Monday, 25 February 2013

  • ગીત 

  • જીવતર 

    અંધારાની ઓથે એને ક્યાં લગ રાખું બોલ ?

    સૂરજના ઝળહળવા જેવું જીવતર ઝાકમઝોળ  

                                          - હેમંત ગોહિલ 'મર્મર '

ગીત 

ફાટેલ તૂટેલ સાવ ચડ્ડી ચડાવતુંક સામે આવ્યું રે મારું બાળપણ ,
દોથો ભરીને લાવ્યું દાદાની વારતાને લાવ્યું  ભિલ્લુની ગાળપણ .
એવું તો ઓળઘોળ પહેર્યું છે ગોળગોળ ,
આખ્ખું તળાવ એણે ડીલે ;
ડુબકીયા દાવ જે ખોયા 'તા ધૂબકે ,
કે 'તું કે  જળ તું ગોતી  લે .
ભીતરની ભાત એના થીગડે મળે છે 'ને ભાતીગળ સમણાની ભાળપણ .....

 કરીને પેંત દોંત ફેકેલા દાણીયા 
એની આંખોમાં હજી દદડે 
પૂછે પાંપણ એની ઢળીને સહેજ મને 
ગાયેલાં ગીત લીલા વગડે .
છાનું છૂપાવી લાવ્યું મખમલીયું ઘાસ અને લાવ્યું છે ડુંગરીનો ઢાળ પણ ...

વીખણશીખણ એના લ્હેરાતા ઓડીયામાં ,
કરે ઉત્પાત હજી હડીયું ,
હમ્ફાતા શ્વાસ માં રંગીન કાગળિયાંનું 
દડે છે હજી દડદડિયું .
ખાલી ખિસ્સામાં એવી ખખડે છે સાહ્યબી કે લંબાવે હાથ ટંકશાળ પણ ....

ફરતા ફરફરિયાંમાં ફેરવ્યો 'તો વાયરાને 
એનો રોમાંચ રુંવે -રુંવે ;
મળેલા મન જેવી મીઠી એ શેરડીનો 
ભીડેલા હોઠ સ્વાદ ચૂવે .
મુઠ્ઠી ભરીને લાવ્યું માણેલી મોજ 'ને લાવ્યું છે ચપટીક ફાળ પણ ......
                                                      

                                                            ...- હેમંત ગોહિલ 'મર્મર '

 ગઝલ 

લ્યો ,સાચવી લ્યો દાવને બાજી હજી બગડી નથી ,
આ વાત  માની  જાવને  બાજી હજી બગડી નથી .

લીલાશ તો ત્યાં  આપમેળે  સામટી ઊગી જશે ,
તું  વાદળી    વરસાવને બાજી  હજી બગડી નથી .

પંખી  બનાવી  દઈશ  હું એને કલા - કૌશલ્યથી ,
એકાદ  પીછું  લાવને  બાજી  હજી બગડી નથી .

આ ઝાડને  મ્હોરી  જવા મોસમ  નથી તો શું થયું ?
હળવે જરા  મલકાવને  બાજી હજી બગડી નથી .

સળગી રહી છે આ હવા પણ આજ દાહક રાગથી ,
મલ્હાર  જેવું   ગાવને  બાજી  હજી બગડી નથી .

એની મજા  કંઈ  ઓર ને રંગત  અનેરી હોય છે ,
વાવડ વગર તું આવને  બાજી હજી બગડી નથી .
                                        ...- .હેમંત ગોહિલ 'મર્મર '

Friday, 22 February 2013

.ગઝલ :અમે તો ફૂલ શી હળવાશથી જીવ્યા ......હેમંત ગોહિલ 'મર્મર '

ગીત .....

.ભારે  કવરાવી  મને  કમખાના  મોરલે ,  ટહૂકે  છે  રેશમી  ધાગે ;
ખોબો ભરીને મેંતો જોસ્યું લગરીક ત્યાં તો આખ્ખું ચોમાસું મૂઓ માગે .
વાતું કરે છે ગામ પડતા વરસાદની ,
ફળિયામાં ધોધમાર જોઇને ;
ભીતર વરસીને કોક પરબારું જાય એના 
આછા ઓહાણ ના કોઈને .
ભીનું તરબોળ કૈક ટાંપી તરાગડે બખિયામાં રાતભર જાગે .....
હોય તો જણસ જેવું કરીયેય ઊછીનું ,
માગે ચોમાસું રોયો રોકડું ;
એકાદી ગૂંચ એના ટૌકાની ઉક્લેને ,
આખ્ખું ગૂંચવાય મારું કોકડું .
આવા તે દખ સખી ક્યાં જઈને  બોલીએ ? વાવેલી શૂળ મને વાગે ....

                                                 - હેમંત ગોહિલ 'મર્મર '                      

 મને સમજાવ એવું .......હેમંત ગોહિલ 'મર્મર '