Sunday 3 March 2013

ગીત ...ફાગણની વાત સખી ,નહીં બોલું ...

ફાગણની  વાત સખી ,નહીં બોલું  ફળિયે ,ફળિયું તો સાવ અળવીતરું .....
મનગમતી વારતાના મનમાં મંડાણ કરી .મનમાં ઉઘાડ  એના ચીતરું ....

સૂક્કીભઠ્ઠ ડાળખીને ફૂટે કૂંપળ એમ 
મારી ભીતર હું તો મ્હોરતી ;
એકાદું ફૂલ કોઈ આંગણામાં નીરખી 
સૌરભના સાથિયા હું દોરતી .
માથાબોળ નહાવાના એવા અભરખા કે સમણું ય લાગે છે હવે છીછરું ...

શેરીની જેમ મારી લંબાતી જાય આંખ 
પગલાંની છાપને પીછાણવા ;
પીંછા ગણવાની વાત લાગે છે હાથવગી 
ઊડ્યા અવસર કેમ  આણવા ?
પૂછે પરનાળ મને નેવાની વારતા તો ,નળિયું ભાંગીને કરું  ઠીંકરું ..

એકલ દોકલ ક્યાંક ટૌકો ખરતો ને એનો 
રેશમિયો લાગે છે ભાર ;
ઠેસ જેવું હોય તો સમજ્યું સમજાય ,આતો 
ભીતરમાં વાગે ભણકાર 
વાદળ વિનાનું સાવ કોરું આકાશ તોય કેવી હું લથબથ નીતરું !!...

                                                                - હેમંત ગોહિલ "મર્મર "

 
 

No comments:

Post a Comment