Wednesday 20 February 2013

આપણો સંબંધ ...... હેમંત ગોહિલ 'મર્મર '
આંસુ ........ હેમંત ગોહિલ 'મર્મર '


                  ગીત 

છાંયડા વિનાની એક છોકરી રે એક છોકરી રે ......
છોકરી તો સીમમાં છાણા વીણે .
ખરીબાઈ ગઈ એક મોટા ગામતરે ગરીબાઈ એટલે એને ઉછેરતી ,
છાંયડા વિનાની સાવ પોતે હતી ને તોય  છાંયડા તો ઠેર ઠેર વેરતી .
વેર્યા નસીબના દાણા વીણે ...
 છોકરી તો સીમમાં છાણા વીણે .
તડકા પણ બળે એમ કાળામેશ દેહમાંથી અજવાળા દોમ દોમ નીતરે ,
ફાંટ ને સંકોરતીક વગડાની છાતી એ ગીતલડા વરણાગી   ચીતરે .
ઓરતાના ગોળ ગોળ ગાણાં વીણે .....

છોકરી તો સીમમાં છાણા વીણે .

અડવાણા પગની એ બળબળતી  પાનિયુંને શેઢાનું ઘાસ થોડું ફૂકતું ,
એકલદોકલ ક્યાંક પીછું અડકે ને એનું ભીતરનું પંખી  ટહૂકતું .
આયખાના રોકડા ટાણા વીણે 
છોકરી તો સીમમાં છાણા વીણે 
                                                                            - હેમંત ગોહિલ 'મર્મર '
 

  ગઝલ 

થોડી અમથી ધાણ ખમી લે ,
ભીષ્મ  થવાશે બાણ ખમી લે .

એક તલપ કંઈ અંદર લાગી ,
ચહેરાનું બંધાણ  ખમી  લે .

વરસી ચૂક્યા વાદળ ફળિયે ,
ધસમસતું  છે તાણ ખમી લે .

દીવો બૂઝ્યો તારા હાથે ,
તેંજ  કરી  મોકાણ  ખમી લે .

એક નદી તું લાવ્યો છું તો ,
પાણીના પોલાણ ખમી લે .

મબલખ મોતી મળશે છેવટ ,
દરિયાના ઊંડાણ ખમી લે 
                             - હેમંત ગોહિલ 'મર્મર '
આપણામાં  કોક  છેને  આપણે તો  કોકમાં ,
વાત બીજી ક્યાં લખી છે લાગણીના શ્લોકમાં
                             - હેમંત ગોહિલ 

અરસ પરસ ....... હેમંત ગોહિલ 'મર્મર '

ભલેને આજ નહીં તો કાલ આવશે ,
હશે જો ડાળખી તો  ફાલ  આવશે .
                                  - હેમંત ગોહિલ 

ગઝલ 

આમ જૂઓ તો જરા પણ ક્યાંય હરખાતો નથી .
હોય શેરી એમની જો તો હરખ    માતો   નથી .
પ્રશ્ન સાદો સાવ છેને  તોય  સમજાતો  નથી ,
કેમ ઘાયલ  થઇ ગયો છું :ફૂલ છે  ઘા  તો  નથી .
રંગ પીળો શું  બતાવે  છે  તમે  સમજ્યા નહીં ,
ડાળખીનો  ફૂલ સાથેનો  હવે   નાતો નથી .
ખુદમાં  ઊંડાણ જેવું  જોઈએ , દરિયો  કહે :
"હું  નદીને ક્યાંય પણ મળવા કદી જાતો નથી .
ઓઢણી હમણાં જ એણે સૂકવી છે  તાર પર ,
છે  પવન બધ્ધો જ  ત્યાં તેથી અહી વાતો નથી .
                                        - હેમંત ગોહિલ 'મર્મર '