Monday 3 November 2014

એક સોનેરી ગીત _____ હેમંત ગોહિલ 'મર્મર'

એક સોનેરી ગીત _____ હેમંત ગોહિલ 'મર્મર'

Friday 31 October 2014

ત્યારે સમજવું કે આજે દિવાળી છે !___________ હેમંત ગોહિલ "મર્મર "

ત્યારે સમજવું કે આજે દિવાળી છે !___________ હેમંત ગોહિલ "મર્મર "



કોઈને જૂઓ અને
તમારી અંદર રંગોલી પૂરાઈ જાય ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઈને ફરતા હો
અને
અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ અડી જતામાં
તમે આખે આખા ફૂટી જાવ
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા
તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ કડવી વખ જેવી ઉદાસી વાગોળતા વાગોળતા
તમે જૂના ડબ્બા ખોલતા હો
અને અચાનક કોઈની મીઠી યાદ sweet નું સ્વરૂપ લઈને મળી આવે
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
જમણો હાથ ડાબા હાથને પણ ન કળી શકે એવા ગાઢ અંધારમાં તમે બેઠા હો
અને
તમારા સાવ અંદરના ઓરડે આવીને કોઈ
દીવડો જલાવી જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !

Sunday 17 August 2014


ગઝલ ___________ હેમંત ગોહિલ 'મર્મર '


મને બારાખડીની બ્હારનો અક્ષર મળી આવેલ છે ,
ખરી ઓળખ બતાવી લઇ જજો ,ઈશ્વર મળી આવેલ છે .

તમે ચારેય દીવાલો વચાળે સાંભળો બ્રેકિંગ ન્યુઝ ,
નથી એક્કેય વચ્ચે ભીંત એવું ઘર મળી આવેલ છે !

બધાં તોરણ તમે લ્યો ,થાવ લીલાં : બારણે હુકમ કર્યો 
પડેલું બંધ ખાનું ખોલતા અવસર મળી આવેલ છે .

નદીની બાતમીને લઈને રણની ધરપકડ કીધી હતી ,
તલાશી આંખની કરતા ભર્યું સરવર મળી આવેલ છે .

હવે તાળો દટાયેલા નગરની વારતાનો મેળવો ,
પુરાતનકાળના અવશેષમાં ઝાંઝર મળી આવેલ છે !!
ગઝલ _____હેમંત ગોહિલ 'મર્મર '

વાત સૌએ પ્રેમથી સ્વીકારવી પડશે ,
જીતવા ક્યારેક બાજી હારવી પડશે .

એમ વિઝા નૈ મળે કૈં પ્રેમનો તમને ,
મૌનમાં ઘટના બધી ઉચ્ચારવી પડશે .

હાથમાં મેં હાથ ઝાલ્યો એમનો તેથી ,
હસ્તરેખા ઈશ્વરે સુધારવી પડશે !!

શ્વાસના ચીલામાં કેવળ ચાલવાનું છે ?
એક કેડી તો નવી કંડારવી પડશે .

ઘૂઘવે છે એ સમંદર લાંઘવાનો છે ,
કોક જૂની વાતને સંભારવી પડશે .

એમ જાણી સ્વપ્નને મેં સાવ ટૂંકાવ્યા ,
કે ખુદાએ રાતને વિસ્તારવી પડશે .

Friday 11 July 2014


ગઝલ ____ હેમંત ગોહિલ 'મર્મર '


જરા લ્યો , જીવને છુટ્ટો કરો જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો ,
નજરની સ્હેજ છત્રીને ધરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

હઠીલું આભ સંકેલી મૂકે છે વાદળાને આજ ડામચિયે ભલે ,
હથેળીમાં હથેળી પાથરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

અષાઢી વાતને ઇન્સ્ટોલ કીધી છે તમે ; એ વાત જાણે છે બધાં ,
હવે ભીના પવનને સંઘરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

કહો વંઠેલ તડકાને નહીં ચાલે કશીયે ધાક ધમકી બાગમાં ,
નમેલી ડાળખી પર પાંગરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

તમે તો મેઘધનુષી નામને તો ખૂબ સંભાર્યું છે અનરાધાર થૈ ,
હવે લગરીક એને સાંભરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

અચાનક હાથની મ્હેંદી થશે હેલી ;જરાયે વાતમાં શંકા નથી ,
કળાયલ મોરલાને ચીતરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

નથી વાદળ ,નથી વાવડ ,નથી અણસાર ,ગોરંભો નથી તો વીજળી ,
ગઝલ એકાદ નવ્વી આદરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

Monday 9 June 2014


પડદો ખસે છે ________ હેમંત ગોહિલ 'મર્મર '


હજીયે કોક બારીનો જરા પડદો ખસે છે 
અને હા એટલે આકાશ શેરીમાં વસે છે .

હવે આ સપ્તરંગી દ્રશ્યને ખીલા જડી દો,
બનીને પૂર જેવું આંગણામાં એ ધસે છે .

ભલે ફરતો રહે ગાંધી બની તું રોજ મનમાં 
પરંતુ શ્વાસ છે ને એતો આખર ગોડસે છે .

ઘણાં તડકા ભરીને આંખમાં એ શખ્સ નીકળ્યો ,
બજારે એટલે ગુલમ્હોર થૈને એ હસે છે .

Tuesday 25 March 2014


ગઝલ ________ હેમંત ગોહિલ 'મર્મર '


એક માણસનું હકીકતમાં જ અફવા થઇ જવું ,
કેટલું ખટકે છે મૂંગી સાવ ઘટના થઇ જવું .

હોય ક્યાં વિકલ્પ ત્રીજો દિવસોના કાયદે ,
છાંયડાઓ થઇ જવું અથવા તો તડકા થઇ જવું .

આજ મારા આંગણામાં આવવાનાં એ હશે ,
સૂચવે છે આ હવાનું કંકુપગલાં થઇ જવું .

બાઅદબ સૌ શબ્દ તો બેઠાં પલાંઠી વાળતા ,
શીખવે છે કંદરા કે કેમ પડઘા થઇ જવું .

સાવ સૂક્કીભઠ્ઠ થૈને ભોંય પડતર થઇ હતી ,
મૂળમાં છે આંખથી આંસુનું અળગા થઇ જવું .