Sunday 3 March 2013

સીમને મળેલા સુખનું ગીત ....

સીમ તો કેવી ખુલમખુલ્લા પડતાં ફોરાં ઝીલે ,
અમે અભરખા બાંધ્યા સૈયર ,મર્યાદાના ખીલે .

અમને સૈયર ,એમ હતું કે
 જાડી ગાર્યું લીંપું ,
તોય ટરાટું રીઝવતુંકને  
આવ્યું જળનું ટીપું .
સ્હેજ ખપેડો ખેસવતોક ને વાયરો કૈંક પૂછી લે ...

સાવ સમૂળગી સૂધ બૂધ મૂઈની 
છલકી હાલી શેઢે ;
અમે ગણી છે સમજણ સૈયર ,
આંગળિયું ને વેઢે .
અડતી વાછટ ઓશરિયે ને સણકા ઊપડે ડીલે ..

એવી લથબથ ભીંજી છેવટ 
થઇ ગઈ એતો મ્હેક ,
અમે અમારે પાલવ સૈયર ,
બેઠાં બાંધી ગ્હેંક .
બાર્ય કડાકૂટ કરતી ત્યાં તો ભીતર કોઈ વરસી લે ...

                                    - હેમંત ગોહિલ "મર્મર "


ગીત ...ફાગણની વાત સખી ,નહીં બોલું ...

ફાગણની  વાત સખી ,નહીં બોલું  ફળિયે ,ફળિયું તો સાવ અળવીતરું .....
મનગમતી વારતાના મનમાં મંડાણ કરી .મનમાં ઉઘાડ  એના ચીતરું ....

સૂક્કીભઠ્ઠ ડાળખીને ફૂટે કૂંપળ એમ 
મારી ભીતર હું તો મ્હોરતી ;
એકાદું ફૂલ કોઈ આંગણામાં નીરખી 
સૌરભના સાથિયા હું દોરતી .
માથાબોળ નહાવાના એવા અભરખા કે સમણું ય લાગે છે હવે છીછરું ...

શેરીની જેમ મારી લંબાતી જાય આંખ 
પગલાંની છાપને પીછાણવા ;
પીંછા ગણવાની વાત લાગે છે હાથવગી 
ઊડ્યા અવસર કેમ  આણવા ?
પૂછે પરનાળ મને નેવાની વારતા તો ,નળિયું ભાંગીને કરું  ઠીંકરું ..

એકલ દોકલ ક્યાંક ટૌકો ખરતો ને એનો 
રેશમિયો લાગે છે ભાર ;
ઠેસ જેવું હોય તો સમજ્યું સમજાય ,આતો 
ભીતરમાં વાગે ભણકાર 
વાદળ વિનાનું સાવ કોરું આકાશ તોય કેવી હું લથબથ નીતરું !!...

                                                                - હેમંત ગોહિલ "મર્મર "

 
 


ગીત .. હું તો લપસી પડી ...

તોય  લપસી પડી ઈમાં ,મૂઈ ....
હરખુડી પાનિયુંને હમજાઈવું ભાળ્ય ,અલી મારગમાં ગૂડી છે કૂઈ ...
કોરોમોરો બાઈ મારો કમખો ભીંજાણો
એનાં કોરાપણાના વ્રત તૂટ્યા ,
અધકચરી ઊંઘમાંથી ઝબકેલા ઓરતા 
ઓગળીને ગાંઠથી વછુટ્યા .
ભીની હોય ભોંય ત્યાંથી આઘા રે 'વાય કૈંક એવું હમજાવતી 'તી ફૂઇ ...
રેલાતી હાય હું તો હાલી ઉતાવળી ,
ફળિયું કળાય ત્યાંતો ઓરું ,
બાર્યનું તો કીધું ઝૂડી ઝાટકીને ઠીક -ઠાક 
માલીપા કેમ થાવું કોરું ?
ઓલવાયા ભાનસાન એવા કે બાઈ હું તો ટેરવડે ટાંકી બેઠી તૂઇ ...
ઠાલી પડપૂછ કરે નખ્ખોદીયો વાયરો 
પાણી ઊંડું કે ઊંડાં તળ છે ?
રેલાતી જાઉં હું તો ઢોળાતી જાઉં હું તો 
જાણે કે જાત હવે  જળ છે .
તેદુની આંગણામાં આવીને બાઈ મેંતો વાવી છે ઝીણેરી  જૂઈ ...

                                                 - હેમંત ગોહિલ "મર્મર " 

 

સુખાંત ગીત ....

ચકો  ગયો છે  ક્યાંક ચોમાસું  ચણવાને માળે રેલાય છે ચકી ...
કે 'તું તું કોઈ પણે એવું કે ઓણ સાલ ભારઠ વરસાદની છે વકી ...
ફળિયે મૂકી છે આંખ 
તળિયે મૂકી છે પાંખ 
                       વરસાદી વાયરે વ્હેરાય છે ..
પીંછાની આરપાર 
વીન્ઝાતું ધારદાર 
                        કાળું આકાશ  મંડરાય છે ...
ચકી કહે :"વાદળું વરસે કે આંખ ! પણ ચડવાનું પૂર એતો નક્કી ....
ખબર્યું ના કોઈ કહે 
આંખોમાં પૂર  વહે 
                        ફળિયે ઝીંકાય છે ધ્રાસકા .
પાંખે ભટકાય કૈંક 
અંદર બટકાય કૈંક 
                         મારે છે વાયરો  આંચકા ..
એક આવતો નથી ને એક જાતો નથી :બેઉ મૂઆ છે ભારે જક્કી ..
છેવટમાં જેમતેમ 
પૂગ્યો છે હેમખેમ 
                         ચકો આળોટીને આભમાં ..
હૈયે હરખાઈને 
મીઠું મલકાઈને 
                          ચકી રેલાય શુભ -લાભમાં ..
ચકો છલકાય કાઈ છલ્લકતી સીમ જેમ ચકી કહેવાઈ જ્યાં લકી ...

                                                                  - હેમંત ગોહિલ 'મર્મર '