Sunday 17 August 2014

ગઝલ _____હેમંત ગોહિલ 'મર્મર '

વાત સૌએ પ્રેમથી સ્વીકારવી પડશે ,
જીતવા ક્યારેક બાજી હારવી પડશે .

એમ વિઝા નૈ મળે કૈં પ્રેમનો તમને ,
મૌનમાં ઘટના બધી ઉચ્ચારવી પડશે .

હાથમાં મેં હાથ ઝાલ્યો એમનો તેથી ,
હસ્તરેખા ઈશ્વરે સુધારવી પડશે !!

શ્વાસના ચીલામાં કેવળ ચાલવાનું છે ?
એક કેડી તો નવી કંડારવી પડશે .

ઘૂઘવે છે એ સમંદર લાંઘવાનો છે ,
કોક જૂની વાતને સંભારવી પડશે .

એમ જાણી સ્વપ્નને મેં સાવ ટૂંકાવ્યા ,
કે ખુદાએ રાતને વિસ્તારવી પડશે .

No comments:

Post a Comment