Sunday 3 March 2013

સુખાંત ગીત ....

ચકો  ગયો છે  ક્યાંક ચોમાસું  ચણવાને માળે રેલાય છે ચકી ...
કે 'તું તું કોઈ પણે એવું કે ઓણ સાલ ભારઠ વરસાદની છે વકી ...
ફળિયે મૂકી છે આંખ 
તળિયે મૂકી છે પાંખ 
                       વરસાદી વાયરે વ્હેરાય છે ..
પીંછાની આરપાર 
વીન્ઝાતું ધારદાર 
                        કાળું આકાશ  મંડરાય છે ...
ચકી કહે :"વાદળું વરસે કે આંખ ! પણ ચડવાનું પૂર એતો નક્કી ....
ખબર્યું ના કોઈ કહે 
આંખોમાં પૂર  વહે 
                        ફળિયે ઝીંકાય છે ધ્રાસકા .
પાંખે ભટકાય કૈંક 
અંદર બટકાય કૈંક 
                         મારે છે વાયરો  આંચકા ..
એક આવતો નથી ને એક જાતો નથી :બેઉ મૂઆ છે ભારે જક્કી ..
છેવટમાં જેમતેમ 
પૂગ્યો છે હેમખેમ 
                         ચકો આળોટીને આભમાં ..
હૈયે હરખાઈને 
મીઠું મલકાઈને 
                          ચકી રેલાય શુભ -લાભમાં ..
ચકો છલકાય કાઈ છલ્લકતી સીમ જેમ ચકી કહેવાઈ જ્યાં લકી ...

                                                                  - હેમંત ગોહિલ 'મર્મર '


No comments:

Post a Comment