Thursday, 14 January 2016

ગઝલ

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

નવ્ય નથી : કેદુના છે ભૈ ,
ઘાવ ઘણાયે જૂના છે ભૈ .

ઝાડ ભલે લોઢાનું રાખ્યું ,
ડાળે પંખી રૂ ના છે ભૈ .

જાત નદી એની ધારું તો ,
આંખો ઊંડા ઘૂના છે ભૈ .

બાદ કરી જો તારાં માંથી ,
કારણ સઘળાં 'હું ' ના છે ભૈ .

પાંપણની અભરાઈ અડો મા,
આંસુ ઊના ઊના છે ભૈ .

એથી એ રંગીન પડે છે ,
પડછાયા પ્રભુના છે ભૈ .

એ ઉનાળો થૈને આવ્યાં ,
આંખે તોરણ લૂ ના છે ભૈ .

રોજ હાજી વાગે છે બંસી ,
પનઘટ ના કંઈ સૂના છે ભૈ .

દોષિત દિલને ગણવાનું છે ,
આંખોના જે ગૂના છે ભૈ .

ફૂલોને સમજાવો જઈને ,
ઘાવ બધાં ખૂશ્બૂ ના છે ભૈ.

Saturday, 28 November 2015

[: ટચૂકડી જાહેરખબર [બીજો પ્રયત્ન ]
- હેમંત ગોહિલ 'મર્મર'

🌱 ૧. ખોવાયેલ છે.
માળાથી તમારા ઘર સુધીના રસ્તામાં પંખીનું ટહુકા ભરેલું પર્સ ખોવાયેલ છે, સાથે કંઠનું લાઇસન્સ પણ છે. શોધી આપનારને યોગ્ય બદલો આપવામાં આવશે.
🌼 ૨. વેચવાનો છે.
પોશ વિસ્તારમાં આવેલા એક ઝાડને ૧૦૦ ચો.વાર છાંયડો વેચવાનો છે. સૌને પોષાય એવા ભાવે, ટાઇટલ ક્લીયર, દલાલોએ તસ્દી ન લેવી. દતક આપવામાં આવશે.
🌱 ૩. ભાડે આપવાની છે.
એક છોડને બીજા માળે એક ડાળી ફૂલો ખીલવવા ભાડે આપવાની છે. જ્ઞાતિબંધુઓને અગ્રીમતા આપવામાં આવશે.
🌼 ૪. મોકાનો પ્લોટ વેચવાનો છે.
છાતીની સહેજ ડાબી બાજુએ આવેલો મોકાનો પ્લોટ વેચવાનો છે, રમણીય પાર્ક બની શકે તેવા આ પ્લોટ માટે અજાણી વ્યક્તિએ પૂછપરછ કરવી નહિ.
🌱 ૫. ઈમલો વેચવાનો છે.
વર્ષો જૂના સપનાનો કાટમાળ વેચવાનો છે, વહેલા તે પહેલાના ધોરણે.
🌼 ૬. લગ્ન વિષયક.
ઉંમર જેટલી ઉંચી, દેખાવમાં હવા જેવી પાતળી, દરરોજના ઢગલાબંધ આંસુ કમાતી પીડાને ખમતીધર યુવક જોઈએ છે. જ્ઞાતિબાધ નથી.
🌱 ૭. જોઈએ છે.
વયોવૃદ્ધ, અશક્ત અને દિવસથી ત્યજાયેલી સાંજને સાચવી શકે તેવી પીઢ ઉંમરની આયા જોઈએ છે.
🌼 ૮. દત્તક જોઈએ છે.
શબ્દથી સમૃદ્ધ એવા શહેરના એક પ્રતિષ્ઠિત કવિને એક કવિતા દત્તક લેવાની છે, ઇચ્છુક વાલીઓએ કવિતાના ફોટા સાથે રૂબરૂ મળવું...
🌸🌸🌸🌸
( ઘણા વોટ્સ એપ ગ્રુપમાં નામ વગર ફરતી જોઈ
તેથી મુકવાનું મન થયું)

Thursday, 26 November 2015

હેમંત ગોહિલ "મર્મર" ની ગુજરાતી કવિતાઓ

http://www.gujaratipride.com/ebook-display/1122/

હેમંત ગોહિલ "મર્મર" ની ગુજરાતી કવિતાઓ

હેમંત ગોહિલ "મર્મર" ની ગુજરાતી કવિતાઓhttp://www.gujaratipride.com/ebook-display/1122/

