Wednesday 27 February 2013

ગઝલ ..

ક્યાં કહું  છું રોજ હોવી જોઈએ ,
જીંદગીમાં  મોજ હોવી જોઈએ .

સાંપડે ,અઢળક  ખજાનો સાંપડે ,
ખુદમાં  પણ  ખોજ હોવી જોઈએ .

ઓસ એને તો હશે નવડાવતી ,
ફૂલ  જેવી  તોજ હોવી જોઈએ .

છે શરત આ  યુધ્ધને કંઈ જીતવા ,
એકલાની   ફોજ  હોવી જોઈએ .

એમનો વિયોગ  ગાંગો હોય તો ,
યાદ રાજા  ભોજ  હોવી જોઈએ .

                           - હેમંત ગોહિલ  'મર્મર '


ઉત્સવ ...

આ જીંદગી શણગારવા ઉત્સવ કરું   ,
રંગો   નવા   આળેખવા  ઉત્સવ કરું . 


  

કહું તો .... હેમંત ગોહિલ 'મર્મર '

વાત જુદી છે સખી   ,તારી અને મારી કહું તો ,
રાત જુદી છે   સખી , તારી અને મારી કહું તો .
રંગ ભળતા આવતા એ વાત સાચી ,સાવ સાચી ,
ભાત  જુદી છે સખી  ,તારી અને  મારી કહું તો।

Monday 25 February 2013

  • ગીત 

  • જીવતર 

    અંધારાની ઓથે એને ક્યાં લગ રાખું બોલ ?

    સૂરજના ઝળહળવા જેવું જીવતર ઝાકમઝોળ  

                                          - હેમંત ગોહિલ 'મર્મર '

ગીત 

ફાટેલ તૂટેલ સાવ ચડ્ડી ચડાવતુંક સામે આવ્યું રે મારું બાળપણ ,
દોથો ભરીને લાવ્યું દાદાની વારતાને લાવ્યું  ભિલ્લુની ગાળપણ .
એવું તો ઓળઘોળ પહેર્યું છે ગોળગોળ ,
આખ્ખું તળાવ એણે ડીલે ;
ડુબકીયા દાવ જે ખોયા 'તા ધૂબકે ,
કે 'તું કે  જળ તું ગોતી  લે .
ભીતરની ભાત એના થીગડે મળે છે 'ને ભાતીગળ સમણાની ભાળપણ .....

 કરીને પેંત દોંત ફેકેલા દાણીયા 
એની આંખોમાં હજી દદડે 
પૂછે પાંપણ એની ઢળીને સહેજ મને 
ગાયેલાં ગીત લીલા વગડે .
છાનું છૂપાવી લાવ્યું મખમલીયું ઘાસ અને લાવ્યું છે ડુંગરીનો ઢાળ પણ ...

વીખણશીખણ એના લ્હેરાતા ઓડીયામાં ,
કરે ઉત્પાત હજી હડીયું ,
હમ્ફાતા શ્વાસ માં રંગીન કાગળિયાંનું 
દડે છે હજી દડદડિયું .
ખાલી ખિસ્સામાં એવી ખખડે છે સાહ્યબી કે લંબાવે હાથ ટંકશાળ પણ ....

ફરતા ફરફરિયાંમાં ફેરવ્યો 'તો વાયરાને 
એનો રોમાંચ રુંવે -રુંવે ;
મળેલા મન જેવી મીઠી એ શેરડીનો 
ભીડેલા હોઠ સ્વાદ ચૂવે .
મુઠ્ઠી ભરીને લાવ્યું માણેલી મોજ 'ને લાવ્યું છે ચપટીક ફાળ પણ ......
                                                      

                                                            ...- હેમંત ગોહિલ 'મર્મર '

 ગઝલ 

લ્યો ,સાચવી લ્યો દાવને બાજી હજી બગડી નથી ,
આ વાત  માની  જાવને  બાજી હજી બગડી નથી .

લીલાશ તો ત્યાં  આપમેળે  સામટી ઊગી જશે ,
તું  વાદળી    વરસાવને બાજી  હજી બગડી નથી .

પંખી  બનાવી  દઈશ  હું એને કલા - કૌશલ્યથી ,
એકાદ  પીછું  લાવને  બાજી  હજી બગડી નથી .

આ ઝાડને  મ્હોરી  જવા મોસમ  નથી તો શું થયું ?
હળવે જરા  મલકાવને  બાજી હજી બગડી નથી .

સળગી રહી છે આ હવા પણ આજ દાહક રાગથી ,
મલ્હાર  જેવું   ગાવને  બાજી  હજી બગડી નથી .

એની મજા  કંઈ  ઓર ને રંગત  અનેરી હોય છે ,
વાવડ વગર તું આવને  બાજી હજી બગડી નથી .
                                        ...- .હેમંત ગોહિલ 'મર્મર '

Friday 22 February 2013

.ગઝલ :અમે તો ફૂલ શી હળવાશથી જીવ્યા ......હેમંત ગોહિલ 'મર્મર '

ગીત .....

.ભારે  કવરાવી  મને  કમખાના  મોરલે ,  ટહૂકે  છે  રેશમી  ધાગે ;
ખોબો ભરીને મેંતો જોસ્યું લગરીક ત્યાં તો આખ્ખું ચોમાસું મૂઓ માગે .
વાતું કરે છે ગામ પડતા વરસાદની ,
ફળિયામાં ધોધમાર જોઇને ;
ભીતર વરસીને કોક પરબારું જાય એના 
આછા ઓહાણ ના કોઈને .
ભીનું તરબોળ કૈક ટાંપી તરાગડે બખિયામાં રાતભર જાગે .....
હોય તો જણસ જેવું કરીયેય ઊછીનું ,
માગે ચોમાસું રોયો રોકડું ;
એકાદી ગૂંચ એના ટૌકાની ઉક્લેને ,
આખ્ખું ગૂંચવાય મારું કોકડું .
આવા તે દખ સખી ક્યાં જઈને  બોલીએ ? વાવેલી શૂળ મને વાગે ....

