Monday 25 February 2013

ગીત 

ફાટેલ તૂટેલ સાવ ચડ્ડી ચડાવતુંક સામે આવ્યું રે મારું બાળપણ ,
દોથો ભરીને લાવ્યું દાદાની વારતાને લાવ્યું  ભિલ્લુની ગાળપણ .
એવું તો ઓળઘોળ પહેર્યું છે ગોળગોળ ,
આખ્ખું તળાવ એણે ડીલે ;
ડુબકીયા દાવ જે ખોયા 'તા ધૂબકે ,
કે 'તું કે  જળ તું ગોતી  લે .
ભીતરની ભાત એના થીગડે મળે છે 'ને ભાતીગળ સમણાની ભાળપણ .....

 કરીને પેંત દોંત ફેકેલા દાણીયા 
એની આંખોમાં હજી દદડે 
પૂછે પાંપણ એની ઢળીને સહેજ મને 
ગાયેલાં ગીત લીલા વગડે .
છાનું છૂપાવી લાવ્યું મખમલીયું ઘાસ અને લાવ્યું છે ડુંગરીનો ઢાળ પણ ...

વીખણશીખણ એના લ્હેરાતા ઓડીયામાં ,
કરે ઉત્પાત હજી હડીયું ,
હમ્ફાતા શ્વાસ માં રંગીન કાગળિયાંનું 
દડે છે હજી દડદડિયું .
ખાલી ખિસ્સામાં એવી ખખડે છે સાહ્યબી કે લંબાવે હાથ ટંકશાળ પણ ....

ફરતા ફરફરિયાંમાં ફેરવ્યો 'તો વાયરાને 
એનો રોમાંચ રુંવે -રુંવે ;
મળેલા મન જેવી મીઠી એ શેરડીનો 
ભીડેલા હોઠ સ્વાદ ચૂવે .
મુઠ્ઠી ભરીને લાવ્યું માણેલી મોજ 'ને લાવ્યું છે ચપટીક ફાળ પણ ......
                                                      

                                                            ...- હેમંત ગોહિલ 'મર્મર '

No comments:

Post a Comment