Wednesday 20 February 2013


                  ગીત 

છાંયડા વિનાની એક છોકરી રે એક છોકરી રે ......
છોકરી તો સીમમાં છાણા વીણે .
ખરીબાઈ ગઈ એક મોટા ગામતરે ગરીબાઈ એટલે એને ઉછેરતી ,
છાંયડા વિનાની સાવ પોતે હતી ને તોય  છાંયડા તો ઠેર ઠેર વેરતી .
વેર્યા નસીબના દાણા વીણે ...
 છોકરી તો સીમમાં છાણા વીણે .
તડકા પણ બળે એમ કાળામેશ દેહમાંથી અજવાળા દોમ દોમ નીતરે ,
ફાંટ ને સંકોરતીક વગડાની છાતી એ ગીતલડા વરણાગી   ચીતરે .
ઓરતાના ગોળ ગોળ ગાણાં વીણે .....

છોકરી તો સીમમાં છાણા વીણે .

અડવાણા પગની એ બળબળતી  પાનિયુંને શેઢાનું ઘાસ થોડું ફૂકતું ,
એકલદોકલ ક્યાંક પીછું અડકે ને એનું ભીતરનું પંખી  ટહૂકતું .
આયખાના રોકડા ટાણા વીણે 
છોકરી તો સીમમાં છાણા વીણે 
                                                                            - હેમંત ગોહિલ 'મર્મર '
 

No comments:

Post a Comment