Thursday, 21 February 2013
ગીત
ભાષાની એક નદી વહે છે .......
ટીપે ટીપે અક્ષર લઈને વહે શબ્દાળું ધાર,
ધીર ગંભીર અર્થાળું પટના ઊંડા તળ અપાર
જળને આવું જળ કહે છે ............
કોઈ તરાવે તણખલું તો કોઈ ઊર્મિની હોડી
કોઈ તરાપો તરતો મૂકે પરપોટાને ફોડી ,
જળ તો કેવું કેવું સહે છે ............
વ્યાકરણના કાંઠાની વચ્ચે વહે સકલ અભિલાષા
ભાષાનું જળ સમજાવે છે જળને જળની ભાષા ,
જળ તો કેવળ જળ રહે છે .............
- હેમંત ગોહિલ 'મર્મર '
શ્યામસૂરજનું કિરણ ક્યાંક રામ થઇ ગયું ......
પછી આખ્ખું ગોકુળ શ્યામ ! શ્યામ થઇ ગયું ....
પછી આખ્ખું ગોકુળ શ્યામ ! શ્યામ થઇ ગયું ....
- હેમંત ગોહિલ 'મર્મર '
Wednesday, 20 February 2013
ગીત
છાંયડા વિનાની એક છોકરી રે એક છોકરી રે ......
છોકરી તો સીમમાં છાણા વીણે .
ખરીબાઈ ગઈ એક મોટા ગામતરે ગરીબાઈ એટલે એને ઉછેરતી ,
છાંયડા વિનાની સાવ પોતે હતી ને તોય છાંયડા તો ઠેર ઠેર વેરતી .
વેર્યા નસીબના દાણા વીણે ...
છોકરી તો સીમમાં છાણા વીણે .
તડકા પણ બળે એમ કાળામેશ દેહમાંથી અજવાળા દોમ દોમ નીતરે ,
ફાંટ ને સંકોરતીક વગડાની છાતી એ ગીતલડા વરણાગી ચીતરે .
ઓરતાના ગોળ ગોળ ગાણાં વીણે .....
છોકરી તો સીમમાં છાણા વીણે .
અડવાણા પગની એ બળબળતી પાનિયુંને શેઢાનું ઘાસ થોડું ફૂકતું ,
એકલદોકલ ક્યાંક પીછું અડકે ને એનું ભીતરનું પંખી ટહૂકતું .
આયખાના રોકડા ટાણા વીણે
છોકરી તો સીમમાં છાણા વીણે
- હેમંત ગોહિલ 'મર્મર '
ફાંટ ને સંકોરતીક વગડાની છાતી એ ગીતલડા વરણાગી ચીતરે .
ઓરતાના ગોળ ગોળ ગાણાં વીણે .....
છોકરી તો સીમમાં છાણા વીણે .
અડવાણા પગની એ બળબળતી પાનિયુંને શેઢાનું ઘાસ થોડું ફૂકતું ,
એકલદોકલ ક્યાંક પીછું અડકે ને એનું ભીતરનું પંખી ટહૂકતું .
આયખાના રોકડા ટાણા વીણે
છોકરી તો સીમમાં છાણા વીણે
- હેમંત ગોહિલ 'મર્મર '
Subscribe to:
Posts (Atom)



