Sunday 17 August 2014


ગઝલ ___________ હેમંત ગોહિલ 'મર્મર '


મને બારાખડીની બ્હારનો અક્ષર મળી આવેલ છે ,
ખરી ઓળખ બતાવી લઇ જજો ,ઈશ્વર મળી આવેલ છે .

તમે ચારેય દીવાલો વચાળે સાંભળો બ્રેકિંગ ન્યુઝ ,
નથી એક્કેય વચ્ચે ભીંત એવું ઘર મળી આવેલ છે !

બધાં તોરણ તમે લ્યો ,થાવ લીલાં : બારણે હુકમ કર્યો 
પડેલું બંધ ખાનું ખોલતા અવસર મળી આવેલ છે .

નદીની બાતમીને લઈને રણની ધરપકડ કીધી હતી ,
તલાશી આંખની કરતા ભર્યું સરવર મળી આવેલ છે .

હવે તાળો દટાયેલા નગરની વારતાનો મેળવો ,
પુરાતનકાળના અવશેષમાં ઝાંઝર મળી આવેલ છે !!
ગઝલ _____હેમંત ગોહિલ 'મર્મર '

વાત સૌએ પ્રેમથી સ્વીકારવી પડશે ,
જીતવા ક્યારેક બાજી હારવી પડશે .

એમ વિઝા નૈ મળે કૈં પ્રેમનો તમને ,
મૌનમાં ઘટના બધી ઉચ્ચારવી પડશે .

હાથમાં મેં હાથ ઝાલ્યો એમનો તેથી ,
હસ્તરેખા ઈશ્વરે સુધારવી પડશે !!

શ્વાસના ચીલામાં કેવળ ચાલવાનું છે ?
એક કેડી તો નવી કંડારવી પડશે .

ઘૂઘવે છે એ સમંદર લાંઘવાનો છે ,
કોક જૂની વાતને સંભારવી પડશે .

એમ જાણી સ્વપ્નને મેં સાવ ટૂંકાવ્યા ,
કે ખુદાએ રાતને વિસ્તારવી પડશે .