ગીત

ગીત ...... કોણ આવ્યું દરવાજે ? / હેમંત ગોહિલ "મર્મર "

............................................ ............... ..........
કહોને ,કોણ આવ્યું દરવાજે ?
વગડે ઊભી વરખડી જેમ કોળી ઊઠ્યા આજે !!!

સરવે સૈયર જળ ભરતી' ને
તમે ભર્યું છે નામ ;
તમે તળાવે પગ ઝબકોળ્યો 
નીતરી હાલ્યું ગામ .
નથી અષાઢી દિવસો તોયે અંબર શીદને ગાજે ?

ભીંત ભાતીગળ ચંદરવો 'ને 
ઓશરી થઇ ગઈ દરિયો ;
પંડ પતંગિયું થઇ ગયો ,જ્યાં 
શ્વાસ બન્યો સાંવરિયો .
લજ્જા રેલો થૈને હાલી ,ઢાંકો કેમ મલાજે 

ભાષા ગોટો થઇ ને ઊભડક 
બેસી ગઈ છે ખૂણે ;
અજવાળું પહેરીને અંજળ 
ફળિયે આવી ધૂણે.
બિન ઘૂંઘરું કે પાયલ ઐસે ઘડી ઘડી ક્યૂં બાજે ?



ધોધમાર ઝંખનાનું ગીત / હેમંત ગોહિલ "મર્મર "

હાલ્યને અટાણે સૈ ,હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું....
મુઠ્ઠીભર માવઠામાં તળિયું ય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ?

માંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં 
ચોમાસું કોઈનું મંગાય કૈં ?
વીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ 
ભીતરમાં કૈંક લંઘાય ,સૈ .
અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી , છાણાને કેટલું સંકોરવું ?

ફળિયામાં આમતેમ ટોળે વળીને કોક
મેંદી મૂક્યાની કરે વાતું ;
વાતું તો હોય સખી ,ઝરમરીયું ઝાપટું ,
ભીનું તરબોળ ક્યાં થવાતું ?
ચોમાસું હોય તોય મૂંગો મંતર એવા ખોટુંડા મોરમાં શું દોરવું ?

થઇ જાતી રાળ રાળ આખ્ખીયે સીમ એવો
ધીંગો વરસાદ મને ગોઠે ;
માટીની મહેક બની ફોરે ગરમાવો ત્યારે
તરસ્યું છીપાય મારી હોઠે .
ક્યાં લગ તરાગડે મોતીડાં ઠેલતીક વણવરસ્યા દિવસોને પોરવું ?




ગીત / હેમંત ગોહિલ 'મર્મર '

આંખો ચોળીને સ્હેજ બેઠા થયા ને તમે બોલ્યા કે લ્યો ,અમે જાગ્યા ....
પાંગતમાં પાગરણ ઝોકે ચડ્યું હજી 
સપના તાણે છે વળી ઘોરા;
તળિયે બાઝેલી હજી લીલ શી નીંદરામાં 
લપસી પડ્યા છે શ્વાસ કોરા .
છબછબિયાં કરી તળ તાગ્યા !!!.... 
આંખો ચોળીને સ્હેજ બેઠા થયા ને તમે બોલ્યા કે લ્યો ,અમે જાગ્યા ....

સમજણના પોપચાં થાય છે ઉઘાડ -વાસ
અજવાળું ઊભું અટકળમાં ;
આંખ્યું ઊઘડવાથી જાગી જવાય તો તો
થઇ જાયે સંત ,સૌ પળમાં .
ભીતર ઝાલર -શંખ વાગ્યા ??....
આંખો ચોળીને સ્હેજ બેઠા થયા ને તમે બોલ્યા કે લ્યો ,અમે જાગ્યા ....

ઓગળવાના અવસરનું ગીત / હેમંત ગોહિલ "મર્મર "

છમ્મ છાંટો ઝીલ્યો રે સૈયર , પહેલવારૂકા એક ;
આખ્ખેઆખી થઇ ગઈ ભીની માટીની  હું  મહેક .

દોથોક હોય તો દાબી દઈને ,
બાંધી લઈએ ફાંટ ;
આતો આખ્ખેઆખું નભ છે
જળથી ફાટમફાટ.
કમખે ટાંક્યા મોરલિયા સાગમટે કરતા ગ્હેંક.......
આખ્ખેઆખી થઇ ગઈ ભીની માટીની  હું  મહેક .

