Saturday, 9 March 2013

ગીત

માટે ગોકુળમાં હડતાલ છે .

                      .............................. માટે ગોકુળમાં હડતાલ છે .
કાનજી કરીને એક છોકરાનું સાનભાન ચોર્યાનું રાધા પર આળ છે .

શેરીના છોકરાઓ કરતા વાતું કે આતો કેવી છે છોકરી  ઘેલી ,
એક એક ઝાડવે ને એક એક પાંદડે છે કાનની વારતા લખેલી .
બેઠેલી હોય રોજ કદમ્બના છાંયડે ને યમુના હોય આંખમાં મઢેલી 
કોક કહે : કાલ્ય તો મોરના પીછામાં એણે ચિઠ્ઠી લખ્યાની  ભાળ છે
                           .............................. માટે ગોકુળમાં હડતાલ છે .

સમજણ  મૂકી છે એણે  શીકામાં ઝૂલતીને અધખુલ્લા રાખ્યા છે બારણાં,
નજરુંના    નેતરાને   વીંઝે છે   આમતેમ  હૈયે   વલોવે છે  ધારણા
પૂનમની  ચાંદનીમાં   બોળીને કોક દી  માંજ્યા  કરે  છે સંભારણા
ફૂટેલી મટકીને પૂછે છે  ગામ :"બોલ ,કિયા કંકર ની  આ ચાલ  છે 
                          .............................. માટે ગોકુળમાં હડતાલ છે .


વ્હેલા પરોઢીયે વહેતી થઇ વાત કે રાધાને કોઈ ના બોલાવતા ,
વાતું  તો  થાય એમાં  વાયરાને શું ? એતો રાધાનું મોઢું ખોલાવતા ,
થાકી હારીને છેક સાંજે  બોલી છે રાધા ,મોરપિચ્છ હાથમાં ઝૂલાવતા 
વાંસળીના સૂર મહીં ઘૂંટાતી વેદના 'ને ,વેદનામાં ઝાંઝરનો તાલ છે 
                          .............................. માટે ગોકુળમાં હડતાલ છે .

                                               - હેમંત ગોહિલ 'મર્મર '

ગઝલ ... એક ચપટી રાઈ....

એક ચપટી રાઈના તું અર્થને સમજી શકે ;
તુર્ત સઘળી ખાઈનાતું અર્થને સમજી શકે

વેદ  કે કુરાન સમજો જાતમાં આવી ગયા ;
ફક્ત અક્ષ્રર ઢાઈના  તું અર્થને સમજી શકે.

જિંદગી અવસર બનીને આંગણે આવી જશે ,
શ્વાસની  શરણાઈના તું અર્થને સમજી શકે.

તોજ  સમજાશે  તને સંદેશ મારા પત્રનો ,
રક્ત કે રુસ્નાઈના તું અર્થને સમજી શકે .

અર્થની ઊંડાઈને ત્યારેજ તું તાગી શકે .
શબ્દની ઊંચાઈના તું અર્થને સમજી શકે .

શ્વાસ મંજીરા અને આતમ બને તંબૂર ,જો
તોજ મીરાંબાઈના તું અર્થને સમજી શકે

                                  - હેમંત ગોહિલ 'મર્મર '
હુંતો ઘરમાં સૂતીને જાગું બારણે રે લોલ .... હેમંત ગોહિલ  'મર્મર '

અમે સજન ,વા વિનાની વાંસળી ........  હેમંત ગોહિલ  'મર્મર '

એકમેક ... હેમંત ગોહિલ 'મર્મર '

થાય ભાઈ ,થાય કૈ એવુંયે થાય .....
ચમત્કાર .... હેમંત ગોહિલ 'મર્મર '

Monday, 4 March 2013

ઓગળવાના અવસરનું ગીત ..

છમ્મ છાંટો ઝીલ્યો રે સૈયર ,પહેલવારૂકા એક .....
આખ્ખે આખ્ખી થઈ ભીની માટીની  હું મ્હેંક ........

દોથોક હોય તો દાબી લઈને 
બાંધી લઈએ ફાંટ ;
આતો આખ્ખે આખ્ખું નભ છે 
જળથી ફાટમ ફાટ 
કમખે ટાંક્યા મોરલિયા સાગમટે કરતા ગ્હેક ...

નફફટ વાયુ પાલવ ખેંચી 
કહી ગયો કંઈ વાત ;
વાંસું  વાંસું  કમાડ ત્યાં તો 
ઓગળી ગઈ 'તી જાત .
વાછાટિયાને વીંધી વાછટ આવી ગઈ હળવેક ...

બે કાંઠે ચિક્કાર છલકતી 
વહેતી જાય પરનાળ ;
રેલો થઈ હું હાલી ,ખેંચે 
નેવાંના એ  ઢાળ .
કંઈ વેળાનો ગોરમ્ભાતો રાતે વરસ્યો છેક .....

                                       - હેમંત ગોહિલ "મર્મર "