Wednesday, 3 April 2013

એક ગઝલના / હેમંત ગોહિલ 'મર્મર '


એમના બસ ઘર લગી લંબાય શેરી ,
ગામની છે તોય ના સમજાય શેરી .

છોકરી એકાદ નક્કી સોળની થઇ ,
આમ નહિતર આટલી શરમાય શેરી ?

એક મારા નામનો બા સાદ પાડે ,
જો , પછી જો કેટલી છલકાય શેરી .

જાન ઉઘલીને પહોંચી ગામ પાદર ,
એક માની આંખમાં ભૂંસાય શેરી .

ફૂંક મારું એમના હું નામની તો -
એક પળમાં વાંસળી થઇ જાય શેરી .

દોસ્ત આવી તું કરી લે આજ થપ્પો ,
ધૂળને ખંખેરતા પકડાય શેરી .

ગઝલ / હેમંત ગોહિલ 'મર્મર '


કાલ હતું એ આજ અલગ છે ,
રોજ સમયનું બાજ અલગ છે .

વાત બટનની ક્યાં ખોટી છે ?
તેં દ્દીધું એ ગાજ અલગ છે .

છત્રી જેવું રાખો સાજન ,
મોસમનો મિજાજ અલગ છે .

ઘાવ ગણી લ્યો મુદ્દલ સરખા ,
પીડા જેવું વ્યાજ અલગ છે .

બાઈ મીરાં કે ' ગિરધર નાગર ,
ઝાંઝ અને પખવાજ અલગ છે .

મેં સપનાને કંડાર્યા છે ,
મેં બાંધ્યો એ તાજ અલગ છે .

આંખ છલોછલ છલકે પાણી ,
મળવાનો અંદાજ અલગ છે .

એક સોનેરી ગીત / હેમંત ગોહિલ 'મર્મર '


પ્હેરી પવન એક ખારવણ ન્હાય ......
તડકો ચોળીને કાંઈ સોનેરી થાય , કાંઈ સોનેરી થાય......

છાલક મોજાની સહેજ અડે'ને ખારવો
થઇ જાતો સાવ ફીણ ફીણ ;
ફરફરતો સઢ કહે નાવડીને કાનમાં :
"માછલીની ગંધ હવે વીણ."
ઈચ્છાની માછલી નજરૂની જાળમાં તાજી ઝલાય કાંઈ તાજી ઝલાય....

ખારી ભીનાશ બધી વેળુમાં સંઘરી ,
કાંઠાઓ થઇ ગયાં ચૂપ ;
ખારવાનું નામ હવે ખારવો હતું ક્યાં
દરિયાનું થઇ ગયો રૂપ .
આવી જાય ભરતી ખારવામાં ,ખારવણ એવું કાંઈ ગાય ગીત એવું કાંઈ ગાય

ગઝલ / હેમંત ગોહિલ 'મર્મર '


રોજ રસ્તામાં મળે છે મોંઘવારી ,
સાવ સસ્તામાં મળે છે મોંઘવારી .

પેટના અક્ષાંશ ને રેખાંશ માપો ,
ફક્ત નકશામાં મળે છે મોંઘવારી .

છેતરાયા એટલે તો સૌ અહિયાં,
ગુલદસ્તામાં મળે છે મોંઘવારી .

કેમ ધીરે માણવી લિજ્જત અમારે ,
જોર ઝટકામાં મળે છે મોંઘવારી .

એક તો સંજોગ સાલ્લા ખાંડણી છે ,
ક્રૂર દસ્તામાં મળે છે મોંઘવારી .

અંક નાનો તોય તું કર બાદબાકી ,
લાવ ,દશકામાં મળે છે મોંઘવારી .

છે વફાદારી જૂઓ ભરપૂર એની ,
રોજ પડખામાં મળે છે મોંઘવારી .

Sunday, 24 March 2013

ગઝલ....કરો  બધું  સગેવગે ....


હવા જ વાવળે ચડી : કરો બધું સગે વગે ,
જરા  ઉકેલતા ગડી : કરો  બધું સગે વગે .

અમે જ ચીંથરાં ગણી ફગાવતા ગયા હતા ,
જરૂર  એમની  પડી : કરો  બધું  સગે વગે .

બનેલ હોય છે બનાવ આપણી જ ભીતરે ,
મળે  નહી  છતાં કડી : કરો બધું સગે વગે.

ઘણીયવાર આદરી તલાશ તો નદી તણી ,
ગલી જ એમની જડી : કરો બધું સગે વગે .

અવાજ મેઘનો થયો ,થયોય વરસવો શરૂ ,
જરાક  ઓઢણી   અડી : કરો બધું સગે વગે .

જરાક સાવ    ચબરખી કરી કરી કરેય શું ?
કરી  શકેય  વા -ઝડી : કરો બધું સગે વગે.

"મધુર હોય માવઠું." "મધુર તો અષાઢ છે ."
ચકો -  ચકી  કરે લડી : કરો બધું સગે વગે .


                                                - હેમંત ગોહિલ 'મર્મર '

Wednesday, 20 March 2013

ચકલી ઉર્ફે તું / હેમંત ગોહિલ 'મર્મર '[વિશ્વ ચક્લીદિન સ્પેશ્યલ ]


અજવાળાનું બિબુ ચકલી ,
અંધારાનું છીબું ચકલી .

ચકલી મતલબ ચપટીક સૂરજ લઈને વહેતું ઝરણું ;

ચકલી મતલબ તારી આંખનું સપનું કંકુવરણું .

ચીંચી નો વરસાદ ચકલી

પરોઢનો પરસાદ ચકલી .

ચકલી ઉર્ફે ઈશ્વર ઉર્ફે કાવ્ય ઉર્ફે કાવ્યનો વિસ્તાર ;
ચકલી ઉર્ફે ઋચા ઉર્ફે આરત ઉર્ફે જીવતરનો છે સાર .

ભોળપણનો આકાર ચકલી ,
ખીંટી નો શણગાર ચકલી .

ચકલી ઉર્ફે ભરચક ભરચક દરિયો બાંધ્યો ટીપે ,
ચકલી ઉર્ફે અઢળક મોતી  વેરી દીધાં છીપે .

ચકલી મતલબ મારી ઈચ્છા ,
ચકલી મતલબ તારી ઈચ્છા

ચકલી ઉર્ફે  ભોળું ભોળું સમણું છે નવજાત ,
ચકલી ઉર્ફે હરતીફરતી રંગોળીની ભાત .

ચકલી ઉર્ફે ઈચ્છા ઉર્ફે તું ઉર્ફે ..............

ગઝલ....શ્વાસ આપ 

એક - બે ઉછીના કોઈને શ્વાસ આપ ,
જે ન માગે , દોસ્ત ! એને ખાસ આપ.

ખેવના વૈપુલ્યની ના નાથ કોઈ ,

આંખ ના અંજાય એ અજવાસ આપ .

સોય તો છે સાંધવા તૈયાર આજ ,

ફક્ત દોરા જેવડો વિશ્વાસ આપ .

ચીતર્યા ગુલાબનું હું કેનવાસ ,
આવ 'ને ખોબો ભરી સુવાસ આપ .

ઈશ્વરે દીધી તને ભૂગોળ આમ ,
તું રચી પાછો હવે ઇતિહાસ આપ .

હા , અધૂરો અંતરો પણ ઈટ થાય ,
આપ ,પડઘા જેમ એને પ્રાસ આપ .

શબ્દની હોડી તરાવું આજકાલ ,
હે હરિ !તું અર્થનો પ્રવાસ આપ .


                                          - હેમંત ગોહિલ 'મર્મર '