Wednesday, 13 March 2013
ગઝલ.... મળે છે
મન માને કે બાગ મળે છે ,
અંદર છૂપી આગ મળે છે .
રસ્તે રાખો જાત સલામત ,
ખિસ્સે ખિસ્સે ફાગ મળે છે .
ત્રિલોક હશે ત્રણ ડગલામાં ,
વામન રૂપે માગ મળે છે .
પથ્થર ડૂબ્યા એવું બોલી :
"તરતા કોને તાગ મળે છે ?
એજ વ્યથા ગણગણવી ગમતી ,
ગમતો જયારે રાગ મળે છે .
એક વખત છેડી 'તી મહુવર ,
રોજ હજીયે નાગ મળે છે .
મોત નથી મજિયારી મિલકત ,
આખે આખો ભાગ મળે છે .
- હેમંત ગોહિલ 'મર્મર '
Tuesday, 12 March 2013
વાત જાણેઆમ છે .....
હું તને પ્હેરાય ગ્યો ,
તું હજી તો માપ લે .
- હેમંત ગોહિલ 'મર્મર '
અટકવાની શરૂઆત વિશે.......
અટકી જા ,કહું છું દોસ્ત !
જો,
આ અહર્નિશ આથડતો ;
હણહણતા અશ્વ શો અબ્ધિ
આખર શું પામશે ?
................વેરાઈ જતા અસ્તિત્વના કેવળ ફટકિયા ફીણ .
કાલે જ તારું બેફામ ઊછળતું રક્ત
ગોકળગાય થી હાર્યું ------- ભૂલી ગ્યો ?
વસૂકી ગયું હતું ઉછળવું ?
ક્ષણોના મારનારને મરેલી ક્ષણો જ મારે છે .....
રોપી દે ,
એક કૂંડામાં નામ તારું ,
સપનાના જળ સીંચ
ટૌકાની ડાળ ; હીંચ
વ્યાપી જવા દે તારા લીલાછમ અસ્તિત્વ ને પાંદેપાંદમાં .
જેનું ઉગવું મૂરઝાઈ ચૂક્યું છે
એવા બીજને વાવવા જેવા ધમપછાડા શીદ ?
...... સ્વ . કોઈને છોડવાનો નથી .
ઇચ્છાઓનો ભારેખમ ભારો મૂકી
પોલા અસ્તિત્વને
ભાંગવાની તારી વ્યર્થ ચેષ્ટા નો અર્થ શું ?
મંગળફેરા ફરે છે ,ખ્યાલ રાખ ,
મૃત્યુની દુલ્હન પણ અખંડ ધણી ઈચ્છે છે
................
...... એટલે જ કહું છું , દોસ્ત !.......
-- હેમંત ગોહિલ 'મર્મર '
Monday, 11 March 2013
સૂરજ એટલે ....
સૂરજ એટલે ---------------
રાતમાં ધોધમાર પડેલા અંધારના મેહ પછી
મોંસૂઝણની મીઠી મીઠી વરાપમાં
ધરબાઈને ઊગેલું
કૂકડાની બાંગનું બીજ .
સૂરજ એટલે ....
- હેમંત ગોહિલ 'મર્મર '
Subscribe to:
Posts (Atom)