નફ્ફટ વાયુ પાલવ ખેંચી
કહી ગયો કંઈ વાત ;
વાંસું વાંસું કમાડ ત્યાં તો
ઓગળી ગઈ'તી જાત .
વાછટીયાને વીંધી વાછટ આવી ગઈ હળવેક ....
  આખ્ખેઆખી થઇ ગઈ ભીની માટીની  હું  મહેક .

બે કાંઠે ચિક્કાર છલકતી
આખી જાય પન્નાળ;
રેલો થૈને હું હાલી ;ખેંચે
નેવાંના એ ઢાળ .
કૈં વેળાનો ગોરંભાતો રાતે વરસ્યો છેક .......
આખ્ખેઆખી થઇ ગઈ ભીની માટીની  હું  મહેક .

ગીત ..ભાષાની એક નદી વહે છે 

ભાષાની એક નદી વહે છે .....
ટીપે ટીપે અક્ષર લઈને વહે શબ્દાળુ ધાર ,
ધીર ગંભીર અર્થાળું પટના ઊંડા તળ અપાર
જળને આવું જળ કહે છે ....

કોઈ તરાવે તણખલું ને કોઈ ઊર્મિની હોડી ,
કોઈ તરાપો તરતો મૂકે પરપોટાને ફોડી .
જળ તો કેવું કેવું સહે છે .....

વ્યાકરણ ના કાંઠાની વચ્ચે વહે સકલ અભિલાષા ,
ભાષાનું જળ સમજાવે છે જળને જળની ભાષા
જળ તો કેવળ જળ રહે છે ......

                 -     હેમંત ગોહિલ "મર્મર "

  ગીત........ મારું આકાશ મને આપો .



...... મારું આકાશ મને આપો .
કોમળ પીછાંનો સાવ સાચો પર્યાય હોય એવી હળવાશ મને આપો .
આપી આપીને કોઈ આપે છે ફૂંક ,
અહી આપે છે કોઈ ક્યાં લ્હેરખી ;
પોતીકો રંગ મૂકી આળેખવી ભાત કેમ ?
જીવતર જીવાય જ્યાં મ્હેરથી .
ખોબો ભરીને ક્યા માગ્યું છે સાહ્યબા ચપટીક બસ સુખ મને આપો .

ગણી ગીત સૌ આપે બુલબુલને ,
મેળવે છે રોજ એનો તાળો ;
મનગમતા રાગ પછી કેમ કરી છેડવા ?
ટહુકાનો માગે સરવાળો .
વગડો જો હોય તો વાંધો ક્યા હોય છે સાથે પલાશ મને આપો .

સૌનો દિવસ હોય સૌને સુવાંગ
પણ સૌનો સૂરજ હોય એક ;
ઓઢે છે કોઈ રાત કાળીડીબાંગ અને
ઓઢે છે કોઈ રોજ સમણાં અનેક .
આખ્ખું ચોમાસું દઉં ચાકળામાં ગૂંથી લગરીક ભીનાશ મને આપો .



                                                    - હેમંત ગોહિલ "મર્મર "

 ગીત



..... બાઈ ,મારે સમજાવવું કેમ કરી ઝાડને ?
ફૂટે નહીં ડાળખી ,ફૂટે નહીં પાંદડાં કે ફૂટે નહીં કૂંપળ કમાડને ....

ઘેઘૂર લીલાશ કરે જૌહર સાગમટે ,
ડૂબે આક્રંદ સૂકી છાલમાં ;
પંખી ઊડેને ઝાડ કાષ્ટ બની જાય 
એવી ઘટનાનાં મૂળ હોય વ્હાલમાં .
વ્હેરાવી જાત તોય બોલ્યા નહીં વેણ પણ વેઠી વેઠાય ના તિરાડને ......

ઢોળાતા છાંયડા ને વળગ્યો વળગાડ એવો ,
પાન જેમ ખેરવે સમૂળગા ભાન ;
દિલાસો કેમ કરી ડાળખીને આપીએ ?
પાંદડાનું નામ લઇ ખરતું વેરાન .
વરણાગી વાત લઇ હાલી જ્યાં લ્હેરખી તો રોકવાના કોડ જાગ્યા વાડને ....



                                              - હેમંત ગોહિલ "મર્મર "

  ગીત / હેમંત ગોહિલ "મર્મર "


સપના આવેને તોય થઇ જાય મિસકોલ એવું કવરેજ વિનાનું સાવ ગામ ....
અધખુલ્લા બારણાંની ઝૂલતી તિરાડમાં 
અજવાળું લૂંબઝૂંબ ઊગ્યું ;
આભેથી ઉતરીને ચોમાસું ધોધમાર
પાંપણની કોર લગી પૂગ્યું .
આખ્ખીયે ફોનબુક થઇ ગઈ છે ફૂલ સાવ કીધું જ્યાં save એક નામ .....

હંફાતા શ્વાસ રી-ડાયલ કર્યા કરે
અંજળની બેટરી તો low;
ભાષાય ભૂલાય જાય સઘળા મેસેજની
લાગણી જો આપી દે ખો .
ખુદનું balance જ્યાં હોય નહીં ત્યાં પછી બાકી balance તો નકામ....

કાળું ડીબાંગ ધટ્ટ અંધારું display માં
ઓરસ ચોરસ થઇ બેઠું ;
મારી ગયું લકવો આખ્ખુયે key - board ,
ખરી ગયેલ ટેરવાને વેઠું .
ઓટોમેટિક થયાં સાયલન્સ મોડ પર ફળિયા ,શેરી ,ઘર ,પાધર તમામ .....




બાપ -દીકરાના સંવાદનું ગીત / હેમંત ગોહિલ 'મર્મર '

દીકરો :
પપ્પા ,મને એક થાય છે સવાલ તમે મમ્મીને કઈ રીતે ગોતી ?
નહોતો મોબાઈલ , નહોતી કંઈ વેબ સાઈટ fb પણ ક્યાંય નહોતી ......
ઝાકળથી લથબથ તાજા ગુલાબનું
આપેલું ફૂલ કોણે પહેલું ?
વાદળ જેવું કૈંક આંજીને કોણ
કોનામાં જઈ વરસેલું ?
સપનાની જેમ કોઈ અધખુલ્લી બારીએથી તમને એ રોજ રોજ જોતી ?...
બાપ :
જૂઓ સરકાર ! આતો અંગત છે મામલો
મારી સુવાંગ છે મૂડી ;
અંગત હોય વાત એ ના પંગતમાં પીરસાય
સમજણ વસાવો તમે રૂડી .
થડ જેવી વાત છે :રોપી છે જૂઈ મેં મારામાં સાવ મૂળસોતી ........
દીકરો :
વધે છે કુંવરીની જેવી અધીરાઈ એને
કેવી ફૂટપટ્ટીથી માપું ?
ઘરને દીવાલ ;ના ઘરમાં દીવાલ -એવું
કહે છે મોરારિબાપુ.
તમને જડે ગીત બનીને રોજ રોજ મમ્મી એને એમ ખોતી ?...
બાપ :
નજરુંના હિંચકે બેસીને રોજ અમે
સપનાની ચોકલેટ ચાખી ;
સમજાવું કેમ તને ખોબો ભરીને અમે
પીધી 'તી નદીયું આખી .
ટુંકમાં કહું તો મેં ગણી હતી વીજળી ,એણે પરોવ્યું 'તું મોતી .....


ગીત... કાનમાં કહે છે એને 

કાનમાં કહે છે એને ખાનગી કે'વાય તો સાનમાં કહે છે એ શું ?
બતાવને જીવણા ,તું .

આમ તો બધાંની વચ્ચે હોય છે આકાશ તોય ,
એકલા અટૂલા સાવ ઝૂરવાનું ;
ઝંખના હશે કે હશે મામલો જો ઝાડવાનો ,
ખાતર તો બેઉમાં છે પૂરવાનું .
વાતમાં વસે છે એને વ્હાલપ કે'વાય તો જાતમાં વસે છે એ શું ?
બતાવને જીવણા ,તું .

ખોબલા ભરીને હું તો ઓરતા રે ઓરતી ,
સાનભાન તો સાવ ઓલવાયા ,
પંડમાં ધરીને દોમ અટકળના દરિયાને ,
વાયરા તો ગોળગોળ વાયા .
છીપમાં વસે છે એને મોતી કે'વાય તો પ્રીતમાં વસે છે એ શું ?
બતાવને જીવણા ,તું .


