Saturday 20 April 2013


બાપ -દીકરાના સંવાદનું ગીત / હેમંત ગોહિલ 'મર્મર '


દીકરો :
પપ્પા ,મને એક થાય છે સવાલ તમે મમ્મીને કઈ રીતે ગોતી ?
નહોતો મોબાઈલ , નહોતી કંઈ વેબ સાઈટ fb પણ ક્યાંય નહોતી ......
ઝાકળથી લથબથ તાજા ગુલાબનું
આપેલું ફૂલ કોણે પહેલું ?
વાદળ જેવું કૈંક આંજીને કોણ
કોનામાં જઈ વરસેલું ?
સપનાની જેમ કોઈ અધખુલ્લી બારીએથી તમને એ રોજ રોજ જોતી ?...

બાપ :
જૂઓ સરકાર ! આતો અંગત છે મામલો
મારી સુવાંગ છે મૂડી ;
અંગત હોય વાત એ ના પંગતમાં પીરસાય
સમજણ વસાવો તમે રૂડી .
થડ જેવી વાત છે :રોપી છે જૂઈ મેં મારામાં સાવ મૂળસોતી ........

દીકરો :
વધે છે કુંવરીની જેવી અધીરાઈ એને
કેવી ફૂટપટ્ટીથી માપું ?
ઘરને દીવાલ ;ના ઘરમાં દીવાલ -એવું
કહે છે મોરારિબાપુ.
તમને જડે ગીત બનીને રોજ રોજ મમ્મી એને એમ ખોતી ?...

બાપ :
નજરુંના હિંચકે બેસીને રોજ અમે
સપનાની ચોકલેટ ચાખી ;
સમજાવું કેમ તને ખોબો ભરીને અમે
પીધી 'તી નદીયું આખી .
ટુંકમાં કહું તો મેં ગણી હતી વીજળી ,એણે પરોવ્યું 'તું મોતી .....

Wednesday 3 April 2013

ટચૂકડી જાહેરખબર / હેમંત ગોહિલ 'મર્મર '


૧ . ખોવાયેલ છે .

માળાથી તમારા ઘર સુધીના રસ્તામાં પંખીનું ટહુકા ભરેલું પર્સ ખોવાયેલ છે .સાથે કંઠનું લાઇસન્સ પણ છે .શોધી આપનારને યોગ્ય બદલો આપવામાં આવશે .

૨. વેચવાનો છે .

પોશ વિસ્તારમાં આવેલા એક ઝાડને ૧૦૦ ચો.વાર છાંયડો વેચવાનો છે .સૌને પોષાય એવા ભાવે . ટાઇટલ ક્લીયર . દલાલોએ તસ્દી ન લેવી .દતક

૩ . ભાડે આપવાની છે .

એક છોડને બીજા માળે એક ડાળી ફૂલો ખીલવવા ભાડે આપવાની છે .જ્ઞાતિબંધુઓને અગ્રીમતા આપવામાં આવશે .

૪. મોકાનો પ્લોટ વેચવાનો છે .

શહેરના હાર્દ સમાં વિસ્તારનો , છાતીની સહેજ ડાબી બાજુએ આવેલો મોકાનો પ્લોટ વેચવાનો છે .રમણીય પાર્ક બની શકે તેવા આ પ્લોટ માટે અજાણી વ્યક્તિએ પૂછપરછ કરવી નહિ .

૫ . ઈમલો વેચવાનો છે .

વર્ષો જૂના સપનાનો કાટમાળ વેચવાનો છે .વહેલા તે પહેલાના ધોરણે .

૬ . લગ્ન વિષયક ....

ઉંમર જેટલી ઉંચી ,દેખાવમાં હવા જેવી પાતળી ,દરરોજના ઢગલાબંધ આંસુ કમાતી પીડાને ખમતીધર યુવક જોઈએ છે .જ્ઞાતિબાધ નથી .

૭ . જોઈએ છે .

વયોવૃદ્ધ ,અશક્ત અને દિવસથી ત્યજાયેલી સાંજને સાચવી શકે તેવી પીઢ ઉંમરની આયા જોઈએ છે .

૮ . દત્તક જોઈએ છે .

