Saturday, 25 May 2013

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

વેદનાને રોજ ઘોળે 

શાંત પાણી એમ ડહોળે .


થાય ફિક્કો છોકરો અહીં ,
ક્યાંક પીઠી કોક ચોળે .

ઠીબ આખીયે છલોછલ ,
એક ચકલી ચાંચ બોળે.

નામ તારું મેં વણીને,
ભાત પાડી છે પટોળે .

એજ તો સરપાવ પામે ,
ખુદમાંથી ખુદ ખોળે .

કોક જોખે ત્રાજવામાં ,
કોક પાંપણથીય તોળે .

જાત આખી જાય લપસી ,
એ નજરથી શુંય ઢોળે !

ચાંદ જેવું હોય જોયું ,
એમ કંઈ દરિયો હિલોળે ?

લાખ ડાહ્યા માર્ગ ખોળે ,
પ્રશ્ન પૂછ્યો છે ડફોળે .


ગઝલ / હેમંત ગોહિલ 'મર્મર '


તમે બોલો નહીં'ને તે છતાં સમજાય એનો અર્થ શું કરવો ?
ઘણાં બોલે ઘણું 'ને ના છતાં સમજાય એનો અર્થ શું કરવો ?

હજી અંધારની આખી અદાલત ન્યાય તોળે રોજ બેસીને ,
વણે છે વાટ 'ને અજવાસ ત્યાં ફેલાય એનો અર્થ શું કરવો ?

નથી દરિયો ,નથી રેતી , નથી મોજા, નથી પગલાં, નથી કાંઠો ,
છતાંયે   દોસ્ત !તું તો ફીણ થઇ   વેરાય એનો અર્થ શું કરવો ?

નથી કંઈ વા -ઝડીમાંયે જરાયે જ્યોત એની લેશ પણ થરકી ,
તમારી   ફૂંકથી દીવો  હવે બૂઝાય   એનો   અર્થ શું કરવો ?

અમે પીડા ભરેલા ગ્લાસમાં સાકર ઉમેરીને પરત આપ્યો ,
હજી પૂછો   તમારી જાતને ,પુછાય ?એનો અર્થ શું કરવો ?

અષાઢી મેઘ મુશળધાર વરસી ભીંજવે છે ગામ આખાને ,
અમારે ધૂળમાં ચકલી હજીયે ન્હાય એનો અર્થ શું કરવો ?

તમારા નામનો મેં અર્થ ખોળ્યો,કોશ દિવસ -રાત ફેંદીને ,
મળે છે એકધારા શ્વાસ નો પર્યાય એનો અર્થ શું કરવો ?

 

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

જરાક ડાળખી નમાવ એટલે ભયો ભયો ,
ગઝલ તું એમ બસ લખાવ એટલે ભયો ભયો .

ભલેને ફેરવીને મો ઊભું રહે પછી જગત ,
નજર ના એક તું હટાવ એટલે ભયો ભયો .

ખરેલ પાન આંગણાનું હું થયો હવે ભલે ,
નમીને હાથથી ઉઠાવ એટલે ભયો ભયો .

"નથી જ માનતો "-નો અર્થ એમ પણ કરી શકો
મને જરાક તું મનાવ એટલે ભયો ભયો .

ખલાસ થઇ ગયું છે યાદના ચડેલ પૂરમાં ,
નવું જ ગામ તું વસાવ એટલે ભયો ભયો .

થશે નહીં કદીય રંગ ખત્મ દુનિયા મહી ,
બને છે સ્વપ્નમાં બનાવ એટલે ભયો ભયો .

Tuesday, 21 May 2013


ગીત / હેમંત ગોહિલ "મર્મર "


સપના આવેને તોય થઇ જાય મિસકોલ એવું કવરેજ વિનાનું સાવ ગામ ....
અધખુલ્લા બારણાંની ઝૂલતી તિરાડમાં 
અજવાળું લૂંબઝૂંબ ઊગ્યું ;
આભેથી ઉતરીને ચોમાસું ધોધમાર
પાંપણની કોર લગી પૂગ્યું .
આખ્ખીયે ફોનબુક થઇ ગઈ છે ફૂલ સાવ કીધું જ્યાં save એક નામ .....

હંફાતા શ્વાસ રી-ડાયલ કર્યા કરે
અંજળની બેટરી તો low;
ભાષાય ભૂલાય જાય સઘળા મેસેજની
લાગણી જો આપી દે ખો .
ખુદનું balance જ્યાં હોય નહીં ત્યાં પછી બાકી balance તો નકામ....

કાળું ડીબાંગ ધટ્ટ અંધારું display માં
ઓરસ ચોરસ થઇ બેઠું ;
મારી ગયું લકવો આખ્ખુયે key - board ,
ખરી ગયેલ ટેરવાને વેઠું .
ઓટોમેટિક થયાં સાયલન્સ મોડ પર ફળિયા ,શેરી ,ઘર ,પાધર તમામ .....