હેમંત ગોહિલ "મર્મર" ની ગુજરાતી કવિતાઓ

હેમંત ગોહિલ "મર્મર" ની ગુજરાતી કવિતાઓhttp://www.gujaratipride.com/ebook-display/1032/
http://www.gujaratipride.com/ebook-display/1032/


વાર્તા : શ્વેત ડાઘ 

સમયના આવરણ નીચે દબાઈને પાંગરેલી પ્રણયની પરાકાષ્ઠા સુધી લંબાતી પ્રેમ ગાથા 
હું વાંચું છું, "Emergency Call ૧૦૮", http://wwwhttp://www.gujaratipride.com/ebook-display/1122/.gujaratipride.com/ebook-display/1122/
લેખક- હેમંત ગોહિલ
ગુજરાતી પ્રાઈડ ઈ-બુક એન્ડરોઈડ એપ્લીકેશન પર. 
‪#‎GujaratiPride‬
અણધાર્યો પરંતું સુખદ અંતમાં પિરણમતી પ્રણયગાથા..

Monday, 11 May 2015

ગીત ..રે સાહેલડી / હેમંત ગોહિલ "મર્મર "


સૈ,મારા ખેતર મોલથી ફાલ્યા ,
મારા ડૂંડા નીંઘલી હાલ્યા
કે ડૂંડા કેમ લણશું રે ,સાહેલડી ?

સૈ ,હું તો સમણે સાંધુ રાત્યું ,
ફાટે મારી ઘરચોળાની ભાત્યું ,
કે ભાત્યું કેમ સાંધશું રે સાહેલડી ?

સૈ ,હું તો ચોમાસાની અજાણી ,
મારા નેવે દદડે પાણી
કે પાણી કેમ ઝીલશું રે ,સાહેલડી ?

સૈ ,કોઈ અંધારામાં મરકે
,મારો ઝરમર દીવડો થરકે
કે જ્યોત કેમ ઝાલશું રે સાહેલડી ?

સૈ ,હું તો અડધી પડધી જાગું ,
હું તો વાંસલડી થઇ વાગુ
કે સૂર કેમ સુણશું રે સાહેલડી ?

સૈ ,મારા છૂંદણે મોરલા ટહૂકે
કોઈ મીઠું મીઠું લવકે
કે પીડ કે ઊપણું એ સાહેલડી ?

સૈ ,હું તો ટૌકાની થઇ તરસી
મારી આંખ્યું સગપણ વરસી
કે આંખ્યું કેમ આંજશું રે સાહેલડી ?

Saturday, 6 December 2014

Monday, 3 November 2014

એક સોનેરી ગીત _____ હેમંત ગોહિલ 'મર્મર'

એક સોનેરી ગીત _____ હેમંત ગોહિલ 'મર્મર'

Friday, 31 October 2014

ત્યારે સમજવું કે આજે દિવાળી છે !___________ હેમંત ગોહિલ "મર્મર "

ત્યારે સમજવું કે આજે દિવાળી છે !___________ હેમંત ગોહિલ "મર્મર "



કોઈને જૂઓ અને
તમારી અંદર રંગોલી પૂરાઈ જાય ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઈને ફરતા હો
અને
અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ અડી જતામાં
તમે આખે આખા ફૂટી જાવ
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા
તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ કડવી વખ જેવી ઉદાસી વાગોળતા વાગોળતા
તમે જૂના ડબ્બા ખોલતા હો
અને અચાનક કોઈની મીઠી યાદ sweet નું સ્વરૂપ લઈને મળી આવે
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
જમણો હાથ ડાબા હાથને પણ ન કળી શકે એવા ગાઢ અંધારમાં તમે બેઠા હો
અને
તમારા સાવ અંદરના ઓરડે આવીને કોઈ
દીવડો જલાવી જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !

Sunday, 17 August 2014


ગઝલ ___________ હેમંત ગોહિલ 'મર્મર '


મને બારાખડીની બ્હારનો અક્ષર મળી આવેલ છે ,
ખરી ઓળખ બતાવી લઇ જજો ,ઈશ્વર મળી આવેલ છે .

તમે ચારેય દીવાલો વચાળે સાંભળો બ્રેકિંગ ન્યુઝ ,
નથી એક્કેય વચ્ચે ભીંત એવું ઘર મળી આવેલ છે !

