Saturday 8 June 2013

ગઝલ .તમે જીવો જ છો 

તમે જીવો જ છો એનો પુરાવો આપવા વિનંતી ,
ભરો છો શ્વાસ રોજે એ ન દાવો આપવા વિનંતી .

નથી સ્વીકાર્ય જે જે આંખની સામે બનેલા છે ,
બને છે ભીતરે એવા બનાવો આપવા વિનંતી .

પછી જૂઓ તમે કે એકલાનો પણ બને મેળો ,
ભરી છે ફૂંક મેંતો ;એક પાવો આપવા વિનંતી .

હવે મંદિર જીર્ણોધ્ધાર ઝંખે ;યાદનો ફાળો ,
તમે ના ચોપડે ખાલી લખાવો :આપવા વિનંતી .

અમે તો પાટ માંડી આજ બેઠા હે ગઝલદેવી !
ભરી છે શબ્દની ચપટી ,વધાવો આપવા વિનંતી .

                      

-.. હેમંત ગોહિલ 'મર્મર '

ગીત....બાઈ, મારે સમજાવવું કેમ કરી ઝાડને 


..... બાઈ ,મારે સમજાવવું કેમ કરી ઝાડને ?
ફૂટે નહીં ડાળખી ,ફૂટે નહીં પાંદડાં કે ફૂટે નહીં કૂંપળ કમાડને ....

ઘેઘૂર લીલાશ કરે જૌહર સાગમટે ,
ડૂબે આક્રંદ સૂકી છાલમાં ;
પંખી ઊડેને ઝાડ કાષ્ટ બની જાય
એવી ઘટનાનાં મૂળ હોય વ્હાલમાં .
વ્હેરાવી જાત તોય બોલ્યા નહીં વેણ પણ વેઠી વેઠાય ના તિરાડને ......

ઢોળાતા છાંયડા ને વળગ્યો વળગાડ એવો ,
પાન જેમ ખેરવે સમૂળગા ભાન ;
દિલાસો કેમ કરી ડાળખીને આપીએ ?
પાંદડાનું નામ લઇ ખરતું વેરાન .
વરણાગી વાત લઇ હાલી જ્યાં લ્હેરખી તો રોકવાના કોડ જાગ્યા વાડને ....

 હેમંત ગોહિલ 'મર્મર '


  
                                         


ગીત ..ભાષાની એક નદી વહે છે 

ભાષાની એક નદી વહે છે .....
ટીપે ટીપે અક્ષર લઈને વહે શબ્દાળુ ધાર ,
ધીર ગંભીર અર્થાળું પટના ઊંડા તળ અપાર
જળને આવું જળ કહે છે ....

કોઈ તરાવે તણખલું ને કોઈ ઊર્મિની હોડી ,
કોઈ તરાપો તરતો મૂકે પરપોટાને ફોડી .
જળ તો કેવું કેવું સહે છે .....

વ્યાકરણ ના કાંઠાની વચ્ચે વહે સકલ અભિલાષા ,
ભાષાનું જળ સમજાવે છે જળને જળની ભાષા
જળ તો કેવળ જળ રહે છે ......

                 -     હેમંત ગોહિલ "મર્મર "

ગીત........ મારું આકાશ મને આપો .


...... મારું આકાશ મને આપો .
કોમળ પીછાંનો સાવ સાચો પર્યાય હોય એવી હળવાશ મને આપો .
આપી આપીને કોઈ આપે છે ફૂંક ,
અહી આપે છે કોઈ ક્યાં લ્હેરખી ;
પોતીકો રંગ મૂકી આળેખવી ભાત કેમ ?
જીવતર જીવાય જ્યાં મ્હેરથી .
ખોબો ભરીને ક્યા માગ્યું છે સાહ્યબા ચપટીક બસ સુખ મને આપો .

ગણી ગીત સૌ આપે બુલબુલને ,
મેળવે છે રોજ એનો તાળો ;
મનગમતા રાગ પછી કેમ કરી છેડવા ?
ટહુકાનો માગે સરવાળો .
વગડો જો હોય તો વાંધો ક્યા હોય છે સાથે પલાશ મને આપો .

સૌનો દિવસ હોય સૌને સુવાંગ
પણ સૌનો સૂરજ હોય એક ;
ઓઢે છે કોઈ રાત કાળીડીબાંગ અને
ઓઢે છે કોઈ રોજ સમણાં અનેક .
આખ્ખું ચોમાસું દઉં ચાકળામાં ગૂંથી લગરીક ભીનાશ મને આપો .


                                                    - હેમંત ગોહિલ "મર્મર "