Friday 28 June 2013

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

પડેલી છાપ પગલાંની હવે ઊભો છું તેડીને ,
નથી અણસાર કે આભાસ એનો લેશ કેડીને.

હજીયે ઝણઝણાટી ખુદમાંથી સૂર થઇ વ્હેતી,
ગયું છે કોક મારા તારને હમણાં જ છેડીને .

હવે આવો અને ચાસે તમારા નામને વાવો ,
વરાંપેલા મેં ખેતરને કર્યું તૈયાર ખેડીને .

ખરેખર ગામ તો પૂનમ ગણી પૂજતું રહ્યું ;મૂક્યો
અમે ચ્હેરો તમારો ; ચાંદને આઘો ખસેડીને .

નશો રેલો બનીને એટલે તો નીતરે રુંવે,
નદી મેં ગટગટાવી છે તરસ બેફામ રેડીને .

હતી કંઈ બાંધણી એવી કે એમાં દોષ કોઈનો ક્યાં ?
ઝરૂખો ઝાડ થઇ જોયા કરે છે રોજ મેડીને .

જરા સંભાળજો મિત્રો 'ને હળવા હાથથી લેજો ,
ગઝલના રૂપમાં લાવ્યો રસીલા સ્વપ્ન વેડીને .
ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

પહેરતા પહેરતા જ આખરે ઝળી ગયું ,
હતું જે વસ્ત્ર ,વસ્ત્રના એ તત્વમાં ભળી ગયું .

નદી બધીય સંઘરીને હાથમાં હું રાખતો ,
છતાય એક દી ઝરણ મને ભલા છળી ગયું .

નથી જરાય દોષ ડાળખી કે વાયરાનો પણ ,
અરે ,એ ફૂલ ખુદના જ રૂપથી લળી ગયું .

તને ન કેમ વાર થઇ જરાય ,વાટ કાપતા ?
બતાવ તું ,ખરે જ કોક રાહમાં મળી ગયું ?

...ને ત્યારથી જરા જરા કરીને રણ બની ગયો ,
હરણ મને જ્યાં ઝાંઝવું ગણી અને વળી ગયું .
ધોધમાર ઝંખનાનું ગીત / હેમંત ગોહિલ "મર્મર "

હાલ્યને અટાણે સૈ ,હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું....
મુઠ્ઠીભર માવઠામાં તળિયું ય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ?

માંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં 
ચોમાસું કોઈનું મંગાય કૈં ?
વીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ 
ભીતરમાં કૈંક લંઘાય ,સૈ .
અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી , છાણાને કેટલું સંકોરવું ?

ફળિયામાં આમતેમ ટોળે વળીને કોક
મેંદી મૂક્યાની કરે વાતું ;
વાતું તો હોય સખી ,ઝરમરીયું ઝાપટું ,
ભીનું તરબોળ ક્યાં થવાતું ?
ચોમાસું હોય તોય મૂંગો મંતર એવા ખોટુંડા મોરમાં શું દોરવું ?

થઇ જાતી રાળ રાળ આખ્ખીયે સીમ એવો
ધીંગો વરસાદ મને ગોઠે ;
માટીની મહેક બની ફોરે ગરમાવો ત્યારે
તરસ્યું છીપાય મારી હોઠે .
ક્યાં લગ તરાગડે મોતીડાં ઠેલતીક વણવરસ્યા દિવસોને પોરવું ?