બધાં તોરણ તમે લ્યો ,થાવ લીલાં : બારણે હુકમ કર્યો 
પડેલું બંધ ખાનું ખોલતા અવસર મળી આવેલ છે .

નદીની બાતમીને લઈને રણની ધરપકડ કીધી હતી ,
તલાશી આંખની કરતા ભર્યું સરવર મળી આવેલ છે .

હવે તાળો દટાયેલા નગરની વારતાનો મેળવો ,
પુરાતનકાળના અવશેષમાં ઝાંઝર મળી આવેલ છે !!
ગઝલ _____હેમંત ગોહિલ 'મર્મર '

વાત સૌએ પ્રેમથી સ્વીકારવી પડશે ,
જીતવા ક્યારેક બાજી હારવી પડશે .

એમ વિઝા નૈ મળે કૈં પ્રેમનો તમને ,
મૌનમાં ઘટના બધી ઉચ્ચારવી પડશે .

હાથમાં મેં હાથ ઝાલ્યો એમનો તેથી ,
હસ્તરેખા ઈશ્વરે સુધારવી પડશે !!

શ્વાસના ચીલામાં કેવળ ચાલવાનું છે ?
એક કેડી તો નવી કંડારવી પડશે .

ઘૂઘવે છે એ સમંદર લાંઘવાનો છે ,
કોક જૂની વાતને સંભારવી પડશે .

એમ જાણી સ્વપ્નને મેં સાવ ટૂંકાવ્યા ,
કે ખુદાએ રાતને વિસ્તારવી પડશે .

Friday, 11 July 2014


ગઝલ ____ હેમંત ગોહિલ 'મર્મર '


જરા લ્યો , જીવને છુટ્ટો કરો જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો ,
નજરની સ્હેજ છત્રીને ધરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

હઠીલું આભ સંકેલી મૂકે છે વાદળાને આજ ડામચિયે ભલે ,
હથેળીમાં હથેળી પાથરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

અષાઢી વાતને ઇન્સ્ટોલ કીધી છે તમે ; એ વાત જાણે છે બધાં ,
હવે ભીના પવનને સંઘરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

કહો વંઠેલ તડકાને નહીં ચાલે કશીયે ધાક ધમકી બાગમાં ,
નમેલી ડાળખી પર પાંગરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

તમે તો મેઘધનુષી નામને તો ખૂબ સંભાર્યું છે અનરાધાર થૈ ,
હવે લગરીક એને સાંભરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

અચાનક હાથની મ્હેંદી થશે હેલી ;જરાયે વાતમાં શંકા નથી ,
કળાયલ મોરલાને ચીતરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

નથી વાદળ ,નથી વાવડ ,નથી અણસાર ,ગોરંભો નથી તો વીજળી ,
ગઝલ એકાદ નવ્વી આદરી જૂઓ : બને, વરસાદ આવે પણ ખરો .

Monday, 9 June 2014


પડદો ખસે છે ________ હેમંત ગોહિલ 'મર્મર '


હજીયે કોક બારીનો જરા પડદો ખસે છે 
અને હા એટલે આકાશ શેરીમાં વસે છે .

હવે આ સપ્તરંગી દ્રશ્યને ખીલા જડી દો,
બનીને પૂર જેવું આંગણામાં એ ધસે છે .

ભલે ફરતો રહે ગાંધી બની તું રોજ મનમાં 
પરંતુ શ્વાસ છે ને એતો આખર ગોડસે છે .

ઘણાં તડકા ભરીને આંખમાં એ શખ્સ નીકળ્યો ,
બજારે એટલે ગુલમ્હોર થૈને એ હસે છે .

Tuesday, 25 March 2014


ગઝલ ________ હેમંત ગોહિલ 'મર્મર '


એક માણસનું હકીકતમાં જ અફવા થઇ જવું ,
કેટલું ખટકે છે મૂંગી સાવ ઘટના થઇ જવું .

હોય ક્યાં વિકલ્પ ત્રીજો દિવસોના કાયદે ,
છાંયડાઓ થઇ જવું અથવા તો તડકા થઇ જવું .

આજ મારા આંગણામાં આવવાનાં એ હશે ,
સૂચવે છે આ હવાનું કંકુપગલાં થઇ જવું .

