Thursday 30 May 2013


ગઝલ : કર્ણનો હું રથ બની ઝૂકી ગયો 


કર્ણનો હું રથ બની ઝૂકી ગયો ,
તીર જેવો આ સમય ખૂંપી ગયો .

લઈ તરસ હું કેટલું દોડ્યો હતો ,
છેક સરવર પાસ જઈ ડૂકી ગયો .

શ્વાસની કેવળ ગણી મેં ગાંસડી ,
એક અવસર એમ હું ચૂકી ગયો .

મેં ખબર પૂછ્યા હતાં એ દોસ્તના ,
પાન પીળું હાથમાં મૂકી ગયો .

છાંયડાને ઝાડવા ભૂલી ગયા ,
કાનમાં શું વાયરો ફૂંકી ગયો ?!


                            

                   -   હેમંત ગોહિલ "મર્મર "


ગીત


..... બાઈ ,મારે સમજાવવું કેમ કરી ઝાડને ?
ફૂટે નહીં ડાળખી ,ફૂટે નહીં પાંદડાં કે ફૂટે નહીં કૂંપળ કમાડને ....

ઘેઘૂર લીલાશ કરે જૌહર સાગમટે ,
ડૂબે આક્રંદ સૂકી છાલમાં ;
પંખી ઊડેને ઝાડ કાષ્ટ બની જાય 
એવી ઘટનાનાં મૂળ હોય વ્હાલમાં .
વ્હેરાવી જાત તોય બોલ્યા નહીં વેણ પણ વેઠી વેઠાય ના તિરાડને ......

ઢોળાતા છાંયડા ને વળગ્યો વળગાડ એવો ,
પાન જેમ ખેરવે સમૂળગા ભાન ;
દિલાસો કેમ કરી ડાળખીને આપીએ ?
પાંદડાનું નામ લઇ ખરતું વેરાન .
વરણાગી વાત લઇ હાલી જ્યાં લ્હેરખી તો રોકવાના કોડ જાગ્યા વાડને ....


                                              - હેમંત ગોહિલ "મર્મર "

મુખડું :

આંખ કહે તે ઓઝ્ડવાયુ 
                           કાન કહે તે કાચું ;
મન કહે  તે માયા મનજી !
                            સાંઈ કહે તે સાચું .  

                            - હેમંત ગોહિલ "મર્મર '

ગઝલ ....સાવ એવુંયે નથી ..

આંખને લૂછી જ ક્યાં છે ? સાવ એવુંયે નથી ,
વાત ને પૂછી જ ક્યાં છે ? સાવ એવુંયે નથી .

વાંક તો એમાં અમારા હાથનો પણ ક્યાં નથી ?
ડાળખી ઝૂકી જ ક્યાં છે ? સાવ એવુંયે નથી .

વારતા હું કોતરી દઉં ફૂલની પથ્થર ઉપર ,
હાથમાં ખૂબી જ ક્યાં છે ? સાવ એવુંયે નથી .

મૂળ તો બાજી હવે નિરસ બની ગઈ  છેવટે ,
હાથમાં કૂકી જ ક્યાં છે ? સાવ એવુંયે નથી .

તોય પણ પગરવ નથીને સાવ સૂનો ઘાટ છે ,
વાંસળી ફૂંકી જ ક્યાં છે ? સાવ એવુંયે નથી .

ટેરવાના સ્પર્શથી ભડકો થયો 'તો માનશો ?
આંગળી મૂકી જ ક્યાં છે ? સાવ એવુંયે નથી .

જાય છે કડવાશ જેવું તોય ક્યાં જીહ્વા ઉપરથી ,
વેદના થૂંકી જ ક્યાં છે ? સાવ એવુંયે નથી .

                                          - હેમંત ગોહિલ "મર્મર "