                                    - હેમંત ગોહિલ 'મર્મર '

                                     - હેમંત ગોહિલ 'મર્મર '









ગીત  ... સીસમનો ઢોલિયો

સીસમનો ઢોલિયો હો બંગડીની જોડ
નીંદરની વારતામાં ઊગ્યા રે કોડ ...કોડ રણક્યા કરે .

પીળો ઉજાગરો હળવેક ચૂમ્યો
પાંપણ ના પરદે પંછાયો ઝૂમ્યો
શૂળ જેવું આરપાર રેશમની સોડ
કાળઝાળ અંધારે ઓરતાના છોડ ...છોડ મહેક્યા કરે .

વરસાદ પીધાનો વહેમ નીતરે
સમજણનું જળ ગલગોટા ચીતરે
જળ હારે ઢેફલાને ભીંજ્વાની હોડ
જીવતર યાને કે સપનાની દોડ ...દોડ બટકયા કરે .

                                    - હેમંત ગોહિલ 'મર્મર '

 

 

  ગીત / હેમંત ગોહિલ

કાગળ જેવી જાત ; જાતમાં અગ્નિ મેં કોરાવ્યો ,
સૈયર !અગ્નિ મેં કોરાવ્યો .
મૂકી પટોળે ભાત ;ભાતમાં દરિયો મેં દોરાવ્યો ,
સૈયર !દરિયો મેં દોરાવ્યો .
લખી લાભ -શુભ કંકુવરણા ,
ધબકારામાં ઘૂંટ્યા ;
સગપણ જેવા શ્રીફળ ઘરને ,
ઉંબર આવી ફૂટ્યા .
દીવે ટાંગી રાત ; રાતમાં અંધાર મેં બોરાવ્યો ,
સૈયર !અંધાર મેં બોરાવ્યો .
નજરુંના તોરણ બાંધી મેં ,
અંજળ લીપ્યા ફળિયે ;
અટકળ પ્હેરી ઊભી હું તો ,
લોચનના ઝળઝ્ળીયે .
કોઈ મળ્યાની વાત ; વાતમાં અવસર મેં ઓરાવ્યો ,
સૈયર !અવસર મેં ઓરાવ્યો .

 

 

 

વસંત ગીત ....હળવા પવનની આવી છે લહેરખી ..

હળવા પવનની આવી છે લહેરખી , લાવી છે વાત સંગ ફાગની રે લોલ 
દોરે  પતંગિયા  રંગોળી  આભમાં , પાડે  કોયલ ભાત  રાગની  રે લોલ
ઊડતા ભમરા પૂછે છે ફૂલને ,
રૂડા અવસર ક્યાંથી આવિયા રે લોલ 
વહેતા પવનમાં તડકાની પીછીએ ,
સૌરભના કોણ પૂરે સાથિયા રે લોલ 
રાતુંચટ્ટાક  કૈક પ્હેરીને સોણલાં ખાખરાની ડાળીએ ફૂટ્યા રે લોલ 
લીલેરી સીમના નીતરતા કંઠથી વરણાગી ગીતડાં વછૂટ્યા રે લોલ 
ઊડતી કુન્જડીયુંની લંબાતી હાર થઇ 
આખુંયે આભ  હવે ઝૂમે ર લોલ 
ટૌકાની ઝાંઝરી પ્હેરીને લ્હેરખી
રૂમઝૂમ  રૂમઝૂમ  ઘૂમે રે લોલ 
પ્હેરીને  પાન   નવા  ઝૂમે છે  ડાળખી લેતી  કૂંપળના  ઓવારણાં  રે લોલ 
રૂડા અવસર ક્યાંક પરબારા જાય નહીંખુલ્લાં રાખ્યાં છે મેં તો બારણાંરે લોલ

                                                     - હેમંત ગોહિલ 'મર્મર '

 

 

 

 

દુહાષ્ટ્ક....

[૧ ] આભે ચમકી વીજળી ,ભીતર વરસે મેહ 
       ઓગળતો આ દેહ  પાણી જેવો  પાતળો.

[૨ ] ભીનો તરબોળ ધક્કો ને જલાગ્નીનો  ભાર 
       આવીને તું ઠાર   ભીની  ભીની  વાછટે  .

