અછાંદસ

 

ચકલી ઉર્ફે તું / હેમંત ગોહિલ 'મર્મર '[વિશ્વ ચક્લીદિન સ્પેશ્યલ ]


અજવાળાનું બિબુ ચકલી ,
અંધારાનું છીબું ચકલી .

ચકલી મતલબ ચપટીક સૂરજ લઈને વહેતું ઝરણું ;

ચકલી મતલબ તારી આંખનું સપનું કંકુવરણું .

ચીંચી નો વરસાદ ચકલી

પરોઢનો પરસાદ ચકલી .

ચકલી ઉર્ફે ઈશ્વર ઉર્ફે કાવ્ય ઉર્ફે કાવ્યનો વિસ્તાર ;
ચકલી ઉર્ફે ઋચા ઉર્ફે આરત ઉર્ફે જીવતરનો છે સાર .

ભોળપણનો આકાર ચકલી ,
ખીંટી નો શણગાર ચકલી .

ચકલી ઉર્ફે ભરચક ભરચક દરિયો બાંધ્યો ટીપે ,
ચકલી ઉર્ફે અઢળક મોતી  વેરી દીધાં છીપે .

ચકલી મતલબ મારી ઈચ્છા ,
ચકલી મતલબ તારી ઈચ્છા

ચકલી ઉર્ફે  ભોળું ભોળું સમણું છે નવજાત ,
ચકલી ઉર્ફે હરતીફરતી રંગોળીની ભાત .

ચકલી ઉર્ફે ઈચ્છા ઉર્ફે તું ઉર્ફે ..............

 

 

 

 

  સૂરજ એટલે ....

  સૂરજ એટલે ---------------
રાતમાં ધોધમાર પડેલા અંધારના મેહ પછી
મોંસૂઝણની મીઠી મીઠી વરાપમાં
 ધરબાઈને ઊગેલું
કૂકડાની બાંગનું બીજ .
સૂરજ એટલે ....


        - હેમંત ગોહિલ 'મર્મર '

 

 

અટકવાની શરૂઆત વિશે.......


અટકી જા ,કહું છું દોસ્ત !
જો,
આ  અહર્નિશ આથડતો ;
હણહણતા અશ્વ શો અબ્ધિ
આખર શું પામશે ?
................વેરાઈ જતા અસ્તિત્વના કેવળ ફટકિયા ફીણ .
કાલે જ તારું બેફામ ઊછળતું રક્ત 
ગોકળગાય થી  હાર્યું ------- ભૂલી ગ્યો ?
વસૂકી ગયું હતું ઉછળવું ?
ક્ષણોના મારનારને મરેલી ક્ષણો જ મારે છે .....

રોપી દે ,
એક કૂંડામાં નામ તારું ,
સપનાના જળ સીંચ 
ટૌકાની  ડાળ ; હીંચ 
વ્યાપી જવા દે તારા લીલાછમ અસ્તિત્વ ને  પાંદેપાંદમાં .
જેનું ઉગવું મૂરઝાઈ ચૂક્યું છે 
એવા બીજને વાવવા જેવા ધમપછાડા શીદ  ?
     ...... સ્વ . કોઈને છોડવાનો નથી .
ઇચ્છાઓનો ભારેખમ ભારો મૂકી 
પોલા અસ્તિત્વને 
ભાંગવાની તારી વ્યર્થ ચેષ્ટા નો અર્થ શું ?
મંગળફેરા ફરે છે ,ખ્યાલ રાખ ,
મૃત્યુની દુલ્હન પણ અખંડ ધણી ઈચ્છે છે 
................
...... એટલે જ કહું છું , દોસ્ત !.......

                                      - હેમંત ગોહિલ 'મર્મર '

 

 

 

દીવાસળીના લઘુ કાવ્યો / હેમંત ગોહિલ [ સાત લઘુ કાવ્યો ]


[1] દિવાસળી બળી ગઈ .....
એટલે દીવો સળગી ગયો .


[2] તું દિવાસળી ત્યાં ઘસ મા
નથી બાકસપણું બાકસમાં .


[3] દિવાસળી ઓલવાઈ ગઈ , દીવો પ્રગટાવીને .....


[4] બાકસ તો નરમાં નથી ને દિવાસળી તો નારી ,
તોય જન્માવે ઝળહળ જ્યોત ,કેવી છે બલિહારી !


[5] બાકસ નહીતર એમ કંઈ સળગે નહીં ,
નક્કી જ કોઈએ દિવાસળી ચાંપી હશે .


[6] તણખા ઝરે છે જો હજી ,
ખાલી થયેલા બાક્સે .


[7] દિવાસળીના ટોપકા માં હોય છે ટોળું ગઝલ

તણખા કરીને શબ્દના હું આગની ખોળું ગઝલ .


                                હેમંત ગોહિલ 'મર્મર '


2 comments:

  1. વાહ ,ખૂબ સુંદર

    ReplyDelete
  2. I found the web interesting.. Tamaro shabd vadhu pranavan bano..e shubhechaa

    ReplyDelete