Friday 11 July 2014


ગઝલ ____ હેમંત ગોહિલ 'મર્મર '


જરા લ્યો , જીવને છુટ્ટો કરો જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો ,
નજરની સ્હેજ છત્રીને ધરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

હઠીલું આભ સંકેલી મૂકે છે વાદળાને આજ ડામચિયે ભલે ,
હથેળીમાં હથેળી પાથરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

અષાઢી વાતને ઇન્સ્ટોલ કીધી છે તમે ; એ વાત જાણે છે બધાં ,
હવે ભીના પવનને સંઘરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

કહો વંઠેલ તડકાને નહીં ચાલે કશીયે ધાક ધમકી બાગમાં ,
નમેલી ડાળખી પર પાંગરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

તમે તો મેઘધનુષી નામને તો ખૂબ સંભાર્યું છે અનરાધાર થૈ ,
હવે લગરીક એને સાંભરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

અચાનક હાથની મ્હેંદી થશે હેલી ;જરાયે વાતમાં શંકા નથી ,
કળાયલ મોરલાને ચીતરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

નથી વાદળ ,નથી વાવડ ,નથી અણસાર ,ગોરંભો નથી તો વીજળી ,
ગઝલ એકાદ નવ્વી આદરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .