Wednesday 12 June 2013

ઓગળવાના અવસરનું ગીત / હેમંત ગોહિલ "મર્મર "


છમ્મ છાંટો ઝીલ્યો રે સૈયર , પહેલવારૂકા એક ;
આખ્ખેઆખી થઇ ગઈ ભીની માટીની  હું  મહેક .

દોથોક હોય તો દાબી દઈને ,
બાંધી લઈએ ફાંટ ;
આતો આખ્ખેઆખું નભ છે
જળથી ફાટમફાટ.
કમખે ટાંક્યા મોરલિયા સાગમટે કરતા ગ્હેંક.......  

આખ્ખેઆખી થઇ ગઈ ભીની માટીની  હું  મહેક .

નફ્ફટ વાયુ પાલવ ખેંચી
કહી ગયો કંઈ વાત ;
વાંસું વાંસું કમાડ ત્યાં તો
ઓગળી ગઈ'તી જાત .
વાછટીયાને વીંધી વાછટ આવી ગઈ હળવેક ....
  આખ્ખેઆખી થઇ ગઈ ભીની માટીની  હું  મહેક .

બે કાંઠે ચિક્કાર છલકતી
આખી જાય પન્નાળ;
રેલો થૈને હું હાલી ;ખેંચે
નેવાંના એ ઢાળ .
કૈં વેળાનો ગોરંભાતો રાતે વરસ્યો છેક .......
આખ્ખેઆખી થઇ ગઈ ભીની માટીની  હું  મહેક .

ગઝલ ....મને પૂછ્યા કરે છે લોક રસ્તામાં ..



મને પૂછ્યા કરે છે લોક રસ્તામાં ,
તને  ભૂલી  ગયું છે કોક રસ્તામાં ?

કરી હલ્લો મને ઘાયલ કરી દેશે ,
બને તો દોસ્ત !સમણાં રોક રસ્તામાં .

વચોવચ નામ મૂક્યું એમનું ચોરસ ,
બની બેઠું હવે એ ચોક રસ્તામાં .

હતો જે કંઠ એતો ગીરવે મૂક્યો ,
હવે આવ્યો ધરીને ડોક રસ્તામાં .

નહિ રોકાય: જે જળ છે વહી જાશે ,
ભલેને લાખ ખીલા ઠોક રસ્તામા.

નથી રોયા અમે એ વાત જૂઠ્ઠી છે ,
નથી મૂકી ખરું છે પોક રસ્તામાં .

અરે પગલાં !તમે લઈ લ્યો પરત બાનુ,
અમે રસ્તો કર્યો છે ફોક રસ્તામાં .

હવે એ જળ બધું દરિયો બની છલકે ,
તમે ઢોળ્યું હતું ખોબોક રસ્તામાં .

                             - હેમંત ગોહિલ "મર્મર "