Monday, 20 May 2013

એક શેર / હેમંત ગોહિલ  "મર્મર '

લાગણીનું નાંખ દ્રાવણ માપસરનું ;
પ્રેમનો પ્રયોગ  થોડો  જોખમી  છે .

Saturday, 20 April 2013


બાપ -દીકરાના સંવાદનું ગીત / હેમંત ગોહિલ 'મર્મર '


દીકરો :
પપ્પા ,મને એક થાય છે સવાલ તમે મમ્મીને કઈ રીતે ગોતી ?
નહોતો મોબાઈલ , નહોતી કંઈ વેબ સાઈટ fb પણ ક્યાંય નહોતી ......
ઝાકળથી લથબથ તાજા ગુલાબનું
આપેલું ફૂલ કોણે પહેલું ?
વાદળ જેવું કૈંક આંજીને કોણ
કોનામાં જઈ વરસેલું ?
સપનાની જેમ કોઈ અધખુલ્લી બારીએથી તમને એ રોજ રોજ જોતી ?...

બાપ :
જૂઓ સરકાર ! આતો અંગત છે મામલો
મારી સુવાંગ છે મૂડી ;
અંગત હોય વાત એ ના પંગતમાં પીરસાય
સમજણ વસાવો તમે રૂડી .
થડ જેવી વાત છે :રોપી છે જૂઈ મેં મારામાં સાવ મૂળસોતી ........

દીકરો :
વધે છે કુંવરીની જેવી અધીરાઈ એને
કેવી ફૂટપટ્ટીથી માપું ?
ઘરને દીવાલ ;ના ઘરમાં દીવાલ -એવું
કહે છે મોરારિબાપુ.
તમને જડે ગીત બનીને રોજ રોજ મમ્મી એને એમ ખોતી ?...

બાપ :
નજરુંના હિંચકે બેસીને રોજ અમે
સપનાની ચોકલેટ ચાખી ;
સમજાવું કેમ તને ખોબો ભરીને અમે
પીધી 'તી નદીયું આખી .
ટુંકમાં કહું તો મેં ગણી હતી વીજળી ,એણે પરોવ્યું 'તું મોતી .....

Wednesday, 3 April 2013

ટચૂકડી જાહેરખબર / હેમંત ગોહિલ 'મર્મર '


૧ . ખોવાયેલ છે .

માળાથી તમારા ઘર સુધીના રસ્તામાં પંખીનું ટહુકા ભરેલું પર્સ ખોવાયેલ છે .સાથે કંઠનું લાઇસન્સ પણ છે .શોધી આપનારને યોગ્ય બદલો આપવામાં આવશે .

૨. વેચવાનો છે .

પોશ વિસ્તારમાં આવેલા એક ઝાડને ૧૦૦ ચો.વાર છાંયડો વેચવાનો છે .સૌને પોષાય એવા ભાવે . ટાઇટલ ક્લીયર . દલાલોએ તસ્દી ન લેવી .દતક

૩ . ભાડે આપવાની છે .

એક છોડને બીજા માળે એક ડાળી ફૂલો ખીલવવા ભાડે આપવાની છે .જ્ઞાતિબંધુઓને અગ્રીમતા આપવામાં આવશે .

૪. મોકાનો પ્લોટ વેચવાનો છે .

શહેરના હાર્દ સમાં વિસ્તારનો , છાતીની સહેજ ડાબી બાજુએ આવેલો મોકાનો પ્લોટ વેચવાનો છે .રમણીય પાર્ક બની શકે તેવા આ પ્લોટ માટે અજાણી વ્યક્તિએ પૂછપરછ કરવી નહિ .

૫ . ઈમલો વેચવાનો છે .

વર્ષો જૂના સપનાનો કાટમાળ વેચવાનો છે .વહેલા તે પહેલાના ધોરણે .

૬ . લગ્ન વિષયક ....

ઉંમર જેટલી ઉંચી ,દેખાવમાં હવા જેવી પાતળી ,દરરોજના ઢગલાબંધ આંસુ કમાતી પીડાને ખમતીધર યુવક જોઈએ છે .જ્ઞાતિબાધ નથી .

૭ . જોઈએ છે .

વયોવૃદ્ધ ,અશક્ત અને દિવસથી ત્યજાયેલી સાંજને સાચવી શકે તેવી પીઢ ઉંમરની આયા જોઈએ છે .

૮ . દત્તક જોઈએ છે .

શબ્દથી સમૃદ્ધ એવા શહેરના એક પ્રતિષ્ઠિત કવિને એક કવિતા દત્તક લેવાની છે . ઇચ્છુક વાલીઓએ કવિતાના ફોટા સાથે રૂબરૂ મળવું