Wednesday 13 March 2013

ગીત ..... આતે કૌતુક કેવું !


આતે કૌતુક કેવું  ? !
મીરાં કહે છે  મોર ચણે છે ,રાણા કહે પારેવું .

પડી નગારે ડાંડી ચહુદીશ શંખ ફૂંકાવા લાગ્યા ,
મીરાં મંદિર હાલ્યા , રાણા રણમેદાને  ભાગ્યા .
મીરાં  કહે છે ઝાલરટાણું ,રાણા કહે યુદ્ધ જેવું ......

મીરાં ચંદન ઘસતા રાણા સમજ્યા કે તલવાર્યું ,
કુમકુમ  તિલક ભાલે  કીધું રક્તબિંદુત્યાં ધાર્યું .

મીરાં  મંદિર નખશિખ નીરખે , રાણા  એવું એવું ...

રાણા  કહે  પથ્થરિયા  ગઢ મેં કોર્યા ઠામે ઠામ 
મીરાં  કહે  સાગમટે  આંગણ  આવ્યાં  શાલિગ્રામ
મીરાં  કહે વરસાદ  પડે છે  રાણા કહે છે નેવું .....

               -હેમંત ગોહિલ  'મર્મર '


No comments:

Post a Comment