બાઅદબ સૌ શબ્દ તો બેઠાં પલાંઠી વાળતા ,
શીખવે છે કંદરા કે કેમ પડઘા થઇ જવું .

સાવ સૂક્કીભઠ્ઠ થૈને ભોંય પડતર થઇ હતી ,
મૂળમાં છે આંખથી આંસુનું અળગા થઇ જવું .

Saturday, 28 December 2013


આવજાવ હોય _________ હેમંત ગોહિલ "મર્મર "


ન બારણું છતાંય આવજાવ હોય ,
ખરે જ આંખનો સરળ સ્વભાવ હોય .

હજીય ધુમ્રસેર ધૂંધવાય સ્હેજ ,
કદીક કાફલાનો ત્યાં પડાવ હોય !

અવાવરું જગા તો ભીડમાંય હોય ,
હરેફરે છે શખ્સ એય વાવ હોય !

ન હાથ લાગતી કડી કદી જરાય ,
બનેલ ભીતરે ભલે બનાવ હોય .

હશે જ ભાત કૈ વસંતની ભરેલ ,
ન ચીંથરામાં એમ કંઈ લગાવ હોય !

બહાલ થઇ જતા તરત વગર વિરોધ ,
જો એમની જ આંખના ઠરાવ હોય .

બળીને ખાખ થઇ ગયું છે વન બધુંય,
ન દવ કદાચ હોય ; હોય દાવ હોય !

હજીય પાળ પર એ ઝાડ લીલકાય ,
તપાસતા તો મૂળમાં તળાવ હોય !

Saturday, 14 December 2013


ગઝલ _______________ હેમંત ગોહિલ "મર્મર "


એક નાનું ટાંકણું લ્યો ,
બિંબ સામે આપણું લ્યો .

ક્યાંક વરસે વાદળું ને ,
ક્યાંક લાગે દાઝણું ,લ્યો .

ભીંતનો પણ શું ભરોસો ?
હોય ભીતર બારણું ,લ્યો .

એક પીડા ગુજરી ગઈ ,
દર્દ મૂકી ધાવણું ,લ્યો .

નામ એનું એક રોપ્યું ,
મઘમઘે છે આંગણું ,લ્યો .

ચાંદની ઢોળાય આભે ,
કેમ દેવું ઢાંકણું ,લ્યો ?

રાત ઈર્ષામાં બળી ગઈ ,
સ્વપ્ન છે સોહામણું ,લ્યો .

Saturday, 7 September 2013


ગઝલ ...હેમંત ગોહિલ "મર્મર "


એક ઈચ્છાનેય ચાલો આજ મારી જોઈએ ,
આગ અંદર હોય એને સ્હેજ ઠારી જોઈએ .

તો હવાની લ્હેરખી થઇ જાય ખૂશ્બૂ ઓરડે ,
એમની પણ સ્હેજ ખુલ્લી એક બારી જોઈએ .

આંખ ને આંસુની વચ્ચે આજ ભીષણ યુદ્ધ છે ,
જીત માટે ચાલ ,મનવા આજ હારી જોઈએ .

છાંયડા વિસ્તારવાની આવડતને કેળવો ,
આંગણું ઘેઘૂર કરવા એક ક્યારી જોઈએ .

એમ કરતા ક્યાંક જો દર્શન હરિના થાય તો ,
સામસામી આજ આંસુ ,આવ સારી જોઈએ .

અર્થની જ્વાળા તરત ભડકો બની ફેલી જશે ,
શબ્દમાં પણ ક્યાંક છૂપી ચિનગારી જોઈએ .

Tuesday, 3 September 2013


ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "


મળી છે સાંજ એ સાબિત કરી દે તું ,
ઢળી છે સાંજ એ સાબિત કરી દે તું .

નથી અંધાર કેવળ વાર કરવામાં ,
ભળી છે સાંજ એ સાબિત કરી દે તું .

બળેલાં સ્વપ્નની છો વાસ આવે છે ,
બળી છે સાંજ એ સાબિત કરી દે તું .

હજીયે શ્વાસ ઉંહકારા કરે રોજે ,
કળી છે સાંજ એ સાબિત કરી દે તું .

હવે ફાંકયા કરું છું રોજ અંધારું ,
દળી છે સાંજ એ સાબિત કરી દે તું .

ખરેલું પાન છું : કે 'શો નહીં કે આ ,
લળી છે સાંજ એ સાબિત કરી દે તું .