Monday 25 February 2013

  • ગીત 

    અમથું અમથું રોવું ,
    એવા સપનાને શું જોવું ?
    સૈયર ,જાવા  દેને, જાવા  દેને , જાવા  દેને  .
    ઝરણું એક્કે હોય નહી 'ને
                           ખળખળ જેવું લાગે ;
    તરણું એક્કે હોય નહી 'ને
                            કુંપળ જેવું  વાગે .
    અમથું અમથું હોવું ,
    એવા મોતીને શું પ્રોવું ?
    સૈયર, જાવા  દેને, જાવા  દેને , જાવા  દેને  .
     વાદળ નો અણસાર નહી 'ને
                            રિમઝિમ વરસે પાણી ;
    ટહુકેલા સૌ ટહુકા લાવો
                                  મોર કરે ઉઘરાણી
    અમથું અમથું લ્હોવું ,
    એવા આંસુ ને શું ખોવું ?
    સૈયર ,જાવા  દેને, જાવા  દેને , જાવા  દેને  .
    વા કહેવો કે વાલમ ?
                        એવો કોયડો ના સમજાતો ,
    હરુભરું ઊભો છે તોયે
                                સ્હેજે ના  પકડાતો 
    ટીપે ટીપે ટોવું ,
    એમાં મુખડાને ક્યાં ધોવું ?
    સૈયર ,જાવા  દેને, જાવા  દેને , જાવા  દેને  ....

                                      - હેમંત ગોહિલ 'મર્મર '

No comments:

Post a Comment