                                                 - હેમંત ગોહિલ 'મર્મર '                      

 મને સમજાવ એવું .......હેમંત ગોહિલ 'મર્મર '

Thursday 21 February 2013

મને .....હેમંત ગોહિલ 'મર્મર '
તોબા સૈયર !તોબા .......હેમંત ગોહિલ 'મર્મર '

ગીત  

ભાષાની એક નદી વહે છે .......
ટીપે ટીપે અક્ષર લઈને વહે શબ્દાળું ધાર,
ધીર ગંભીર અર્થાળું પટના ઊંડા  તળ અપાર 
જળને આવું જળ કહે છે ............

કોઈ તરાવે તણખલું તો કોઈ ઊર્મિની હોડી 
કોઈ તરાપો  તરતો મૂકે  પરપોટાને  ફોડી ,
જળ તો કેવું કેવું સહે છે ............

વ્યાકરણના કાંઠાની વચ્ચે વહે સકલ અભિલાષા 
ભાષાનું જળ સમજાવે છે જળને જળની  ભાષા ,
જળ તો કેવળ જળ રહે છે .............
                                     - હેમંત ગોહિલ 'મર્મર '
શ્યામસૂરજનું કિરણ ક્યાંક રામ થઇ ગયું ......
પછી આખ્ખું ગોકુળ શ્યામ ! શ્યામ થઇ ગયું ....
                                        - હેમંત ગોહિલ 'મર્મર '    

Wednesday 20 February 2013

આપણો સંબંધ ...... હેમંત ગોહિલ 'મર્મર '
આંસુ ........ હેમંત ગોહિલ 'મર્મર '


                  ગીત 

છાંયડા વિનાની એક છોકરી રે એક છોકરી રે ......
છોકરી તો સીમમાં છાણા વીણે .
ખરીબાઈ ગઈ એક મોટા ગામતરે ગરીબાઈ એટલે એને ઉછેરતી ,
છાંયડા વિનાની સાવ પોતે હતી ને તોય  છાંયડા તો ઠેર ઠેર વેરતી .
વેર્યા નસીબના દાણા વીણે ...
 છોકરી તો સીમમાં છાણા વીણે .
તડકા પણ બળે એમ કાળામેશ દેહમાંથી અજવાળા દોમ દોમ નીતરે ,
ફાંટ ને સંકોરતીક વગડાની છાતી એ ગીતલડા વરણાગી   ચીતરે .
ઓરતાના ગોળ ગોળ ગાણાં વીણે .....

છોકરી તો સીમમાં છાણા વીણે .

અડવાણા પગની એ બળબળતી  પાનિયુંને શેઢાનું ઘાસ થોડું ફૂકતું ,
એકલદોકલ ક્યાંક પીછું અડકે ને એનું ભીતરનું પંખી  ટહૂકતું .
આયખાના રોકડા ટાણા વીણે 
છોકરી તો સીમમાં છાણા વીણે 
                                                                            - હેમંત ગોહિલ 'મર્મર '
 

  ગઝલ 

થોડી અમથી ધાણ ખમી લે ,
ભીષ્મ  થવાશે બાણ ખમી લે .

એક તલપ કંઈ અંદર લાગી ,
ચહેરાનું બંધાણ  ખમી  લે .

વરસી ચૂક્યા વાદળ ફળિયે ,
ધસમસતું  છે તાણ ખમી લે .

દીવો બૂઝ્યો તારા હાથે ,
તેંજ  કરી  મોકાણ  ખમી લે .

એક નદી તું લાવ્યો છું તો ,
પાણીના પોલાણ ખમી લે .

મબલખ મોતી મળશે છેવટ ,
દરિયાના ઊંડાણ ખમી લે 
                             - હેમંત ગોહિલ 'મર્મર '
આપણામાં  કોક  છેને  આપણે તો  કોકમાં ,
વાત બીજી ક્યાં લખી છે લાગણીના શ્લોકમાં
                             - હેમંત ગોહિલ 

અરસ પરસ ....... હેમંત ગોહિલ 'મર્મર '

ભલેને આજ નહીં તો કાલ આવશે ,
હશે જો ડાળખી તો  ફાલ  આવશે .
                                  - હેમંત ગોહિલ 

ગઝલ 

આમ જૂઓ તો જરા પણ ક્યાંય હરખાતો નથી .
હોય શેરી એમની જો તો હરખ    માતો   નથી .
પ્રશ્ન સાદો સાવ છેને  તોય  સમજાતો  નથી ,
કેમ ઘાયલ  થઇ ગયો છું :ફૂલ છે  ઘા  તો  નથી .
રંગ પીળો શું  બતાવે  છે  તમે  સમજ્યા નહીં ,
ડાળખીનો  ફૂલ સાથેનો  હવે   નાતો નથી .
ખુદમાં  ઊંડાણ જેવું  જોઈએ , દરિયો  કહે :
"હું  નદીને ક્યાંય પણ મળવા કદી જાતો નથી .
ઓઢણી હમણાં જ એણે સૂકવી છે  તાર પર ,
છે  પવન બધ્ધો જ  ત્યાં તેથી અહી વાતો નથી .
                                        - હેમંત ગોહિલ 'મર્મર '