Saturday 7 September 2013


ગઝલ ...હેમંત ગોહિલ "મર્મર "


એક ઈચ્છાનેય ચાલો આજ મારી જોઈએ ,
આગ અંદર હોય એને સ્હેજ ઠારી જોઈએ .

તો હવાની લ્હેરખી થઇ જાય ખૂશ્બૂ ઓરડે ,
એમની પણ સ્હેજ ખુલ્લી એક બારી જોઈએ .

આંખ ને આંસુની વચ્ચે આજ ભીષણ યુદ્ધ છે ,
જીત માટે ચાલ ,મનવા આજ હારી જોઈએ .

છાંયડા વિસ્તારવાની આવડતને કેળવો ,
આંગણું ઘેઘૂર કરવા એક ક્યારી જોઈએ .

એમ કરતા ક્યાંક જો દર્શન હરિના થાય તો ,
સામસામી આજ આંસુ ,આવ સારી જોઈએ .

અર્થની જ્વાળા તરત ભડકો બની ફેલી જશે ,
શબ્દમાં પણ ક્યાંક છૂપી ચિનગારી જોઈએ .