Sunday 10 March 2013

ગઝલ / હેમંત ગોહિલ


આ વસ્ત્ર એક જો વણાય તોય છે ઘણું ઘણું ,
મળ્યું છે એટલું મણાય તોય છે ઘણું ઘણું .

જવાબ તો બધાય પ્રેમમાં મળી જશે પછી ,
સવાલ એક હા ભણાય તોય છે ઘણું ઘણું .

કહે કબીર: ઈશ તો અસીમ 'ને અમાપ છે ,
જરાક જેટલો જણાય તોય છે ઘણું ઘણું .

નવો નથી ઉગાડવોય મોલ મારા ખેતરે ,
ભરેલ કણસલા લણાય તોય છે ઘણું ઘણું .

ભલે ન ભીતરે જવાય મુક્તકો તપાસવા ,
બહાર છીપલાં ગણાય તોય છે ઘણું ઘણું .

અહી હરે ફરે અપાર ઝૂંડ એષણા તણાં ,
કદીક એકબે હણાય તોય છે ઘણું ઘણું ,


                                - હેમંત ગોહિલ 'મર્મર '

No comments:

Post a Comment