Saturday, 14 December 2013


ગઝલ _______________ હેમંત ગોહિલ "મર્મર "


એક નાનું ટાંકણું લ્યો ,
બિંબ સામે આપણું લ્યો .

ક્યાંક વરસે વાદળું ને ,
ક્યાંક લાગે દાઝણું ,લ્યો .

ભીંતનો પણ શું ભરોસો ?
હોય ભીતર બારણું ,લ્યો .

એક પીડા ગુજરી ગઈ ,
દર્દ મૂકી ધાવણું ,લ્યો .

નામ એનું એક રોપ્યું ,
મઘમઘે છે આંગણું ,લ્યો .

ચાંદની ઢોળાય આભે ,
કેમ દેવું ઢાંકણું ,લ્યો ?

રાત ઈર્ષામાં બળી ગઈ ,
સ્વપ્ન છે સોહામણું ,લ્યો .

Saturday, 7 September 2013


ગઝલ ...હેમંત ગોહિલ "મર્મર "


એક ઈચ્છાનેય ચાલો આજ મારી જોઈએ ,
આગ અંદર હોય એને સ્હેજ ઠારી જોઈએ .

તો હવાની લ્હેરખી થઇ જાય ખૂશ્બૂ ઓરડે ,
એમની પણ સ્હેજ ખુલ્લી એક બારી જોઈએ .

આંખ ને આંસુની વચ્ચે આજ ભીષણ યુદ્ધ છે ,
જીત માટે ચાલ ,મનવા આજ હારી જોઈએ .

છાંયડા વિસ્તારવાની આવડતને કેળવો ,
આંગણું ઘેઘૂર કરવા એક ક્યારી જોઈએ .

એમ કરતા ક્યાંક જો દર્શન હરિના થાય તો ,
સામસામી આજ આંસુ ,આવ સારી જોઈએ .

અર્થની જ્વાળા તરત ભડકો બની ફેલી જશે ,
શબ્દમાં પણ ક્યાંક છૂપી ચિનગારી જોઈએ .

Tuesday, 3 September 2013


ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "


મળી છે સાંજ એ સાબિત કરી દે તું ,
ઢળી છે સાંજ એ સાબિત કરી દે તું .

નથી અંધાર કેવળ વાર કરવામાં ,
ભળી છે સાંજ એ સાબિત કરી દે તું .

બળેલાં સ્વપ્નની છો વાસ આવે છે ,
બળી છે સાંજ એ સાબિત કરી દે તું .

હજીયે શ્વાસ ઉંહકારા કરે રોજે ,
કળી છે સાંજ એ સાબિત કરી દે તું .

હવે ફાંકયા કરું છું રોજ અંધારું ,
દળી છે સાંજ એ સાબિત કરી દે તું .

ખરેલું પાન છું : કે 'શો નહીં કે આ ,
લળી છે સાંજ એ સાબિત કરી દે તું .

Wednesday, 17 July 2013

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર"

જળને પણ લાગે તરસ એ વાત હું માની ગયો છું ,
જોઈ દરિયાને તરત એ વાત હું માની ગયો છું.

"હું"પણાનું એક બખ્તર પહેરવાની ટેવ જૂની ,
ભેદવાનું છે કવચ એ વાત હું માની ગયો છું.

વાવણી તારી ગલીમાં કેમ પગલાંની કરું હું ?
ઓણ નબળું છે વરસ એ વાત હું માની ગયો છું.

એટલે ના વેડફું , હું સાચવું છું જીવ સરખી,
યાદ છે સાચી જણસ એ વાત હું માની ગયો છું.

મોત માટે એક કટકો કાચનો ક્યાં છે જરૂરી ?
એક છે કાફી કરચ એ વાત હું માની ગયો છું.

ફૂલદાની જેમ એણે તો સજાવી ઓરડામાં,
વેદના પણ છે સરસ એ વાત હું માની ગયો છું.

જિન્દગીમાં વ્યાપ્ત આ કાળાશ એવું તો બતાવે,
જ્યોતમાં પણ છે તમસ એ વાત હું માની ગયો છું.

Tuesday, 16 July 2013

તુ જોઇ લેજે / ગઝલ... હેમન્ત ગોહિલ "મર્મર"

કાષ્ટમાં પણ આગ છે તું જોઇ લેજે, 
દર્દમાં પણ રાગ છે તું જોઇ લેજે

વસવસો ના રાખતો તું જોઇને રણ
ઝાંઝવાનો બાગ છે તું જોઇ લેજે .

મોત તો સુવાંગ આખું એકલાનું,
કોઇનો ક્યાં ભાગ છે તું જોઇ લેજે .

એમ કૈં પોલાણ ખાલી સંભવે ના,
બેઉ વચ્ચે માગ છે તું જોઇ લેજે .

સૂર્યમાં ક્ષિતિજ આજે ઓગળી ગઈ,
સાંજનો એ ત્યાગ છે તું જોઇ લેજે

ડૂબકી દઈએ ચલોને પાક હૈયે,
ત્યાં જ તો પ્રયાગ છે તું જોઇ લેજે

આટલા વર્ષેય છે અકબંધ નકશી
ખૂબ જૂનું સાગ છે તું જોઇ લેજે .

Saturday, 13 July 2013

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

તને તું ગીરવે મૂકીને જીવે વાંક એમાં કોઈનો ક્યાં છે .
ન બીજાથી તું તારાથી જ બીવે વાંક એમાં કોઈનો ક્યાં છે .

આ આવરદા ય વંડી ઠેકતી પ્હોંચી હવે પાદર લાગી તું જો ,
છતાંયે રોજ તું છઠ્ઠીયા જ સીવે વાંક એમાં કોઈનો ક્યાં છે .

બધીયે રાખને ઉડાડતો તું ગામને દોષિત ગણે છે કાં?
લગાડી આગ તેં તારા જ દીવે વાંક એમાં કોઈનો ક્યાં છે .

નદીને હાથથી હડસેલતો હડસેલતો આવી ગયો કાંઠે ,
હવે ખાબોચિયું ખોબાથી પીવે વાંક એમાં કોઈનો ક્યાં છે .
ગીત ' /હેમંત ગોહિલ "મર્મર "

તને મારું આ જડવું ....
ફળ્યું છે મારું રોજ નજરની ગલીએ ભૂલા પડવું .

વાંકીચૂંકી વાત વચાળે 
વ્હાલનું સમથળ વહેવું ,
અલપઝલપ ઓહાણે તારું 
ભીતર આવી રહેવું .
કોઈ મભમ સંદેશો દેતું આંખે જળનું દડવું.....

શ્વાસહિંડોળે બેસી તારું
ગમતું નિશદિન ઝૂલવું ,
પાંખે બાંધી બેઠું પંખી
આભ આખાનું ખૂલવું .
ઘડી ઘડી મને ઝળહળ કરતુ કોઈ સપનાનું ઘડવું .

કંકુ સરખી જાત અમારી
જાણું :શું છે ઘૂંટવું ,
ટેરવે કૂંપળ ફૂટે એનું
ક્યાં અજાણ્યું ફૂટવું ?
કેમ ઉતારું જીભથી તારાં નામનું આવી ચડવું .