શબ્દથી સમૃદ્ધ એવા શહેરના એક પ્રતિષ્ઠિત કવિને એક કવિતા દત્તક લેવાની છે . ઇચ્છુક વાલીઓએ કવિતાના ફોટા સાથે રૂબરૂ મળવું

ગીત ....: મીરાં કમોસમી માવઠું નથી .......હેમંત ગોહિલ


મીરાં કમોસમી માવઠું નથી કે રાણા , ઘડીક વરસીને રહી જાશે ,
અષાઢી મેઘની હેલી એ તો હોનહાર ,આખ્ખોય મેવાડ વહી જાશે .

ફાટેલા આભ જેમ ખાબકતા મેઘ એને
કિયા કિલ્લાથી તમે ખાળશો ?
વેગીલા વ્હેણમાં વહી જાતા જળ એને
વારી વારીને કેમ વાળશો ?
ટળવળતો રાજમહેલ તડકે મેલીને મીરાં કેવળ ભીનાશ લઈ જાશે .

ઊંચા તોતિંગ એવા ગઢની આડશ બધી ,
પળમાં તો થઇ જાશે રેલો ;
ભીના તરબોળ થઇ ખરખરતા કાંગરા
જોશે મેવાડને ડૂબેલો .
કોરાકટ્ટાક સાવ તોયે રાણોજી તમે ? - એવું ઉઘાડ કહી જાશે .

- હેમંત ગોહિલ

[મોંઘી મિરાત મીરાં 'માં પ્રકાશિત . સંપાદક : 'સુમિરન ' પ્રકાશક :પ્રવીણ પ્રકાશન ,રાજકોટ .

એક તાજી ગઝલ / હેમંત ગોહિલ 'મર્મર '


હાથમાં ચપટી ભરી ગુલાલ રાખ ,
આંખમાં આંજી છલોછલ વ્હાલ રાખ .

માંગ છે મિત્રો સમયની આજકાલ ,
આંખને થોડી ઘણી તું લાલ રાખ .

એક ગંગા ઝીલવાની હામ હોય
તો જ બંધુ ! હાથમાં રૂમાલ રાખ .

એજ પગલું થાય કેડી , સાવધાન ,
પગ પહેલો મૂકવામાં ખ્યાલ રાખ .

માવઠાની મ્હેરથી કંઈ પાક થાય ?
મન અષાઢી મેઘ જેવું ન્યાલ રાખ .

સોગઠું ગાંડું કરી જગ મૂકશે જ ,
તું ભલેને સાવ સાદી ચાલ રાખ .

ગીત : જોયું ,ભૈઇ જોયું મોબાઈલિયુ ... હેમંત ગોહિલ 'મર્મર '


[એક યુવાન એક વૃધ્ધ્જનને મોબાઈલ બતાવે છે ,તેના પ્રત્યુતરમાં વૃદ્ધજન યુવાનને કહે છે તે ગીત ]

જોયું ,ભૈઇ જોયું મોબાઈલિયુ ...
આઘે અંધારે રિયા વાતું ઝીંકો છો રોજ ભેળાં હોવાની ચમકીલીયું ....

અમે મળતાં'તા ઈતો અહાઢી મેઘ જેમ
મળવાનું સીમને રૂબરૂ ;
છલકાતી હોય આંખ નદીયુંની જેમ અને
રેલાતું હોય જણ હરૂભરૂ.
વાદળની જેમ કોઈ વરસતું હોય એનું ખોબામાં જળ કો 'દી ઝીલિયું ?

યાદ કરે કોક અને આવી જાય હેડકી
કહેવાય કવરેજ એને સાચું ;
ટાવરના ટેકે ટેકે ગુબ્બારા ગોઠવી ,
બાંધો મકાન તમે કાચું .
ફોટામાં હોય ભલે રૂડું રૂપાળું તોય ચીતર્યું ગુલાબ કો 'દી ખીલિયું ?

વંકાતા હોઠના વાંચ્યા sms ?
રૂદિયાના સાંભળ્યા છે રીંગટોન ?
આંખના ઈશારામાં થઇ જાતા કોલ
છોરું !એને કે 'વાય ખરો ફોન .
ગાલના ગુલાલમાં ભળેલું નામ તમે વાંચ્યું છે કોઈ દી અબીલિયું ? ...

