Tuesday 25 March 2014


ગઝલ ________ હેમંત ગોહિલ 'મર્મર '


એક માણસનું હકીકતમાં જ અફવા થઇ જવું ,
કેટલું ખટકે છે મૂંગી સાવ ઘટના થઇ જવું .

હોય ક્યાં વિકલ્પ ત્રીજો દિવસોના કાયદે ,
છાંયડાઓ થઇ જવું અથવા તો તડકા થઇ જવું .

આજ મારા આંગણામાં આવવાનાં એ હશે ,
સૂચવે છે આ હવાનું કંકુપગલાં થઇ જવું .

બાઅદબ સૌ શબ્દ તો બેઠાં પલાંઠી વાળતા ,
શીખવે છે કંદરા કે કેમ પડઘા થઇ જવું .

સાવ સૂક્કીભઠ્ઠ થૈને ભોંય પડતર થઇ હતી ,
મૂળમાં છે આંખથી આંસુનું અળગા થઇ જવું .