીઠો કે કંસાર કરેલો લાગે ......

ક્યારેક મૂરત થઇ પૂજાતો,
ક્યારેક એ ઠેબાતો ;
ક્યારેક મોંઘી મિલકત જાણે ,
ક્યારેક મફત વેચાતો .
એઠવાડ જેવો થઈને ક્યારેક
ફળિયામાં ફેંકાતો .
ક્યારેક એવો પાવન કે પ્રસાદ ધરેલો લાગે ..........

ક્યારેક વાદળ જેવું વરસે ,
ક્યારેક કોરોધાક્કોડ;
ક્યારેક લાગે રંક સુદામો ,
ક્યારેક તો રણછોડ .
અંધારાની સાથે ક્યારેક
ખુલ્લી બકતો હોડ .
ક્યારેક એવો જાણે કે દીપક ઠરેલો લાગે ........


                        - હેમંત ગોહિલ "મર્મર "
ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

હવે લ્યો , શબ્દનાં પોતાં તમે મૂકો : કવિને તાવ આવ્યો છે ,
તમે પાજો કરીને કાવ્યનો ભૂકો : કવિને તાવ આવ્યો છે.

પથારી રાખજો ઘેઘૂર સામેના ગઝલના ઝાડવા હેઠે 
હવે, હે અર્થની ડાળી !જરા ઝૂકો : કવિને તાવ આવ્યો છે .

નદીની જેમ છે લય-છંદની ભીનાશ ભીતર ખૂબ ઝાઝેરી ,
તમે ઓઢાડજો દરિયો હવે સૂકો : કવિને તાવ આવ્યો છે .

ઝરૂખે યાદ , થઈને નીર છલકે છે જરા સંભાળજો ,મિત્રો
છલોછલ આ ભરેલી આંખ ના લૂછો : કવિને તાવ આવ્યો છે .

ર.પા.,ગાલિબથી લઈ છેક જાઓ ને મળો જઈ સંજુ વાળાને ,
ખરો ઉપચાર એને જઈ તમે પૂછો : કવિને તાવ આવ્યો છે
ગીત ...સીમ ઉપર મેઘ જ્યારે ઝૂકશે 

સીમ ઉપર મેઘ જ્યારે ઝૂકશે .....
ગામના ઉતાર શા નવરા સૌ મોરલા મનફાવી વાતને ટહૂકશે.....

સૂક્કી વેરાન વાત ભૂલી ,શરમાઈ સીમ
ભીનું તરબોળ ગીત ગાશે ;
ભીતર ગરમાતો રોજ ઊનો અજંપો સાવ
માટીની મહેંક બની જાશે .
જાણીને આમ વાત વળખાશે વાયરો કૈંક એને પેટમાં ચૂંકશે.......

ધીંગો વરસાદ લળી એવું તો ચૂમશે કે
થઇ જાશે સીમ રાળ રાળ ;
કેડી -મારગ આંખ મીંચીને ચૂપચાપ
ઊતરશે ડુંગરીનો ઢાળ
મૂંગા મંતર બની ઊભેલાં ઝાડ સૌ નિહાકો આભ જેવો મૂકશે .....

ઊબડ ખાબડ કૈંક ઢાંકી ઢબૂરી સીમ
મખમલિયા શમણે પોઢશે ;
લીલ્લું કુંજાર કૈંક સળવળશે ક્યાંક ક્યાંક
આખ્ખો વરસાદ એ ઓઢશે .
કોકની શું વાત સખી ,આપણી માલીપાય સાગમટે બૂંગિયા ઢબૂકશે ....


                                               - હેમંત ગોહિલ "મર્મર "

ગીત ....લ્યો અમે જાગ્યા 


આંખો ચોળીને સ્હેજ બેઠા થયા ને તમે બોલ્યા કે લ્યો ,અમે જાગ્યા ....
પાંગતમાં પાગરણ ઝોકે ચડ્યું હજી 
સપના તાણે છે વળી ઘોરા;
તળિયે બાઝેલી હજી લીલ શી નીંદરામાં 
લપસી પડ્યા છે શ્વાસ કોરા .
છબછબિયાં કરી તળ તાગ્યા !!!.... 
આંખો ચોળીને સ્હેજ બેઠા થયા ને તમે બોલ્યા કે લ્યો ,અમે જાગ્યા ....