કરવા એક્ટીવ તમે રાખો સીમકાર્ડ
એમ ભીતરમાં નામ એનું રહેતું ,
વાસી -ઉતરેલા સાવ હાય -હલ્લો પીરસી ને
આવે ઓડકાર લે,કહે તું .
ખાલી ગલાસ જેવા વાયદા શું જાણે કે નજરૂં પણ હોય છે નશીલિયુ .....

એક ગઝલના / હેમંત ગોહિલ 'મર્મર '


એમના બસ ઘર લગી લંબાય શેરી ,
ગામની છે તોય ના સમજાય શેરી .

છોકરી એકાદ નક્કી સોળની થઇ ,
આમ નહિતર આટલી શરમાય શેરી ?

એક મારા નામનો બા સાદ પાડે ,
જો , પછી જો કેટલી છલકાય શેરી .

જાન ઉઘલીને પહોંચી ગામ પાદર ,
એક માની આંખમાં ભૂંસાય શેરી .

ફૂંક મારું એમના હું નામની તો -
એક પળમાં વાંસળી થઇ જાય શેરી .

દોસ્ત આવી તું કરી લે આજ થપ્પો ,
ધૂળને ખંખેરતા પકડાય શેરી .

ગઝલ / હેમંત ગોહિલ 'મર્મર '


કાલ હતું એ આજ અલગ છે ,
રોજ સમયનું બાજ અલગ છે .

વાત બટનની ક્યાં ખોટી છે ?
તેં દ્દીધું એ ગાજ અલગ છે .

છત્રી જેવું રાખો સાજન ,
મોસમનો મિજાજ અલગ છે .

ઘાવ ગણી લ્યો મુદ્દલ સરખા ,
પીડા જેવું વ્યાજ અલગ છે .

બાઈ મીરાં કે ' ગિરધર નાગર ,
ઝાંઝ અને પખવાજ અલગ છે .

મેં સપનાને કંડાર્યા છે ,
મેં બાંધ્યો એ તાજ અલગ છે .

આંખ છલોછલ છલકે પાણી ,
મળવાનો અંદાજ અલગ છે .

એક સોનેરી ગીત / હેમંત ગોહિલ 'મર્મર '


પ્હેરી પવન એક ખારવણ ન્હાય ......
તડકો ચોળીને કાંઈ સોનેરી થાય , કાંઈ સોનેરી થાય......

છાલક મોજાની સહેજ અડે'ને ખારવો
થઇ જાતો સાવ ફીણ ફીણ ;
ફરફરતો સઢ કહે નાવડીને કાનમાં :
"માછલીની ગંધ હવે વીણ."
ઈચ્છાની માછલી નજરૂની જાળમાં તાજી ઝલાય કાંઈ તાજી ઝલાય....

ખારી ભીનાશ બધી વેળુમાં સંઘરી ,
કાંઠાઓ થઇ ગયાં ચૂપ ;
ખારવાનું નામ હવે ખારવો હતું ક્યાં
દરિયાનું થઇ ગયો રૂપ .
આવી જાય ભરતી ખારવામાં ,ખારવણ એવું કાંઈ ગાય ગીત એવું કાંઈ ગાય

ગઝલ / હેમંત ગોહિલ 'મર્મર '


રોજ રસ્તામાં મળે છે મોંઘવારી ,
સાવ સસ્તામાં મળે છે મોંઘવારી .

પેટના અક્ષાંશ ને રેખાંશ માપો ,
ફક્ત નકશામાં મળે છે મોંઘવારી .

છેતરાયા એટલે તો સૌ અહિયાં,
ગુલદસ્તામાં મળે છે મોંઘવારી .

કેમ ધીરે માણવી લિજ્જત અમારે ,
જોર ઝટકામાં મળે છે મોંઘવારી .

એક તો સંજોગ સાલ્લા ખાંડણી છે ,
ક્રૂર દસ્તામાં મળે છે મોંઘવારી .

અંક નાનો તોય તું કર બાદબાકી ,
લાવ ,દશકામાં મળે છે મોંઘવારી .

છે વફાદારી જૂઓ ભરપૂર એની ,
રોજ પડખામાં મળે છે મોંઘવારી .