[૩]      તારા જેવા વાદળાં મારા જેવી વીજ
           વરસાવો તાવીજ ગગન વગાડે ડાકલાં.
[૪]    આપી દેતો મોરલો અવસરના એંધાણ 
        ખમવી કેમ ધાણ ? વરસે વાદળ પ્રીતના .
[૫]   મીઠી મીઠી લે 'રખી ને માટીની ગંધ 
         તારું મોઢું બંધ ? ફાંકી લેને  બૂકડે .
[૬] રાતના અંધારે રે ગીતો તમરાં ગાય 
       નીંદરડી પીંખાય  એમ ઝબૂકે આગિયા .
[૭]  કાલે કૂંપળ ઊગશે ચોગરદમ લીલાશ 
        હૈયે થાશે હાશ  ઠરશે મારો  જીવડો .
[૮] ઉભરાશે આકાશે પતંગિયાની ભીડ 
      ભૂલાશેમારું નીડ ઝાલી લેજે બાવડે 

                                           - હેમંત ગોહિલ 'મર્મર '

 

 

ગીત... હેમંત ગોહિલ 'મર્મર '

----
કેડીના કાનમાં કહેતો મારગ કે તાજાખબર તને કહું ........
વાદળની website ખોલીને આજકાલ surfing કરેછે સીમ બહુ ....
આખ્ખું download ચોમાસું કરવાને ,
મંગાવી મોર કને flopy ,
folder અષાઢના open કરીને પછી ,
મારી દીધીછે એની copy .
કીધાછે save એણે ફોરાં કંઈ એટલાં કે રેલી હાલ્યા છે page સહુ ....
ખેડેલા ચાસમાં ધરબેલા programmes ,
લગરીક ના દુષ્કાળની બીક ;
માટીની મહેકનું ફેરવીને કર્સર ,
antivirus કરે click
ફાઈલ તો ઉનાળાની ખોલીને થાય એને ક્યારે delete કરી દઉં ....
પૂછે છે password શેઢો જ્યાં સ્હેજ; ત્યાં
કહેતી :એ વાત સિક્રેટ ;
રાખી સવાર -સાંજ લીલપનું laptop
,કર્યા કરે છે એ chat .
વરસાદની સાથે રોજ e-mailની આપ -લે માં કરી બેઠી છે e -love ...

---હેમંત ગોહિલચકલીની ધોધમાર ઈચ્છાઓનું ગીત


ચકલીએ ચકલાને કાનમાં કહ્યું કે તું રમેશ પારેખનું ગીત ગા;
ભરમા રામ રામ જીરે .
આકળ વિકળ મારા થઇ જાયે આંખ કાન,એવો વરસાદ લઇ આવ,જા .
ભરમા રામ રામ જીરે.
આયખું તો ગોટમોટ પીછાનો ગુચ્છ ,એમાં ઝંખનાનો મોર કેમ ગૂંથવો?
ફળીયે પવન પૂરે મલ્હારી સાથિયાને , કંઠે ડૂમાય મને ઠુંઠવો,
વાયરાની વણબોટ વાછટ વીણીને મને સસ્મિત કરી દે કે ચકી ખા :
ભરમા રામ રામ જીરે .
રેલાતું જાય રોજ સામેનું ફળિયું જળવંતી છાંટના હિલ્લોળે ;
મારી ઈચ્છાનો એક પરપોટો ધૂળની ઢગલીમાં પાંખ ઝબકોળે ,
માલીપા મેઘધનુષ્ય મ્હોરે રંગીન; તું ચોમાસું ધોધમાર થા :
ભરમા રામ રામ જીરે .
ઘન ઘટા ઘનઘોર ગોરંભી હોય એવું આખ્ખું આકાશ મારે આંજવું ,
આયખું તો રોજ રોજ અંજળથી ઉટકું, શમણાને કેમ કરી માંજવું ?
આજે આળેખાવા છે ઓરતાને આભમાં ઘૂંટી દે અષાઢી વા .
ભરમા રામ રામ જીરે.
ચાસિયા જે ઘઉં પણ થૂ થૂ કરી દઉં મને ભૂરા આકાશની ભૂખ લાગી ,
દેશ કે પરદેશથી નદીયું તેડાવ , મને દરિયો પહેરવાની ખ્વાહીશ જાગી ,
કલરવ લઢાવ મારા દેહને લગાવ ,પીંછે પીંછે લવકે છે મને ઘા :
ભરમા રામ રામ જીરે.

