Saturday, 13 July 2013

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "
ડાળ લીલી વાયરે થોડી નમી છે ,
આંગણાને એટલે ઝાઝી ગમી છે .

લાગણીનું નાંખ દ્રાવણ માપસરનું ,
પ્રેમનો પ્રયોગ થોડો જોખમી છે .

ખીલતો ક્યારેક ને ક્યારેક ઠૂંઠું ,
લાગતું કે જીવ સાલ્લો મોસમી છે .

નામ મારું એટલે દીવો ન લેતો ,
ફૂંક જેવી એક એની બાતમી છે .

એમની મીઠી નજરનું તોય ક્યાં જળ ?
આમતો ડંકીય ક્યાં ઓછી ધમી છે .

હોત દરિયો તો ભલા તાગી શકું એને ,
કેમ તળ માપી શકું :આ આદમી છે .

તોય તારો મત મને આપી ગયો તું ,
જે તને દેખાય છે એતો ડમી છે .

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

શું બતાવું છતનું બીજું નામ હોય ,
દોસ્ત પણ દોલતનું બીજું નામ હોય .

બાળવા ખાતર હવે પૂછો ન કોઈ ,
રાખ કઈ હાલતનું બીજું નામ હોય .

પાંપણે સંદેશ પણ વંચાય જાય ,
આંખ ખુલ્લાં ખતનું બીજું નામ હોય .

હું વધેરું રોજ શ્રદ્ધા આજકાલ ,
બંદગી ચાહતનું બીજું નામ હોય .

ફાડ મા તું સાચવીને રાખ, ભાઈ 
ક્યાં પછી ઈજ્જતનું બીજું નામ હોય ?

જાવ નેતાકોશ ખોલી જોઈ લ્યોને 
રાજકારણ મતનું બીજું નામ હોય .

મેં અડીખમ આંખ રાખી રાહ બાજુ ,
તેં લખ્યું પર્વતનું બીજું નામ હોય .

ઈશને બદલે તને હું યાદ આવું 
એય પણ આરતનું બીજું નામ હોય .
અસરનું ગીત / હેમંત ગોહિલ "મર્મર "

અલપઝલપ ભીની અડી ગઈ ઓઢણી ને ચોમાસું થઇ ગયો છોકરો ....

તેદુનો છોકરો વરસે છે ધોધમાર 
વહેળાની જેમ વહે ભાન ;
ચોપડિયું ફેંદવાનું અળગું કરીને હવે 
ફૂલોની માંડી દુકાન .
પહેરાવે રોજ એને મલ્હારી ઝભલાં,હતો જે રાગ એનો ખોખરો .....

આખ્ખ્યુંયે ગામ હવે ઈચ્છે છે આભ આ 
કાઢે ખરાડતો સારું ;
લીલો દુકાળ ક્યાંક ઝીંકાશે ઓણ સાલ
એવું એંધાણ છે નઠારું .
હંફાતા શ્વાસ એના ફોરાં બનીને કહે :હવે હોનારત લ્યો કરો .

Friday, 28 June 2013

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

પડેલી છાપ પગલાંની હવે ઊભો છું તેડીને ,
નથી અણસાર કે આભાસ એનો લેશ કેડીને.

હજીયે ઝણઝણાટી ખુદમાંથી સૂર થઇ વ્હેતી,
ગયું છે કોક મારા તારને હમણાં જ છેડીને .

હવે આવો અને ચાસે તમારા નામને વાવો ,
વરાંપેલા મેં ખેતરને કર્યું તૈયાર ખેડીને .

ખરેખર ગામ તો પૂનમ ગણી પૂજતું રહ્યું ;મૂક્યો
અમે ચ્હેરો તમારો ; ચાંદને આઘો ખસેડીને .

નશો રેલો બનીને એટલે તો નીતરે રુંવે,
નદી મેં ગટગટાવી છે તરસ બેફામ રેડીને .

હતી કંઈ બાંધણી એવી કે એમાં દોષ કોઈનો ક્યાં ?
ઝરૂખો ઝાડ થઇ જોયા કરે છે રોજ મેડીને .

જરા સંભાળજો મિત્રો 'ને હળવા હાથથી લેજો ,
ગઝલના રૂપમાં લાવ્યો રસીલા સ્વપ્ન વેડીને .
ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

પહેરતા પહેરતા જ આખરે ઝળી ગયું ,
હતું જે વસ્ત્ર ,વસ્ત્રના એ તત્વમાં ભળી ગયું .

નદી બધીય સંઘરીને હાથમાં હું રાખતો ,
છતાય એક દી ઝરણ મને ભલા છળી ગયું .

નથી જરાય દોષ ડાળખી કે વાયરાનો પણ ,
અરે ,એ ફૂલ ખુદના જ રૂપથી લળી ગયું .

તને ન કેમ વાર થઇ જરાય ,વાટ કાપતા ?
બતાવ તું ,ખરે જ કોક રાહમાં મળી ગયું ?

...ને ત્યારથી જરા જરા કરીને રણ બની ગયો ,
હરણ મને જ્યાં ઝાંઝવું ગણી અને વળી ગયું .
ધોધમાર ઝંખનાનું ગીત / હેમંત ગોહિલ "મર્મર "

હાલ્યને અટાણે સૈ ,હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું....
મુઠ્ઠીભર માવઠામાં તળિયું ય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ?

માંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં 
ચોમાસું કોઈનું મંગાય કૈં ?
વીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ 
ભીતરમાં કૈંક લંઘાય ,સૈ .
અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી , છાણાને કેટલું સંકોરવું ?

ફળિયામાં આમતેમ ટોળે વળીને કોક
મેંદી મૂક્યાની કરે વાતું ;
વાતું તો હોય સખી ,ઝરમરીયું ઝાપટું ,
ભીનું તરબોળ ક્યાં થવાતું ?
ચોમાસું હોય તોય મૂંગો મંતર એવા ખોટુંડા મોરમાં શું દોરવું ?

થઇ જાતી રાળ રાળ આખ્ખીયે સીમ એવો
ધીંગો વરસાદ મને ગોઠે ;
માટીની મહેક બની ફોરે ગરમાવો ત્યારે
તરસ્યું છીપાય મારી હોઠે .
ક્યાં લગ તરાગડે મોતીડાં ઠેલતીક વણવરસ્યા દિવસોને પોરવું ?

Tuesday, 25 June 2013

ગઝલ /હેમંત ગોહિલ "મર્મર "

એષણાના કેટલાયે હૂક રાખે ,
રોજ ટાંગી લોક એમાં દુઃખ રાખે .

ઓહિયા કરતો રહે છે સર્વને તું ,
કાળ તું તો કેવડીયે ભૂખ રાખે .

એ કબૂલે છે બન્યા છે ભોગ જે જે ,
કે નજરમાં કોક તો બંધુક રાખે .

સોળ ઉપડી જાય એના વેણ સુણી,
જીભમાં પણ વીંઝતો ચાબૂક રાખે .

ઝાડવું વર્ષો પછી પણ છે અડીખમ ,
ડાળખીમાં યાદની સંદૂક રાખે .

હું પઠન પણ ના કરી શકતો ય એનું ,
એ ગઝલ કાયમ મને ભાવુક રાખે .

બાળપણ શેરી ઠઠાડી નીકળે છે ,
દોસ્ત ખિસ્સામાં હજી હાઉક રાખે

તું જ ટાણું હાથથી ચૂકી ગયો ,
એમ ઈશ્વર ક્યાં કદીયે ચૂક રાખે .