સમજણના પોપચાં થાય છે ઉઘાડ -વાસ
અજવાળું ઊભું અટકળમાં ;
આંખ્યું ઊઘડવાથી જાગી જવાય તો તો
થઇ જાયે સંત ,સૌ પળમાં .
ભીતર ઝાલર -શંખ વાગ્યા ??....
આંખો ચોળીને સ્હેજ બેઠા થયા ને તમે બોલ્યા કે લ્યો ,અમે જાગ્યા ....


                                          - હેમંત ગોહિલ "મર્મર "

Thursday 13 June 2013


ગઝલ ...

કવિને તાવ આવ્યો છે 

હવે લ્યો , શબ્દનાં પોતાં તમે મૂકો : કવિને તાવ આવ્યો છે ,
તમે પાજો કરીને કાવ્યનો ભૂકો : કવિને તાવ આવ્યો છે.

પથારી રાખજો ઘેઘૂર સામેના ગઝલના ઝાડવા હેઠે 
હવે, હે અર્થની ડાળી !જરા ઝૂકો : કવિને તાવ આવ્યો છે .

નદીની જેમ છે લય-છંદની ભીનાશ ભીતર ખૂબ ઝાઝેરી ,
તમે ઓઢાડજો દરિયો હવે સૂકો : કવિને તાવ આવ્યો છે .

ઝરૂખે યાદ , થઈને નીર છલકે છે જરા સંભાળજો ,મિત્રો
છલોછલ આ ભરેલી આંખ ના લૂછો : કવિને તાવ આવ્યો છે .

ર.પા.,ગાલિબથી લઈ છેક જાઓ ને મળો જઈ સંજુ વાળાને ,
ખરો ઉપચાર એને જઈ તમે પૂછો : કવિને તાવ આવ્યો છે.


                                   હેમંત ગોહિલ "મર્મર "

Wednesday 12 June 2013

ઓગળવાના અવસરનું ગીત / હેમંત ગોહિલ "મર્મર "


છમ્મ છાંટો ઝીલ્યો રે સૈયર , પહેલવારૂકા એક ;
આખ્ખેઆખી થઇ ગઈ ભીની માટીની  હું  મહેક .

દોથોક હોય તો દાબી દઈને ,
બાંધી લઈએ ફાંટ ;
આતો આખ્ખેઆખું નભ છે
જળથી ફાટમફાટ.
કમખે ટાંક્યા મોરલિયા સાગમટે કરતા ગ્હેંક.......  

આખ્ખેઆખી થઇ ગઈ ભીની માટીની  હું  મહેક .

નફ્ફટ વાયુ પાલવ ખેંચી
કહી ગયો કંઈ વાત ;
વાંસું વાંસું કમાડ ત્યાં તો
ઓગળી ગઈ'તી જાત .
વાછટીયાને વીંધી વાછટ આવી ગઈ હળવેક ....
  આખ્ખેઆખી થઇ ગઈ ભીની માટીની  હું  મહેક .

બે કાંઠે ચિક્કાર છલકતી
આખી જાય પન્નાળ;
રેલો થૈને હું હાલી ;ખેંચે
નેવાંના એ ઢાળ .
કૈં વેળાનો ગોરંભાતો રાતે વરસ્યો છેક .......
આખ્ખેઆખી થઇ ગઈ ભીની માટીની  હું  મહેક .

ગઝલ ....મને પૂછ્યા કરે છે લોક રસ્તામાં ..



મને પૂછ્યા કરે છે લોક રસ્તામાં ,
તને  ભૂલી  ગયું છે કોક રસ્તામાં ?

કરી હલ્લો મને ઘાયલ કરી દેશે ,
બને તો દોસ્ત !સમણાં રોક રસ્તામાં .

વચોવચ નામ મૂક્યું એમનું ચોરસ ,
બની બેઠું હવે એ ચોક રસ્તામાં .

હતો જે કંઠ એતો ગીરવે મૂક્યો ,
હવે આવ્યો ધરીને ડોક રસ્તામાં .

નહિ રોકાય: જે જળ છે વહી જાશે ,
ભલેને લાખ ખીલા ઠોક રસ્તામા.

નથી રોયા અમે એ વાત જૂઠ્ઠી છે ,
નથી મૂકી ખરું છે પોક રસ્તામાં .

અરે પગલાં !તમે લઈ લ્યો પરત બાનુ,
અમે રસ્તો કર્યો છે ફોક રસ્તામાં .

હવે એ જળ બધું દરિયો બની છલકે ,
તમે ઢોળ્યું હતું ખોબોક રસ્તામાં .

