"
ગીત .............
મનના મુલકનો હું છું ભડરાજવી ..
મનના મુલકનો હું છું ભડરાજવી કોઈની દખલ મને ગમતી નથી .
મારી સમજણના હું આળેખું સાથિયા કોઈની નકલ મને ગમતી નથી .
હૈયે હરખનો એને અણસાર શું ?
ચીતર્યા ચીલામાં જે ચાલ્યા કરે ,
ઊબડખાબડ ક્યાંક વણખેડી ભોમ પર
આપણા આ રામ તો મહાલ્યા કરે .
મારગે મંજૂર છે ખીણ -નદી કોતરો ,સફર સરલ મને ગમતી નથી .
ઊંચા ગઢના રે કોઈ ઊંચેરા કાંગરા ,
એવા ઊંચા રે મારા ઓરતા ,
હણહણતા અશ્વના પડઘાતા ડાબલા ,
સમણે આવીને ઝક્ઝોરતા.
રાખું તોફાન એક ઊછળતું આંખમાં ,આંખો સજલ મને ગમતી નથી .
વરસવું એટલે કે વાદળની જેમ
મને નેવાંની જેમ નથી ફાવતું ,
છબછબિયાં કરી મોજ માણવામાંહોય શું ?
દોડી મન ડૂબકી લગાવતું .
આપો તો જળ ;જળ ઝીલેલા આપજો , બીજી વકલ મને ગમતી નથી .