Thursday 14 January 2016

ગઝલ

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

નવ્ય નથી : કેદુના છે ભૈ ,
ઘાવ ઘણાયે જૂના છે ભૈ .

ઝાડ ભલે લોઢાનું રાખ્યું ,
ડાળે પંખી રૂ ના છે ભૈ .

જાત નદી એની ધારું તો ,
આંખો ઊંડા ઘૂના છે ભૈ .

બાદ કરી જો તારાં માંથી ,
કારણ સઘળાં 'હું ' ના છે ભૈ .

પાંપણની અભરાઈ અડો મા,
આંસુ ઊના ઊના છે ભૈ .

એથી એ રંગીન પડે છે ,
પડછાયા પ્રભુના છે ભૈ .

એ ઉનાળો થૈને આવ્યાં ,
આંખે તોરણ લૂ ના છે ભૈ .

રોજ હાજી વાગે છે બંસી ,
પનઘટ ના કંઈ સૂના છે ભૈ .

દોષિત દિલને ગણવાનું છે ,
આંખોના જે ગૂના છે ભૈ .

ફૂલોને સમજાવો જઈને ,
ઘાવ બધાં ખૂશ્બૂ ના છે ભૈ.