Wednesday 17 July 2013

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર"

જળને પણ લાગે તરસ એ વાત હું માની ગયો છું ,
જોઈ દરિયાને તરત એ વાત હું માની ગયો છું.

"હું"પણાનું એક બખ્તર પહેરવાની ટેવ જૂની ,
ભેદવાનું છે કવચ એ વાત હું માની ગયો છું.

વાવણી તારી ગલીમાં કેમ પગલાંની કરું હું ?
ઓણ નબળું છે વરસ એ વાત હું માની ગયો છું.

એટલે ના વેડફું , હું સાચવું છું જીવ સરખી,
યાદ છે સાચી જણસ એ વાત હું માની ગયો છું.

મોત માટે એક કટકો કાચનો ક્યાં છે જરૂરી ?
એક છે કાફી કરચ એ વાત હું માની ગયો છું.

ફૂલદાની જેમ એણે તો સજાવી ઓરડામાં,
વેદના પણ છે સરસ એ વાત હું માની ગયો છું.

જિન્દગીમાં વ્યાપ્ત આ કાળાશ એવું તો બતાવે,
જ્યોતમાં પણ છે તમસ એ વાત હું માની ગયો છું.