Friday 15 March 2013


ગીત... કાનમાં કહે છે એને 

કાનમાં કહે છે એને ખાનગી કે'વાય તો સાનમાં કહે છે એ શું ?
બતાવને જીવણા ,તું .

આમ તો બધાંની વચ્ચે હોય છે આકાશ તોય ,
એકલા અટૂલા સાવ ઝૂરવાનું ;
ઝંખના હશે કે હશે મામલો જો ઝાડવાનો ,
ખાતર તો બેઉમાં છે પૂરવાનું .
વાતમાં વસે છે એને વ્હાલપ કે'વાય તો જાતમાં વસે છે એ શું ?
બતાવને જીવણા ,તું .

ખોબલા ભરીને હું તો ઓરતા રે ઓરતી ,
સાનભાન તો સાવ ઓલવાયા ,
પંડમાં ધરીને દોમ અટકળના દરિયાને ,
વાયરા તો ગોળગોળ વાયા .
છીપમાં વસે છે એને મોતી કે'વાય તો પ્રીતમાં વસે છે એ શું ?
બતાવને જીવણા ,તું .

                                     - હેમંત ગોહિલ 'મર્મર '

ગીત ... સીસમનો ઢોલિયો 


સીસમનો ઢોલિયો હો બંગડીની જોડ
નીંદરની વારતામાં ઊગ્યા રે કોડ ...કોડ રણક્યા કરે .

પીળો ઉજાગરો હળવેક ચૂમ્યો

પાંપણ ના પરદે પંછાયો ઝૂમ્યો
શૂળ જેવું આરપાર રેશમની સોડ
કાળઝાળ અંધારે ઓરતાના છોડ ...છોડ મહેક્યા કરે .

વરસાદ પીધાનો વહેમ નીતરે
સમજણનું જળ ગલગોટા ચીતરે
જળ હારે ઢેફલાને ભીંજ્વાની હોડ
જીવતર યાને કે સપનાની દોડ ...દોડ બટકયા કરે .


                                                          - હેમંત ગોહિલ 'મર્મર'

ગઝલ / હેમંત ગોહિલ


હવે જ્યોત ફ્ગફ્ગ થાય છે તમે પ્રીતનો પાલવ ધરો ,
અજવાસ ડગમગ થાય છે તમે પ્રીતનો પાલવ ધરો .

નથી રાતના અંધારની મને  રાહમાં અડચણ કદી ,

કોઈ યાદ ઝગમગ થાય છે તમે પ્રીતનો પાલવ ધરો

કહી દો  ચમનને  મોકલે  નહી કોઈ  દી ખૂશ્બૂ મને ,

ખુદ શ્વાસ મઘમઘ થાય છે તમે પ્રીતનો પાલવ ધરો।

કોઈ  કાફલો  ઝૂકી ગયો  જરા  સાંઢણી ઝૂકાવતાં ,
હજી રાહ તગતગ થાય છે તમે પ્રીતનો પાલવ ધરો।

દિવસો બધાં પાછા વળી નિજ નીડમાં  આવી ગયા ,
ફરી સાંજ લગભગ થાય છે તમે પ્રીતનો પાલવ ધરો।

રણની  તરસ  ભડકે બળે  અહી  ઝાંઝવાના  રૂપમાં ,
પછી રેત ધગધગ થાય છે તમે પ્રીતનો પાલવ ધરો.

ગીત / હેમંત ગોહિલ


કાગળ જેવી જાત ; જાતમાં અગ્નિ મેં કોરાવ્યો ,
સૈયર !અગ્નિ મેં કોરાવ્યો .
મૂકી પટોળે ભાત ;ભાતમાં દરિયો મેં દોરાવ્યો ,
સૈયર !દરિયો મેં દોરાવ્યો .

લખી લાભ -શુભ કંકુવરણા ,
ધબકારામાં ઘૂંટ્યા ;
સગપણ જેવા શ્રીફળ ઘરને ,
ઉંબર આવી ફૂટ્યા .
દીવે ટાંગી રાત ; રાતમાં અંધાર મેં બોરાવ્યો ,
સૈયર !અંધાર મેં બોરાવ્યો .
નજરુંના તોરણ બાંધી મેં ,
અંજળ લીપ્યા ફળિયે ;
અટકળ પ્હેરી ઊભી હું તો ,
લોચનના ઝળઝ્ળીયે .
કોઈ મળ્યાની વાત ; વાતમાં અવસર મેં ઓરાવ્યો ,
સૈયર !અવસર મેં ઓરાવ્યો .

દીકરી ગઝલ


એટલે  તો  દીકરી સૌને   વહાલી હોય છે ,
જીવમાં  એના થકી  જાહોજલાલી હોય છે .

આયખું  અવસર બનીને  ટોડલે  ઝૂલ્યા કરે ,

પૂરતી એ સાથિયા ,જ્યાં સ્થાન ખાલી હોય છે .

વ્હાલની છે વાટ કેવળ ,વ્હાલની છે વારતા ,

ખુદ ખુદાએ  આંગળી એ રૂપ ઝાલી હોય છે .

એટલે પગલી  પડે છે ફૂલ સરખી આંગણે ,
વ્હાલની કેડી ઉપર  એ રોજ ચાલી હોય છે .


વ્હાલની  છે રોશની એ પ્રેમની છે ફૂલઝરી ,
એટલેતો   દિલમાં  રોજે દિવાલી   હોય છે 

                                        - હેમંત ગોહિલ 'મર્મર '