Wednesday, 3 April 2013

એક તાજી ગઝલ / હેમંત ગોહિલ 'મર્મર '


હાથમાં ચપટી ભરી ગુલાલ રાખ ,
આંખમાં આંજી છલોછલ વ્હાલ રાખ .

માંગ છે મિત્રો સમયની આજકાલ ,
આંખને થોડી ઘણી તું લાલ રાખ .

એક ગંગા ઝીલવાની હામ હોય
તો જ બંધુ ! હાથમાં રૂમાલ રાખ .

એજ પગલું થાય કેડી , સાવધાન ,
પગ પહેલો મૂકવામાં ખ્યાલ રાખ .

માવઠાની મ્હેરથી કંઈ પાક થાય ?
મન અષાઢી મેઘ જેવું ન્યાલ રાખ .

સોગઠું ગાંડું કરી જગ મૂકશે જ ,
તું ભલેને સાવ સાદી ચાલ રાખ .

ગીત : જોયું ,ભૈઇ જોયું મોબાઈલિયુ ... હેમંત ગોહિલ 'મર્મર '


[એક યુવાન એક વૃધ્ધ્જનને મોબાઈલ બતાવે છે ,તેના પ્રત્યુતરમાં વૃદ્ધજન યુવાનને કહે છે તે ગીત ]

જોયું ,ભૈઇ જોયું મોબાઈલિયુ ...
આઘે અંધારે રિયા વાતું ઝીંકો છો રોજ ભેળાં હોવાની ચમકીલીયું ....

અમે મળતાં'તા ઈતો અહાઢી મેઘ જેમ
મળવાનું સીમને રૂબરૂ ;
છલકાતી હોય આંખ નદીયુંની જેમ અને
રેલાતું હોય જણ હરૂભરૂ.
વાદળની જેમ કોઈ વરસતું હોય એનું ખોબામાં જળ કો 'દી ઝીલિયું ?

યાદ કરે કોક અને આવી જાય હેડકી
કહેવાય કવરેજ એને સાચું ;
ટાવરના ટેકે ટેકે ગુબ્બારા ગોઠવી ,
બાંધો મકાન તમે કાચું .
ફોટામાં હોય ભલે રૂડું રૂપાળું તોય ચીતર્યું ગુલાબ કો 'દી ખીલિયું ?

વંકાતા હોઠના વાંચ્યા sms ?
રૂદિયાના સાંભળ્યા છે રીંગટોન ?
આંખના ઈશારામાં થઇ જાતા કોલ
છોરું !એને કે 'વાય ખરો ફોન .
ગાલના ગુલાલમાં ભળેલું નામ તમે વાંચ્યું છે કોઈ દી અબીલિયું ? ...

કરવા એક્ટીવ તમે રાખો સીમકાર્ડ
એમ ભીતરમાં નામ એનું રહેતું ,
વાસી -ઉતરેલા સાવ હાય -હલ્લો પીરસી ને
આવે ઓડકાર લે,કહે તું .
ખાલી ગલાસ જેવા વાયદા શું જાણે કે નજરૂં પણ હોય છે નશીલિયુ .....

એક ગઝલના / હેમંત ગોહિલ 'મર્મર '


એમના બસ ઘર લગી લંબાય શેરી ,
ગામની છે તોય ના સમજાય શેરી .

છોકરી એકાદ નક્કી સોળની થઇ ,
આમ નહિતર આટલી શરમાય શેરી ?

એક મારા નામનો બા સાદ પાડે ,
જો , પછી જો કેટલી છલકાય શેરી .

જાન ઉઘલીને પહોંચી ગામ પાદર ,
એક માની આંખમાં ભૂંસાય શેરી .

ફૂંક મારું એમના હું નામની તો -
એક પળમાં વાંસળી થઇ જાય શેરી .

દોસ્ત આવી તું કરી લે આજ થપ્પો ,
ધૂળને ખંખેરતા પકડાય શેરી .

ગઝલ / હેમંત ગોહિલ 'મર્મર '


કાલ હતું એ આજ અલગ છે ,
રોજ સમયનું બાજ અલગ છે .

