Sunday 10 March 2013

ગઝલ... સંજોગ તું 

સંજોગ તું મીઠું હવે ભભરાવ મા ,
રૂઝી ગયેલા ઘાવને ચચરાવ મા

પોઢી ગયું છે સોડ તાણી સોણલું ,
ઓ શ્વાસ !તું સાંકળ હવે ખખડાવ મા .

સાંભળ જરા પાણી પણે તટને કહે :
નક્કોર પરપોટા નથી પપલાવ મા .

આકાશ ઊતરી ચીલઝડપે લઇ જશે ,
પાંખો અમસ્તી સ્હેજ પણ ફફડાવ મા .

વરસાદ તો બેઠો જ છે વરસી જવા ,
ભીની ભરેલી યાદને મમળાવ મા .

અમથો ઘસરકો વાઢ મૂકી જાય છે ,
કાજળ કરી નજરું હજી કકરાવ મા .

ફંટાય છે રસ્તો જ એના ઘર ભણી ,
નિર્દોષ પગલાંને પછી તતડાવ મા .


                                      - હેમંત ગોહિલ 'મર્મર '

No comments:

Post a Comment