-હેમંત ગોહિલ

ગીત / હેમંત ગોહિલ


મારશો મા કોઈ મને મ્હેણું .....
આંસુ તો બાઈ ,મારી સોળવટી આંખનું સાચુક્લું સાવ છે ઘરેણું .....

ફૂલ જેવું નામ દઈ શમણાંને રોજ સૌ ,
અંજળના જળ થકી સીંચતા ;
મ્હેક જેવી ડાળખીમાં ઝૂલાવી જાતને ,
સૌ સૌની રીતે સૌ હીંચતા .
મારી ભીતર એક યમુનાનું વ્હેણ અને વ્હેણે ઘૂમરાય છે વેણું ...

પંખીની પાંખમાંથી વેરાતું આભ ,
એમાં વાયરાઓ લાભ -શુભ ચીતરે ;
મારી ઈચ્છાનું એક ફરફરતું પિચ્છ અને
ઊઘડતા મેઘ ધનુષ્ય ભીતરે
ચીલાને કેમ કરી સમજાવું બાઈ ,કે મારગ ઊંચકીને હાલી રેણુ .....

ગીત .............

 મનના મુલકનો હું છું ભડરાજવી ..

મનના મુલકનો હું છું ભડરાજવી કોઈની  દખલ મને  ગમતી  નથી .
મારી  સમજણના હું આળેખું સાથિયા કોઈની નકલ મને ગમતી નથી .
હૈયે હરખનો એને અણસાર શું ? 
ચીતર્યા ચીલામાં જે ચાલ્યા કરે ,
ઊબડખાબડ ક્યાંક વણખેડી ભોમ પર 
આપણા આ રામ તો મહાલ્યા કરે .
મારગે મંજૂર છે ખીણ -નદી  કોતરો ,સફર સરલ મને  ગમતી  નથી .

ઊંચા ગઢના રે કોઈ ઊંચેરા કાંગરા ,
એવા ઊંચા રે મારા ઓરતા ,
હણહણતા અશ્વના પડઘાતા ડાબલા ,
સમણે આવીને  ઝક્ઝોરતા.
રાખું તોફાન  એક ઊછળતું  આંખમાં ,આંખો  સજલ મને ગમતી નથી .

વરસવું  એટલે કે  વાદળની જેમ 
મને નેવાંની જેમ નથી ફાવતું ,
છબછબિયાં કરી મોજ માણવામાંહોય શું ?
દોડી  મન ડૂબકી  લગાવતું .
આપો તો જળ ;જળ ઝીલેલા આપજો , બીજી  વકલ મને  ગમતી  નથી .

                                                            - હેમંત ગોહિલ  "મર્મર

ગીત

માટે ગોકુળમાં હડતાલ છે .

                      .............................. માટે ગોકુળમાં હડતાલ છે .
કાનજી કરીને એક છોકરાનું સાનભાન ચોર્યાનું રાધા પર આળ છે .

શેરીના છોકરાઓ કરતા વાતું કે આતો કેવી છે છોકરી  ઘેલી ,
એક એક ઝાડવે ને એક એક પાંદડે છે કાનની વારતા લખેલી .
બેઠેલી હોય રોજ કદમ્બના છાંયડે ને યમુના હોય આંખમાં મઢેલી 
કોક કહે : કાલ્ય તો મોરના પીછામાં એણે ચિઠ્ઠી લખ્યાની  ભાળ છે
                           .............................. માટે ગોકુળમાં હડતાલ છે .

સમજણ  મૂકી છે એણે  શીકામાં ઝૂલતીને અધખુલ્લા રાખ્યા છે બારણાં,
નજરુંના    નેતરાને   વીંઝે છે   આમતેમ  હૈયે   વલોવે છે  ધારણા
પૂનમની  ચાંદનીમાં   બોળીને કોક દી  માંજ્યા  કરે  છે સંભારણા
ફૂટેલી મટકીને પૂછે છે  ગામ :"બોલ ,કિયા કંકર ની  આ ચાલ  છે 
                          .............................. માટે ગોકુળમાં હડતાલ છે .


વ્હેલા પરોઢીયે વહેતી થઇ વાત કે રાધાને કોઈ ના બોલાવતા ,
વાતું  તો  થાય એમાં  વાયરાને શું ? એતો રાધાનું મોઢું ખોલાવતા ,
થાકી હારીને છેક સાંજે  બોલી છે રાધા ,મોરપિચ્છ હાથમાં ઝૂલાવતા 
વાંસળીના સૂર મહીં ઘૂંટાતી વેદના 'ને ,વેદનામાં ઝાંઝરનો તાલ છે 
                          .............................. માટે ગોકુળમાં હડતાલ છે .