વાત બટનની ક્યાં ખોટી છે ?
તેં દ્દીધું એ ગાજ અલગ છે .

છત્રી જેવું રાખો સાજન ,
મોસમનો મિજાજ અલગ છે .

ઘાવ ગણી લ્યો મુદ્દલ સરખા ,
પીડા જેવું વ્યાજ અલગ છે .

બાઈ મીરાં કે ' ગિરધર નાગર ,
ઝાંઝ અને પખવાજ અલગ છે .

મેં સપનાને કંડાર્યા છે ,
મેં બાંધ્યો એ તાજ અલગ છે .

આંખ છલોછલ છલકે પાણી ,
મળવાનો અંદાજ અલગ છે .

એક સોનેરી ગીત / હેમંત ગોહિલ 'મર્મર '


પ્હેરી પવન એક ખારવણ ન્હાય ......
તડકો ચોળીને કાંઈ સોનેરી થાય , કાંઈ સોનેરી થાય......

છાલક મોજાની સહેજ અડે'ને ખારવો
થઇ જાતો સાવ ફીણ ફીણ ;
ફરફરતો સઢ કહે નાવડીને કાનમાં :
"માછલીની ગંધ હવે વીણ."
ઈચ્છાની માછલી નજરૂની જાળમાં તાજી ઝલાય કાંઈ તાજી ઝલાય....

ખારી ભીનાશ બધી વેળુમાં સંઘરી ,
કાંઠાઓ થઇ ગયાં ચૂપ ;
ખારવાનું નામ હવે ખારવો હતું ક્યાં
દરિયાનું થઇ ગયો રૂપ .
આવી જાય ભરતી ખારવામાં ,ખારવણ એવું કાંઈ ગાય ગીત એવું કાંઈ ગાય

ગઝલ / હેમંત ગોહિલ 'મર્મર '


રોજ રસ્તામાં મળે છે મોંઘવારી ,
સાવ સસ્તામાં મળે છે મોંઘવારી .

પેટના અક્ષાંશ ને રેખાંશ માપો ,
ફક્ત નકશામાં મળે છે મોંઘવારી .

છેતરાયા એટલે તો સૌ અહિયાં,
ગુલદસ્તામાં મળે છે મોંઘવારી .

કેમ ધીરે માણવી લિજ્જત અમારે ,
જોર ઝટકામાં મળે છે મોંઘવારી .

એક તો સંજોગ સાલ્લા ખાંડણી છે ,
ક્રૂર દસ્તામાં મળે છે મોંઘવારી .

અંક નાનો તોય તું કર બાદબાકી ,
લાવ ,દશકામાં મળે છે મોંઘવારી .

છે વફાદારી જૂઓ ભરપૂર એની ,
રોજ પડખામાં મળે છે મોંઘવારી .

Sunday, 24 March 2013

ગઝલ....કરો  બધું  સગેવગે ....


હવા જ વાવળે ચડી : કરો બધું સગે વગે ,
જરા  ઉકેલતા ગડી : કરો  બધું સગે વગે .

અમે જ ચીંથરાં ગણી ફગાવતા ગયા હતા ,
જરૂર  એમની  પડી : કરો  બધું  સગે વગે .

બનેલ હોય છે બનાવ આપણી જ ભીતરે ,
મળે  નહી  છતાં કડી : કરો બધું સગે વગે.

ઘણીયવાર આદરી તલાશ તો નદી તણી ,
ગલી જ એમની જડી : કરો બધું સગે વગે .

અવાજ મેઘનો થયો ,થયોય વરસવો શરૂ ,
જરાક  ઓઢણી   અડી : કરો બધું સગે વગે .

જરાક સાવ    ચબરખી કરી કરી કરેય શું ?
કરી  શકેય  વા -ઝડી : કરો બધું સગે વગે.

"મધુર હોય માવઠું." "મધુર તો અષાઢ છે ."
ચકો -  ચકી  કરે લડી : કરો બધું સગે વગે .


                                                - હેમંત ગોહિલ 'મર્મર '