Monday 11 May 2015

ગીત ..રે સાહેલડી / હેમંત ગોહિલ "મર્મર "


સૈ,મારા ખેતર મોલથી ફાલ્યા ,
મારા ડૂંડા નીંઘલી હાલ્યા
કે ડૂંડા કેમ લણશું રે ,સાહેલડી ?

સૈ ,હું તો સમણે સાંધુ રાત્યું ,
ફાટે મારી ઘરચોળાની ભાત્યું ,
કે ભાત્યું કેમ સાંધશું રે સાહેલડી ?

સૈ ,હું તો ચોમાસાની અજાણી ,
મારા નેવે દદડે પાણી
કે પાણી કેમ ઝીલશું રે ,સાહેલડી ?

સૈ ,કોઈ અંધારામાં મરકે
,મારો ઝરમર દીવડો થરકે
કે જ્યોત કેમ ઝાલશું રે સાહેલડી ?

સૈ ,હું તો અડધી પડધી જાગું ,
હું તો વાંસલડી થઇ વાગુ
કે સૂર કેમ સુણશું રે સાહેલડી ?

સૈ ,મારા છૂંદણે મોરલા ટહૂકે
કોઈ મીઠું મીઠું લવકે
કે પીડ કે ઊપણું એ સાહેલડી ?

સૈ ,હું તો ટૌકાની થઇ તરસી
મારી આંખ્યું સગપણ વરસી
કે આંખ્યું કેમ આંજશું રે સાહેલડી ?