                                               - હેમંત ગોહિલ 'મર્મર '

સીમને મળેલા સુખનું ગીત ....

સીમ તો કેવી ખુલમખુલ્લા પડતાં ફોરાં ઝીલે ,
અમે અભરખા બાંધ્યા સૈયર ,મર્યાદાના ખીલે .
અમને સૈયર ,એમ હતું કે
 જાડી ગાર્યું લીંપું ,
તોય ટરાટું રીઝવતુંકને  
આવ્યું જળનું ટીપું .
સ્હેજ ખપેડો ખેસવતોક ને વાયરો કૈંક પૂછી લે ...
સાવ સમૂળગી સૂધ બૂધ મૂઈની 
છલકી હાલી શેઢે ;
અમે ગણી છે સમજણ સૈયર ,
આંગળિયું ને વેઢે .
અડતી વાછટ ઓશરિયે ને સણકા ઊપડે ડીલે ..
એવી લથબથ ભીંજી છેવટ 
થઇ ગઈ એતો મ્હેક ,
અમે અમારે પાલવ સૈયર ,
બેઠાં બાંધી ગ્હેંક .
બાર્ય કડાકૂટ કરતી ત્યાં તો ભીતર કોઈ વરસી લે ...

                                    - હેમંત ગોહિલ "મર્મર "

ગીત ...કૂણી કૂંપળ જ્યારે ફૂટશે ...

કૂંણી કૂંપળ જ્યારે ફૂટશે ....
પરથમ હવાનો ગઢ હલબલશે સામટો ને છેવટમાં તડ દઈ  તૂટશે ......
સૂરજ લઇ આવશે સોનેરી પારણું  
                         ને ઝૂલાવશે કિરણોનું ખોયું ;
ગલઢું મોસૂઝણું ઝાકળને પૂછશે :
                         "એનું મો જઈ તેં જોયું ?"
મીઠી વધામણીની આશાએ ડાળ ડાળ મુઠ્ઠીક પતંગિયા વછૂટશે ........
પંખી લઈ આવશે કલરવના દેશથી ,
                          ટૌકાનું રેશમી ઝભલું ;
ભીની માટીની મ્હેંક ઝાલીને આંગળી 
                            ધીમે મંડાવશે પગલું .
ડાળીનો ડાયરો છાંયડાના વારસને લીલાં ક્સુમ્બામાં ઘૂંટશે ......

આવીને વસંત એના લેશે ઓવારણાં ને
                      કે 'શે  કે લાલ  ઘણું  જીવો 
મારીયે   આંખ ત્યાં ઢોળશે નજર  અને ,
                                  કે 'શે  કે અમીરસ પીઓ
ખુદની હયાતીનો મેળવશે તાગ ત્યારે ખુદમાંથી આભ થોડું ખૂટશે ....

                                                       - હેમંત ગોહિલ "મર્મર "

ઓગળવાના અવસરનું ગીત ..

છમ્મ છાંટો ઝીલ્યો રે સૈયર ,પહેલવારૂકા એક .....
આખ્ખે આખ્ખી થઈ ભીની માટીની  હું મ્હેંક ........
દોથોક હોય તો દાબી લઈને 
બાંધી લઈએ ફાંટ ;
આતો આખ્ખે આખ્ખું નભ છે 
જળથી ફાટમ ફાટ 
કમખે ટાંક્યા મોરલિયા સાગમટે કરતા ગ્હેક ...
નફફટ વાયુ પાલવ ખેંચી 
કહી ગયો કંઈ વાત ;
વાંસું  વાંસું  કમાડ ત્યાં તો 
ઓગળી ગઈ 'તી જાત .
વાછાટિયાને વીંધી વાછટ આવી ગઈ હળવેક ...
બે કાંઠે ચિક્કાર છલકતી 
વહેતી જાય પરનાળ ;
રેલો થઈ હું હાલી ,ખેંચે 
નેવાંના એ  ઢાળ .
કંઈ વેળાનો ગોરમ્ભાતો રાતે વરસ્યો છેક .....

                                       - હેમંત ગોહિલ "મર્મર "

No comments:

Post a Comment