                             - હેમંત ગોહિલ "મર્મર "

Saturday 8 June 2013

ગઝલ .તમે જીવો જ છો 

તમે જીવો જ છો એનો પુરાવો આપવા વિનંતી ,
ભરો છો શ્વાસ રોજે એ ન દાવો આપવા વિનંતી .

નથી સ્વીકાર્ય જે જે આંખની સામે બનેલા છે ,
બને છે ભીતરે એવા બનાવો આપવા વિનંતી .

પછી જૂઓ તમે કે એકલાનો પણ બને મેળો ,
ભરી છે ફૂંક મેંતો ;એક પાવો આપવા વિનંતી .

હવે મંદિર જીર્ણોધ્ધાર ઝંખે ;યાદનો ફાળો ,
તમે ના ચોપડે ખાલી લખાવો :આપવા વિનંતી .

અમે તો પાટ માંડી આજ બેઠા હે ગઝલદેવી !
ભરી છે શબ્દની ચપટી ,વધાવો આપવા વિનંતી .

                      

-.. હેમંત ગોહિલ 'મર્મર '

ગીત....બાઈ, મારે સમજાવવું કેમ કરી ઝાડને 


..... બાઈ ,મારે સમજાવવું કેમ કરી ઝાડને ?
ફૂટે નહીં ડાળખી ,ફૂટે નહીં પાંદડાં કે ફૂટે નહીં કૂંપળ કમાડને ....

ઘેઘૂર લીલાશ કરે જૌહર સાગમટે ,
ડૂબે આક્રંદ સૂકી છાલમાં ;
પંખી ઊડેને ઝાડ કાષ્ટ બની જાય
એવી ઘટનાનાં મૂળ હોય વ્હાલમાં .
વ્હેરાવી જાત તોય બોલ્યા નહીં વેણ પણ વેઠી વેઠાય ના તિરાડને ......

ઢોળાતા છાંયડા ને વળગ્યો વળગાડ એવો ,
પાન જેમ ખેરવે સમૂળગા ભાન ;
દિલાસો કેમ કરી ડાળખીને આપીએ ?
પાંદડાનું નામ લઇ ખરતું વેરાન .
વરણાગી વાત લઇ હાલી જ્યાં લ્હેરખી તો રોકવાના કોડ જાગ્યા વાડને ....

 હેમંત ગોહિલ 'મર્મર '


  
                                         


ગીત ..ભાષાની એક નદી વહે છે 

ભાષાની એક નદી વહે છે .....
ટીપે ટીપે અક્ષર લઈને વહે શબ્દાળુ ધાર ,
ધીર ગંભીર અર્થાળું પટના ઊંડા તળ અપાર
જળને આવું જળ કહે છે ....

કોઈ તરાવે તણખલું ને કોઈ ઊર્મિની હોડી ,
કોઈ તરાપો તરતો મૂકે પરપોટાને ફોડી .
જળ તો કેવું કેવું સહે છે .....

વ્યાકરણ ના કાંઠાની વચ્ચે વહે સકલ અભિલાષા ,
ભાષાનું જળ સમજાવે છે જળને જળની ભાષા
જળ તો કેવળ જળ રહે છે ......

                 -     હેમંત ગોહિલ "મર્મર "

ગીત........ મારું આકાશ મને આપો .


...... મારું આકાશ મને આપો .
કોમળ પીછાંનો સાવ સાચો પર્યાય હોય એવી હળવાશ મને આપો .
આપી આપીને કોઈ આપે છે ફૂંક ,
અહી આપે છે કોઈ ક્યાં લ્હેરખી ;
પોતીકો રંગ મૂકી આળેખવી ભાત કેમ ?
જીવતર જીવાય જ્યાં મ્હેરથી .
ખોબો ભરીને ક્યા માગ્યું છે સાહ્યબા ચપટીક બસ સુખ મને આપો .

ગણી ગીત સૌ આપે બુલબુલને ,
મેળવે છે રોજ એનો તાળો ;
મનગમતા રાગ પછી કેમ કરી છેડવા ?
ટહુકાનો માગે સરવાળો .
વગડો જો હોય તો વાંધો ક્યા હોય છે સાથે પલાશ મને આપો .

સૌનો દિવસ હોય સૌને સુવાંગ
પણ સૌનો સૂરજ હોય એક ;
ઓઢે છે કોઈ રાત કાળીડીબાંગ અને
ઓઢે છે કોઈ રોજ સમણાં અનેક .
આખ્ખું ચોમાસું દઉં ચાકળામાં ગૂંથી લગરીક ભીનાશ મને આપો .


                                                    - હેમંત ગોહિલ "મર્મર "