Saturday 25 May 2013


ગઝલ / હેમંત ગોહિલ "મર્મર '


થાય એવું કે બગીચે આપણે બેઠાં અને ના વાત ફૂલોની કરી કંઈ આપણે તો :થાય એવું ,થઇ શકે છે ,
જેનથી બોલ્યાં,બધું એસાવ સાદી રીતથી કે'વાય તોછે એમની એ પાંપણે તો થાય એવું ,થઇ શકે છે

રોજ મારી આંખમાં એ ઝાડ આવી રાત આખી ઝૂલતું'તું 
છમ્મલીલાં પાંદડાંની ડાળખી લઈ ખૂલતું 'તું 
લાગણીની વારતા એને ભલા સમજાય ક્યાંથી ?એકલું વેરાન આપ્યું ડહાપણે તો :
થાય એવું ,થઇ શકે છે.

એક દરિયો આંખ સામે એક દરિયો હોય એની આંખમાં પણ ,
એક મોસમ આંગણામાં ,એક એની જાતમાં પણ ,
સાવ સાચી વાત છે માની શકો તો જાતને શ્રીમંત રાખી છે હજી એ થાપણે તો :
થાય એવું ,થઇ શકે છે.

વાયદા તોરણ બની લટકી ગયા છે બારણાં જ્યાં બંધ કીધાં
ટોડલે બેઠાં હતાં એ મોરલાએ કારમા દુષ્કાળ પીધા
કેટલું થીજી ગયા અરમાન કે ના પીગળી શકતા હજી એ શક્યતાના તાપણે તો :
થાય એવું ,થઇ શકે છે.

વારતાનું એક પાનું પણ કહોને કેમ મિત્રો ,ફેરવે એ ફેરવે તો
આગ લાગી છે અડકતામાં અચાનક જો બરફના ટેરવે તો
ખુદને પણ ખુદમાંથી શખ્સ એ ભૂલી ગયો છે વાર કીધી એટલી સંભારણે તો :
થાય એવું ,થઇ શકે છે
ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

વેદનાને રોજ ઘોળે 

શાંત પાણી એમ ડહોળે .


થાય ફિક્કો છોકરો અહીં ,
ક્યાંક પીઠી કોક ચોળે .

ઠીબ આખીયે છલોછલ ,
એક ચકલી ચાંચ બોળે.

નામ તારું મેં વણીને,
ભાત પાડી છે પટોળે .

એજ તો સરપાવ પામે ,
ખુદમાંથી ખુદ ખોળે .

કોક જોખે ત્રાજવામાં ,
કોક પાંપણથીય તોળે .

જાત આખી જાય લપસી ,
એ નજરથી શુંય ઢોળે !

ચાંદ જેવું હોય જોયું ,
એમ કંઈ દરિયો હિલોળે ?

લાખ ડાહ્યા માર્ગ ખોળે ,
પ્રશ્ન પૂછ્યો છે ડફોળે .


ગઝલ / હેમંત ગોહિલ 'મર્મર '


તમે બોલો નહીં'ને તે છતાં સમજાય એનો અર્થ શું કરવો ?
ઘણાં બોલે ઘણું 'ને ના છતાં સમજાય એનો અર્થ શું કરવો ?

હજી અંધારની આખી અદાલત ન્યાય તોળે રોજ બેસીને ,
વણે છે વાટ 'ને અજવાસ ત્યાં ફેલાય એનો અર્થ શું કરવો ?

નથી દરિયો ,નથી રેતી , નથી મોજા, નથી પગલાં, નથી કાંઠો ,
છતાંયે   દોસ્ત !તું તો ફીણ થઇ   વેરાય એનો અર્થ શું કરવો ?

નથી કંઈ વા -ઝડીમાંયે જરાયે જ્યોત એની લેશ પણ થરકી ,
તમારી   ફૂંકથી દીવો  હવે બૂઝાય   એનો   અર્થ શું કરવો ?

અમે પીડા ભરેલા ગ્લાસમાં સાકર ઉમેરીને પરત આપ્યો ,
હજી પૂછો   તમારી જાતને ,પુછાય ?એનો અર્થ શું કરવો ?

અષાઢી મેઘ મુશળધાર વરસી ભીંજવે છે ગામ આખાને ,
અમારે ધૂળમાં ચકલી હજીયે ન્હાય એનો અર્થ શું કરવો ?

તમારા નામનો મેં અર્થ ખોળ્યો,કોશ દિવસ -રાત ફેંદીને ,
મળે છે એકધારા શ્વાસ નો પર્યાય એનો અર્થ શું કરવો ?

 

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

જરાક ડાળખી નમાવ એટલે ભયો ભયો ,
ગઝલ તું એમ બસ લખાવ એટલે ભયો ભયો .

ભલેને ફેરવીને મો ઊભું રહે પછી જગત ,
નજર ના એક તું હટાવ એટલે ભયો ભયો .

ખરેલ પાન આંગણાનું હું થયો હવે ભલે ,
નમીને હાથથી ઉઠાવ એટલે ભયો ભયો .

"નથી જ માનતો "-નો અર્થ એમ પણ કરી શકો
મને જરાક તું મનાવ એટલે ભયો ભયો .

ખલાસ થઇ ગયું છે યાદના ચડેલ પૂરમાં ,
નવું જ ગામ તું વસાવ એટલે ભયો ભયો .

થશે નહીં કદીય રંગ ખત્મ દુનિયા મહી ,
બને છે સ્વપ્નમાં બનાવ એટલે ભયો ભયો .