Saturday 15 June 2013

માણસનું ગીત......
જીવતો લાગે ક્યારેક ; ક્યારેક સાવ મરેલો લાગે ,
આ માણસ ખાલી લાગે છે ; ક્યારેક ભરેલો લાગે .

ક્યારેક દાઢે વળગ્યા જેવો ,
ક્યારેક લાગે થૂ ;
ક્યારેક ઘટ ઘટ ઉતરી જાતો ,
ક્યારેક થાતો ફૂઉ ..
કડવો કડવો ક્યારેક એવો ,
એ એથી કડવું છે શું ?
ક્યારેક એવો મીઠો કે કંસાર કરેલો લાગે ......

ક્યારેક મૂરત થઇ પૂજાતો,
ક્યારેક એ ઠેબાતો ;
ક્યારેક મોંઘી મિલકત જાણે ,
ક્યારેક મફત વેચાતો .
એઠવાડ જેવો થઈને ક્યારેક
ફળિયામાં ફેંકાતો .
ક્યારેક એવો પાવન કે પ્રસાદ ધરેલો લાગે ..........

ક્યારેક વાદળ જેવું વરસે ,
ક્યારેક કોરોધાક્કોડ;
ક્યારેક લાગે રંક સુદામો ,
ક્યારેક તો રણછોડ .
અંધારાની સાથે ક્યારેક
ખુલ્લી બકતો હોડ .
ક્યારેક એવો જાણે કે દીપક ઠરેલો લાગે ........


                        - હેમંત ગોહિલ "મર્મર "
ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

હવે લ્યો , શબ્દનાં પોતાં તમે મૂકો : કવિને તાવ આવ્યો છે ,
તમે પાજો કરીને કાવ્યનો ભૂકો : કવિને તાવ આવ્યો છે.

પથારી રાખજો ઘેઘૂર સામેના ગઝલના ઝાડવા હેઠે 
હવે, હે અર્થની ડાળી !જરા ઝૂકો : કવિને તાવ આવ્યો છે .

નદીની જેમ છે લય-છંદની ભીનાશ ભીતર ખૂબ ઝાઝેરી ,
તમે ઓઢાડજો દરિયો હવે સૂકો : કવિને તાવ આવ્યો છે .

ઝરૂખે યાદ , થઈને નીર છલકે છે જરા સંભાળજો ,મિત્રો
છલોછલ આ ભરેલી આંખ ના લૂછો : કવિને તાવ આવ્યો છે .

ર.પા.,ગાલિબથી લઈ છેક જાઓ ને મળો જઈ સંજુ વાળાને ,
ખરો ઉપચાર એને જઈ તમે પૂછો : કવિને તાવ આવ્યો છે
ગીત ...સીમ ઉપર મેઘ જ્યારે ઝૂકશે 

સીમ ઉપર મેઘ જ્યારે ઝૂકશે .....
ગામના ઉતાર શા નવરા સૌ મોરલા મનફાવી વાતને ટહૂકશે.....

સૂક્કી વેરાન વાત ભૂલી ,શરમાઈ સીમ
ભીનું તરબોળ ગીત ગાશે ;
ભીતર ગરમાતો રોજ ઊનો અજંપો સાવ
માટીની મહેંક બની જાશે .
જાણીને આમ વાત વળખાશે વાયરો કૈંક એને પેટમાં ચૂંકશે.......

ધીંગો વરસાદ લળી એવું તો ચૂમશે કે
થઇ જાશે સીમ રાળ રાળ ;
કેડી -મારગ આંખ મીંચીને ચૂપચાપ
ઊતરશે ડુંગરીનો ઢાળ
મૂંગા મંતર બની ઊભેલાં ઝાડ સૌ નિહાકો આભ જેવો મૂકશે .....

ઊબડ ખાબડ કૈંક ઢાંકી ઢબૂરી સીમ
મખમલિયા શમણે પોઢશે ;
લીલ્લું કુંજાર કૈંક સળવળશે ક્યાંક ક્યાંક
આખ્ખો વરસાદ એ ઓઢશે .
કોકની શું વાત સખી ,આપણી માલીપાય સાગમટે બૂંગિયા ઢબૂકશે ....


                                               - હેમંત ગોહિલ "મર્મર "

ગીત ....લ્યો અમે જાગ્યા 


આંખો ચોળીને સ્હેજ બેઠા થયા ને તમે બોલ્યા કે લ્યો ,અમે જાગ્યા ....
પાંગતમાં પાગરણ ઝોકે ચડ્યું હજી 
સપના તાણે છે વળી ઘોરા;
તળિયે બાઝેલી હજી લીલ શી નીંદરામાં 
લપસી પડ્યા છે શ્વાસ કોરા .
છબછબિયાં કરી તળ તાગ્યા !!!.... 
આંખો ચોળીને સ્હેજ બેઠા થયા ને તમે બોલ્યા કે લ્યો ,અમે જાગ્યા ....

સમજણના પોપચાં થાય છે ઉઘાડ -વાસ
અજવાળું ઊભું અટકળમાં ;
આંખ્યું ઊઘડવાથી જાગી જવાય તો તો
થઇ જાયે સંત ,સૌ પળમાં .
ભીતર ઝાલર -શંખ વાગ્યા ??....
આંખો ચોળીને સ્હેજ બેઠા થયા ને તમે બોલ્યા કે લ્યો ,અમે જાગ્યા ....


                                          - હેમંત ગોહિલ "મર્મર "