Saturday 28 December 2013


આવજાવ હોય _________ હેમંત ગોહિલ "મર્મર "


ન બારણું છતાંય આવજાવ હોય ,
ખરે જ આંખનો સરળ સ્વભાવ હોય .

હજીય ધુમ્રસેર ધૂંધવાય સ્હેજ ,
કદીક કાફલાનો ત્યાં પડાવ હોય !

અવાવરું જગા તો ભીડમાંય હોય ,
હરેફરે છે શખ્સ એય વાવ હોય !

ન હાથ લાગતી કડી કદી જરાય ,
બનેલ ભીતરે ભલે બનાવ હોય .

હશે જ ભાત કૈ વસંતની ભરેલ ,
ન ચીંથરામાં એમ કંઈ લગાવ હોય !

બહાલ થઇ જતા તરત વગર વિરોધ ,
જો એમની જ આંખના ઠરાવ હોય .

બળીને ખાખ થઇ ગયું છે વન બધુંય,
ન દવ કદાચ હોય ; હોય દાવ હોય !

હજીય પાળ પર એ ઝાડ લીલકાય ,
તપાસતા તો મૂળમાં તળાવ હોય !

Saturday 14 December 2013


ગઝલ _______________ હેમંત ગોહિલ "મર્મર "


એક નાનું ટાંકણું લ્યો ,
બિંબ સામે આપણું લ્યો .

ક્યાંક વરસે વાદળું ને ,
ક્યાંક લાગે દાઝણું ,લ્યો .

ભીંતનો પણ શું ભરોસો ?
હોય ભીતર બારણું ,લ્યો .

એક પીડા ગુજરી ગઈ ,
દર્દ મૂકી ધાવણું ,લ્યો .

નામ એનું એક રોપ્યું ,
મઘમઘે છે આંગણું ,લ્યો .

ચાંદની ઢોળાય આભે ,
કેમ દેવું ઢાંકણું ,લ્યો ?

રાત ઈર્ષામાં બળી ગઈ ,
સ્વપ્ન છે સોહામણું ,લ્યો .